Sursagar Dairy News/ વિકાસના સૂરમાં સૂર પુરાવતી સુરેન્દ્રનગરની સુરસાગર ડેરી

સુરસાગર ડેરીની નિયમિત કામગીરીએ પશુપાલકોને આર્થિક સ્થિરતા આપી છે. તેના કારણે ગ્રામીણ વિસ્તારોમાં વધુને વધુ લોકો સ્થિર આવક માટે પશુપાલન તરફ વળ્યા છે. તેના કારણે ગ્રામીણ વિસ્તારોમાં પશુપાલનને વેગ મળતા ગામડાંથી શહેરમાં થતાં પલાયનની ગતિ ધીમી પડી ગઈ છે. સુરસાગર ડેરીએ લોકલ ફોર વોકલનું સૂત્ર અપનાવતા ગ્રામીણો અને નાના શહેરોના યુવાનોને જ નોકરી આપી છે.

Mantavya Vishesh

સુરેન્દ્રનગરની સુરસાગર ડેરીની સ્થાપના માર્ચ 1975માં થઈ ત્યારે તેનો માર્ગ અત્યંત કપરો હતો. સુરેન્દ્રનગરને તે સમયે પાણીના અભાવે નપાણિયો મુલક માનવામાં આવતો હતો. આ સમયે તેમા ડેરીની સ્થાપના કરવી કેટલી કપરી હશે તે સમજી શકાય છે. વ્યક્તિ જીવનના દુઃખના દિવસો કે કપરા દિવસો ગણી-ગણીને કાઢે તેવા કપરા દિવસો સુરસાગર ડેરીએ કાઢ્યા છે. સુરસાગર ડેરીમાં તો પહેલા 25 વર્ષમાં એવી સ્થિતિ હતી કે તેની કામગીરી ગમે ત્યારે અટકી જઈ શકે, તેને તાળા વાગી જઈ શકે. તાળા આજે વાગશે, આવતીકાલે વાગશે તેવા દિવસો ગણાતા હતા. આજે આ દિવસો પાછળ છોડીને સૂરસાગર ડેરીએ વિકાસની હરણફાળ ભરી છે.

સુરસાગર ડેરી જાણે છે કે પશુપાલકો તેમની ડેરીના પાયો છે અને જો પાયો હચમચ્યો તો સીધો ડેરીના અસ્તિત્વની સામે સવાલ ઊભો થઈ શકે. તેથી સુરસાગર ડેરી હંમેશા પશુપાલકોના કલ્યાણ માટે કામ કરતી રહી છે. પશુપાલકોનો ફક્ત આર્થિક જ નહીં સામાજિક વિકાસ થાય તે માટે ડેરી પ્રતિબદ્ધ રહી છે. તેનું મુખ્ય ધ્યેય પશુપાલકોના જીવનનું સ્તર વધુ ઊંચા સ્તરે લઈ જવાનું છે. પીએમ મોદીએ પશુપાલકોની આવકમાં વધારો કરવાનું જે વિઝન સેવ્યુ છે તે ચરિતાર્થ કરવાનું છે.

સુરસાગર ડેરીએ ફક્ત દૂધના ઉત્પાદન પર જ નહીં પણ તેનું ગુણવત્તાસભર ઉત્પાદન થાય તેના પર ધ્યાન આપ્યું છે. આ માટે પશુઓને સમયસર પોષણક્ષમ આહાર આપવો, તેનું નિયમિત રીતે રીકરણ કરાવવું, પશુઓની યોગ્ય સંભાળ રાખવી, તેના દોહન વખતે પણ સ્વચ્છતા જળવાય તે જોવું વગેરે પગલા તે નિયમિત રીતે લેતી રહી છે. પશુપાલનના વ્યવસાયને પ્રતિષ્ઠા અપાવવા માટે સુરસાગર ડેરીએ કમર કસી છે. પશુપાલકોનું હિત તેના હૈયે છે.

ડેરીએ પશુઓને મોટી જણસ માન્યા છે. તેથી જ પશુ આરોગ્ય સેવાઓ, પશુ પોષણ માર્ગદર્શન, પશુપાલન તાલીમ અને વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે. અહીં તે નોંધનીય છે કે કોઈને પશુપાલન શીખવું હોય તો તેના માટે તાલીમ પણ ડેરી દ્વારા પૂરી પાડવામાં આવે છે. ડેરી ઘણી વખત તેના માટે વર્કશોપનું પણ આયોજન કરે છે. પશુઓનું નિયમિત રીતે રસીકરણ કરવામાં આવે છે. ડોક્ટરો પણ ગમે તે સમયે ઓચિંતી મુલાકાત લઈને પશુઓનું આરોગ્ય ચેક કરે છે. જ્યારે સ્પેશ્યલ વિઝિટ દરમિયાન તો જિલ્લાના બધા પશુપાલકોના પશુઓને મફતમાં સારવાર પૂરી પાડવામાં આવે છે. આ બતાવે છે કે ડેરી પશુઓને લઈને પશુવત્ અભિગમ નહીં પણ વધુને વધુ માનવીય અભિગમ અપનાવી રહી છે. તેના કારણે જ સુરસાગર ડેરી ફૂલીફાલી છે.

હાલમાં સુરેન્દ્રનગરની સુરસાગર ડેરીમાં 673 દૂધમંડળીઓ તેની સભાસદ છે. તેના કુલ એક લાખથી પણ વધુ સભ્યો છે અને તેમા મહિલા સભ્યોનો જ આંકડો 27 હજારથી વધારે છે. તેના લીધે લગભગ 5.41 લાખ લિટર દૂધનું રોજ એકત્રીકરણ કરવામાં આવે છે.

સુરસાગર ડેરીના વર્તમાન ચેરમેન નરેશ મારુએ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર ડેરીની સ્થાપનાને 50 વર્ષ પૂરા થઈ ગયા છે. પ્રારંભિક 25 વર્ષો અત્યંત કપરા હતા અને તેના પછી આ ડેરીએ છેલ્લા 25 દરમિયાન નોંધપાત્ર વિકાસ સાધ્યો છે. આજે સુરસાગર ડેરીનું ટર્નઓવર એક હજાર કરોડથી પણ વધારે છે. આજે રાજ્ય બહાર દૂધના વેચાણની વાત આવે તો સુરેન્દ્રનગરની સુરસાગર ડેરી આખા સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ છે. ડો. વર્ગીસ કુરિયને સહકારી ક્ષેત્રની વૃદ્ધિ માટે આપેલા માર્ગદર્શનના આધારસ્તંભ પર જ ડેરીનો પાયો નંખાયો છે. તેની સાથે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન પદે હતા ત્યારે તેમણે સુરસાગર ડેરીને ખૂબ જ મદદ કરી હતી. હવે તો સહકાર પ્રધાન જ અમિતભાઈ સાહેબ છે ત્યારે તો જે પણ મદદની કેન્દ્ર સ્તરે જરૂર હોય તે મદદ તેઓ તરત જ પૂરી પાડે છે અને પૂરી પાડવા તત્પર પણ રહે છે.

સુરસાગર ડેરીની નિયમિત કામગીરીએ પશુપાલકોને આર્થિક સ્થિરતા આપી છે. તેના કારણે ગ્રામીણ વિસ્તારોમાં વધુને વધુ લોકો સ્થિર આવક માટે પશુપાલન તરફ વળ્યા છે. તેના કારણે ગ્રામીણ વિસ્તારોમાં પશુપાલનને વેગ મળતા ગામડાંથી શહેરમાં થતાં પલાયનની ગતિ ધીમી પડી ગઈ છે. સુરસાગર ડેરીએ લોકલ ફોર વોકલનું સૂત્ર અપનાવતા ગ્રામીણો અને નાના શહેરોના યુવાનોને જ નોકરી આપી છે. તેના કારણે આ સ્થળોના લોકોને નિયમિત રીતે આવક મળવા માંડી છે. આ સિવાય તેના સ્ટોરનું સંચાલન પણ તે સ્થાનિક યુવાનોને જ સોંપે છે.

સુરેન્દ્રનગર ડેરીએ ડેરી ટેકનોલોજીની સાથે-સાથે બીજી અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરતાં આજે પશુપાલકોને એક જ એસએમએસથી તેમના દૂધનું વજન, તેમનું ફેટ અને તેની કિંમતની માહિતી મળી જાય છે. તેની સાથે તેમને મળતી રકમ પણ તે જ દિવસે તેમના ખાતામાં જમા થઈ જાય છે. પશુપાલકો અમૂલ ફાર્મર એપ દ્વારા પોતાના એન્દ્રોઇડ ફોન પર બધી જ માહિતી મેળવી શકે છે. આના કારણે પારદર્શકતામાં વધારો થયો છે. પશુપાલકોને પણ ઝડપથી જાણકારી મળી જાય છે અને કંઈપણ વસ્તુને લગતો વિવાદ હોય તો તેનો તરત જ ત્વરિત સ્થળ પર જ નિકાલ કરી દેવાય છે. તેની સાથે પશુપાલકોને તે જ દિવસે ચૂકવણી પણ થઈ જાય છે.

સુરસાગર ડેરીએ 2024-25ના વર્ષમાં સાત કરોડનો નફો કર્યો હતો અને 16 રૂપિયાથી પણ વધુ રકમના ડિવિડન્ડની ચૂકવણી કરી હતી. આમ સુરસાગર ડેરી તેના નફાનો નોંધપાત્ર હિસ્સો પશુપાલકોને વહેંચી દે છે. દૂધમંડળીના ગ્રાહકોને દૂધસંઘની મરણોત્તર સહાય યોજના હેઠળ મૃતક ગ્રાહકોને વારસદારોને સહાય ચૂકવાય છે. રાજ્યમાં જૂજ ડેરીઓ આ પ્રકારનું પગલું ભરી શકે છે. આ બાબત સુરસાગર ડેરીનો પશુપાલકો પ્રત્યેનો સંવેદનશીલ અભિગમ દર્શાવે છે. તેના કારણે જ સુરસાગર ડેરી દિવસ વીતવાની સાથે વધુને વધુ પ્રમાણમાં પ્રગતિના સોપાન સર કરતી જાય છે.

આજે ડેરી દૈનિક ધોરણે બે લાખ લિટરની ક્ષમતા ધરાવતો પ્રોસેસિગ પ્લાન્ટ ધરાવે છે. તેમા અમુલના દૂધ, દહી, છાશ, મસાલા છાશ, બ્રાઉન ઘી, અમૂલ રબડી, અમૂલ પનીર, અમૂલ ઘી, સત્વ છાશ, સુરસાગર ઘી વગેરેનું પેકિંગ થાય છે. આ ઉપરાંત દૈનિક 30 હજારથી 40 હજાર લિટર આઇસક્રીમ બનાવતો પ્લાન્ટ પણ કાર્યરત છે. તેમા હાલમાં જુદી-જુદી 101 ફ્લેવરનો આઇસક્રીમ બનાવવામાં આવે છે. આમ સૌરાષ્ટ્રમાં આઇસક્રીમ પ્રોસેસિંગ પ્લાન્ટ ધરાવતી એકમાત્ર ડેરી સુરસાગર ડેરી છે. આ પ્લાન્ટમાં પણ મોટાપાયા પર સ્થાનિકોને જ રોજગારી આપવામાં આવી છે.

આ ઉપરાંત પાટડી ખાતે સુરસાગણ દાણનો 150 મેટ્રિક ટનની ક્ષમતાનો પ્લાન્ટ શરૂ થઈ ગયો છે. તેના કારણે પશુપાલકોને ગુણવત્તાસભર પશુઆહર પણ ડેરીમાંથી જ મળી રહે છે. આ ઉપરાંત વધુ વસ્તી ધરાવતા ગામડાઓમાં અમૂલ પાર્લર ખોલવામાં આવી રહ્યા છે, જેથી સ્થાનિકોને વધુને વધુ પ્રમાણમાં રોજગાર મળી રહે. દરેક દૂધમંડળીએ અમુલના આઇસક્રીમ સહિતના વિવિધ પ્રોડક્ટ્સ મળી રહે તે માટે ત્યાં અમુલ પાર્લર ખોલવાનું પણ આયોજન છે. હાલમાં આ સંખ્યા 31 દૂધમંડળી સુધી પહોંચી છે. આ ઉપરાંત દૂધમંડળીઓ અને બલ્ક મિલ્ક કુલર ધરાવતી મંડળીઓ સોલર પ્લાન્ટ સ્થાપવાનું પણ આયોજન ધરાવે છે, જેના કારણે તેના વીજખર્ચમાં નોંધપાત્ર બચત થાય અને તેનો ફાયદો પણ પશુપાલકોને મળે.

સુરસાગર ડેરીના પારદર્શક વહીવટના કારણે એક સમયે 2009-10માં ડેરીની મિલકત ફક્ત 5.42 કરોડ જ હતી. આજે આ મિલકત 371.57 કરોડ રૂપિયા છે. આ બતાવે છે કે સારા વહીવટકર્તાઓ આવે અને સ્વચ્છ વહીવટ કરે તો સહકારી ક્ષેત્રનું અને તેના પર નભનારા પશુપાલકોનું ભવિષ્ય કેટલું ઉજ્જવળ છે. ડેરીની વિવિધ પ્રવૃત્તિઓનો લાભ જિલ્લાના દરેક જણ સુધી તો પહોંચે જ છે, હવે ડેરીએ રાજ્યની બહાર પણ પાંખો પ્રસરાવવા માંડી છે. તેની દૂધની પેદાશો હવે રાજ્યની પણ બહાર જવા લાગી છે. આ બતાવે છે કે ગુણવત્તાને પ્રાધાન્ય આપવાનો નિર્ણય ડેરીને ફળ્યો છે.


આ પણ વાંચો: પશુપાલકો માટે રાહતના સમાચાર, સાબર ડેરીએ વાર્ષિક દૂધ વૃદ્ધિની કરી જાહેરાત

આ પણ વાંચો: વાર્ષિક ભાવફેરને લઈને સાબર ડેરીની જાહેરાત : પશુપાલકોને પ્રતિ કિલો ફેટે રૂ. 995 ચૂકવાશે

આ પણ વાંચો: સાબર ડેરીમાં કરોડોના કૌભાંડના આક્ષેપ, બાબુ બારદાનો વીડિયો વાયરલ

Dairy & Eggs