Vadodara News/ યુસુફ પઠાણને HCની કડક ટકોર, જમીન ખાલી કરો નહીં તો દંડ

યુસુફ પઠાણે (Yusuf Pathan) વર્ષ 2012માં વડોદરામાં એક પ્લોટ મેળવવા માટે અરજી કરી હતી.

Top Stories Gujarat Vadodara
પૂર્વ ભારતીય ક્રિકેટર અને હાલ તૃણમૂલ કોંગ્રેસના લોકસભા સાંસદ યુસુફ પઠાણ (Yusuf Pathan)ને વડોદરાની વિવાદિત જમીન (Land Dispute) મામલે ગુજરાત હાઈકોર્ટમાંથી કડક ટિપ્પણીઓનો સામનો કરવો પડ્યો છે

Vadodara News : પૂર્વ ભારતીય ક્રિકેટર અને હાલ તૃણમૂલ કોંગ્રેસના લોકસભા સાંસદ યુસુફ પઠાણ (Yusuf Pathan)ને વડોદરાની વિવાદિત જમીન (Land Dispute) મામલે ગુજરાત હાઈકોર્ટમાંથી કડક ટિપ્પણીઓનો સામનો કરવો પડ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જમીનનું કાયદેસર એલોટમેન્ટ થયું જ ન હોય તો તેના પર કબજો કેવી રીતે કરી શકાય? કોર્ટે ચેતવણી આપી કે જો જમીન ખાલી કરવામાં નહીં આવે તો દંડ ફટકારવામાં આવશે અને જરૂર પડે તો સત્તાવાળાઓને કબજો પાછો મેળવવાનો આદેશ આપવામાં આવશે.

હાઈકોર્ટ (High court)ના કડક સવાલો

સુનાવણી દરમિયાન કોર્ટે નોંધ્યું કે યુસુફ પઠાણ (Yusuf Pathan)ને જમીન ફાળવવા અંગે માત્ર સ્ટેન્ડિંગ કમિટીનો પ્રસ્તાવ હતો. જમીન ફાળવણીનો અંતિમ આદેશ કે લીઝ ડીડ ક્યારેય થઈ નથી. તેમ છતાં જમીન પર કબજો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

કોર્ટે સવાલ કર્યો કે જ્યારે જમીનનું એલોટમેન્ટ થયું જ નથી ત્યારે તેના પર કબજો કેવી રીતે કરવામાં આવ્યો? સાથે જ કોર્ટે જણાવ્યું કે જાહેર હરાજી વિના કોઈ વ્યક્તિને સીધી જમીન ફાળવી શકાય નહીં અને આ માટે પારદર્શક પ્રક્રિયા જરૂરી છે.

“આ ગુનો છે, ક્રિકેટર પાસેથી આવી અપેક્ષા નહોતી”

હાઈકોર્ટે (High Court)વધુમાં જણાવ્યું કે સરકારી જમીન પર અનધિકૃત રીતે વાડ કે અન્ય માળખું ઉભું કરવું ગંભીર બાબત છે. કોર્ટે ટિપ્પણી કરી કે યુસુફ પઠાણ આંતરરાષ્ટ્રીય સ્તરના ક્રિકેટર રહ્યા છે અને તેમની પાસેથી કાયદાનું પાલન કરવાની અપેક્ષા રાખવામાં આવે છે.

કોર્ટે એ પણ જણાવ્યું કે જમીનનો ઉપયોગ ન કરવામાં આવતો હોય તો પણ ગેરકાયદેસર કબજો ગણાશે અને તેના બદલામાં બજાર દર મુજબનું ભાડું અથવા વળતર ચૂકવવું પડી શકે છે.

2012થી શરૂ થયો હતો જમીન ફાળવણીનો મુદ્દો

માહિતી મુજબ, યુસુફ પઠાણે (Yusuf Pathan) વર્ષ 2012માં વડોદરામાં એક પ્લોટ મેળવવા માટે અરજી કરી હતી. ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટીએ બજાર કિંમતે જમીન આપવા પ્રસ્તાવ મંજૂર કર્યો હતો. આ પ્રસ્તાવને જનરલ બોડીની મંજૂરી મળ્યા બાદ રાજ્ય સરકાર પાસે મોકલવામાં આવ્યો હતો.

જોકે રાજ્ય સરકારે વર્ષ 2014માં જ આ પ્રસ્તાવને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. બાદમાં વર્ષ 2024માં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને જમીન ફાળવણીનો પ્રસ્તાવ નકારી કાઢ્યો અને પ્લોટ પરથી કબજો દૂર કરવા સૂચના આપી હતી.

યુસુફ પઠાણની દલીલ શું?

યુસુફ પઠાણ તરફથી કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે વર્ષ 1999ની રાજ્ય સરકારની નીતિ મુજબ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોને જમીન ફાળવવાની જોગવાઈ છે. ઉપરાંત, તેઓ જમીનની વર્તમાન બજાર કિંમત ચૂકવવા પણ તૈયાર હોવાનું જણાવ્યું હતું.

પઠાણ પક્ષે દલીલ કરી હતી કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સ્વાયત્ત સંસ્થા હોવાથી રાજ્ય સરકારની મંજૂરી જરૂરી નહોતી. તેમજ તેઓ લાંબા સમયથી પ્લોટના કબજામાં હોવાથી અચાનક કાર્યવાહી કેમ કરવામાં આવી તે પણ સવાલ ઉઠાવવામાં આવ્યો.

કોર્ટે અધિકારીનું નામ માંગ્યું

હાઈકોર્ટે કડક શબ્દોમાં પૂછ્યું કે યુસુફ પઠાણને જમીનનો કબજો કોણે આપ્યો હતો? કોર્ટે જણાવ્યું કે જો સંબંધિત અધિકારીનું નામ આપવામાં આવશે તો તેની સામે પણ તપાસના આદેશ આપી શકાય.

સાથે જ કોર્ટે સૂચન કર્યું કે જો જમીન ખાલી નહીં કરવામાં આવે તો સત્તાવાર રીતે કબજો પાછો મેળવવાની કાર્યવાહી શરૂ થઈ શકે છે.

હવે આગળ શું?

આ સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટમાં વધુ સુનાવણી 15 જૂનના રોજ હાથ ધરાશે. આગામી સુનાવણી દરમિયાન યુસુફ પઠાણ જમીન ખાલી કરવા અંગે શું વલણ અપનાવે છે અને કોર્ટ શું અંતિમ નિર્દેશ આપે છે તેના પર સૌની નજર રહેશે.

હાલ માટે હાઈકોર્ટની ટિપ્પણીઓએ સમગ્ર કેસને વધુ ગંભીર બનાવી દીધો છે અને વડોદરાની આ જમીન વિવાદ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી ગયો છે.


આ પણ વાંચો : વડોદરા મનપાની 84 કરોડની જમીન પર ક્રિકેટર યુસુફ પઠાણનું દબાણ!

આ પણ વાંચો : વિવાદિત જમીન કેસમાં TMC સાંસદ યુસુફ પઠાણ હાઈકોર્ટ પહોંચ્યા, પૂર્વ ક્રિકેટરની મુશ્કેલીઓ વધી

આ પણ વાંચો : ડોપ ટેસ્ટમાં ક્રિકેટર યુસુફ પઠાણ ફેલ, BCCI એ ૫ મહિના માટે કર્યો સસ્પેન્ડ