us news/ અમેરિકાના ઓહિયોમાં સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન ગોળીબાર, 8 લોકો ઘાયલ

America Ohio Mass Firing: અમેરિકાના ઓહાયોના ટોલેડોમાં ઓલ્ડ વેસ્ટ એન્ડ ફેસ્ટિવલ દરમિયાન થયેલા અંધાધૂંધ ગોળીબારમાં 8 લોકો ઘાયલ થયા છે. નેવી વેટરન કેવિન બેરીએ ઘાયલોની મદદ કરી. પોલીસ તપાસ ચાલુ છે.

Top Stories World
America Ohio Mass Firing

America Ohio Mass Firing: અમેરિકામાં ગન કલ્ચર અને માસ ફાયરિંગની નબળી કાયદો-વ્યવસ્થા વચ્ચે ફરી એકવાર રક્તપાતની સનસનાટીભરી ઘટના સામે આવી છે. અમેરિકાના ઓહાયો રાજ્યના ટોલેડો (Toledo) શહેરમાં શનિવારે બપોરે એક લોકપ્રિય કોમ્યુનિટી સ્ટ્રીટ ફેસ્ટિવલ નજીક અચાનક થયેલા અંધાધૂંધ ગોળીબારને કારણે આખી વિસ્તારમાં ભારે અફરા-તફરી અને ચીસાચીસનો માહોલ સર્જાયો હતો. આ ભયાનક ઘટના શહેરના ઐતિહાસિક ‘ઓલ્ડ વેસ્ટ એન્ડ ફેસ્ટિવલ’ (Old West End Festival) નજીક બની હતી. ફાયરિંગની જાણ થતાં જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો અને ઇમરજન્સી મેડિકલ ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આ ગોળીબારમાં અનેક લોકો ઘાયલ થતાં સમગ્ર વિસ્તાર લશ્કરી છાવણીમાં ફેરવાઈ ગયો છે.

Ohio : ઉત્સવ દરમિયાન અચાનક ફાયરિંગ

સ્થાનિક પોલીસ પ્રશાસન દ્વારા મળતી સત્તાવાર માહિતી અનુસાર, સ્થાનિક સમય મુજબ શનિવારે સાંજે આશરે ૫:૩૦ વાગ્યે વાર્ષિક ફેસ્ટિવલમાં અચાનક ફાયરિંગ થયું હોવાનો ઈમરજન્સી કોલ મળ્યો હતો. પોલીસ અધિકારીઓ જ્યારે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે ચારેબાજુ લોહીલુહાણ હાલતમાં લોકો પડ્યા હતા. ઘાયલોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે નજીકની જુદી-જુદી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.

શરૂઆતમાં ઈજાગ્રસ્તોનો ચોક્કસ આંકડો સ્પષ્ટ નહોતો, પરંતુ ટોલેડોના મેયર વેડ કાપ્સઝુકિવિઝે (Wade Kapszukiewicz) પાછળથી સત્તાવાર પુષ્ટિ કરી હતી કે આ હુમલામાં કુલ 8 લોકોને ગોળી વાગી છે. રાહતની વાત એ છે કે, તબીબોના જણાવ્યા અનુસાર તમામ ઘાયલો હાલ ખતરાથી બહાર છે અને તેમના બચી જવાની પૂરેપૂરી આશા છે. હાલ પોલીસ અનેક ટીમો બનાવીને ફરાર શંકાસ્પદ હુમલાખોરની સઘન શોધખોળ કરી રહી છે.

‘માહોલ એકદમ ભયાનક હતો, લોકો જમીન પર સૂઈ ગયા’

આ ભયાનક ઘટનાને નજરે જોનારા લોકો હજુ પણ આઘાતમાં છે. ઉત્સવમાં આવેલા કેવિન બેરી નામના એક નજરેજોનારે મીડિયાને જણાવ્યું હતું કે, “અમે નજીકના એક એબોરેટમમાં મિત્રો સાથે લાઈવ મ્યુઝિક સાંભળીને વીકએન્ડ એન્જોય કરી રહ્યા હતા, ત્યારે જ અચાનક ઉપરાઉપરી ગોળીઓ છૂટવાનો ભયાનક અવાજ સંભળાયો. અવાજ સાંભળતા જ ગભરાટમાં આખી ભીડ પોતાનો જીવ બચાવવા આમ-તેમ દોડવા લાગી અને ઘણા લોકો જીવ બચાવવા જમીન પર સૂઈ ગયા હતા.”

નૌકાદળના પૂર્વ સૈનિક (Navy Veteran) રહી ચૂકેલા કેવિન બેરીએ હિંમત બતાવીને ઘટનાસ્થળે ઘાયલ થયેલા લોકોને પ્રાથમિક મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે પોતાની નજરે ઓછામાં ઓછા પાંચ લોકોને ગોળી વાગતા લોહીલુહાણ હાલતમાં જોયા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે ઘટનાસ્થળથી થોડે દૂર એક હથિયાર પણ ફેંકાયેલું જોવા મળ્યું હતું, જેને પોલીસે કબજે લીધું છે.

તહેવારની શરૂઆતમાં જ પ્રસરી ગયો માતમી સન્નાટો

ટોલેડો પોલીસ વિભાગના જણાવ્યા અનુસાર, ઓલ્ડ વેસ્ટ એન્ડ ફેસ્ટિવલ એ શહેરના ઐતિહાસિક જિલ્લામાં યોજાતો અત્યંત લોકપ્રિય બે દિવસીય વાર્ષિક કાર્યક્રમ છે. આ ઉત્સવમાં લાઈવ મ્યુઝિક, સ્વાદિષ્ટ ફૂડ સ્ટોલ્સ, શોપિંગ અને ફેમસ હાઉસ ટુરનું આયોજન કરવામાં આવે છે, જે શહેરના સમર ફેસ્ટિવલ સીઝનની સત્તાવાર શરૂઆત માનવામાં આવે છે. આ લોકપ્રિય ઈવેન્ટમાં હજારોની મેદની એકઠી થઈ હતી, પરંતુ અચાનક થયેલા આ ગોળીબારે તહેવારની ખુશીઓને માતમી સન્નાટામાં ફેરવી દીધી છે. ઘટના બાદ પોલીસે સમગ્ર ફેસ્ટિવલ એરિયાની સુરક્ષા લોકડાઉન જેવી સખત કરી દીધી છે.

અમેરિકામાં માસ ફાયરિંગનો ગ્રાફ ચિંતાજનક સ્તરે વધ્યો

ગન વાયોલન્સ આર્કાઈવ (Gun Violence Archive) ના સત્તાવાર અને ચોંકાવનારા આંકડા અનુસાર, અમેરિકામાં આ વર્ષે નોંધાયેલી માસ ફાયરિંગની આ ઓછામાં ઓછી 170મી (170th) ઘટના છે. અમેરિકન કાયદા અનુસાર, જે શૂટિંગમાં ચાર કે તેથી વધુ લોકોને ગોળી મારવામાં આવી હોય તેને ‘માસ ફાયરિંગ’ ની શ્રેણીમાં રાખવામાં આવે છે. અમેરિકામાં અવારનવાર બનતી આવી ગન વાયોલન્સની ઘટનાઓ વૈશ્વિક સ્તરે ચિંતાનો વિષય બની છે. હાલ સ્થાનિક પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ હુમલા પાછળનો હેતુ (Motive) જાણવા માટે ઊંડાણપૂર્વકની કાનૂની તપાસ ચલાવી રહી છે.


આ પણ વાંચો :  અમેરિકામાં ભારતીય યુવકની ક્રૂર હત્યા, ફેક પિત્ઝા ડિલિવરીના બહાને જાળમાં ફસાવી ગોળી મારી

આ પણ વાંચો : અમેરિકામાં H-1B વિઝાના નિયમો થશે કડક, અવધિ 6 વર્ષથી ઘટાડી માત્ર 2 વર્ષ કરવાનો પ્રસ્તાવ

આ પણ વાંચો : ‘કોકરોચ જનતા પાર્ટી’ના સ્થાપક અમેરિકાથી દિલ્હી પહોંચ્યા, પોલીસે જંતર-મંતર પર વિરોધની આપી મંજૂરી