Haryana Weather Update: હરિયાણામાં ભારે ગરમી અને હિટવેવ વચ્ચે અચાનક હવામાનમાં મોટો પલટો જોવા મળ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલી આંધીએ ભારે તબાહી મચાવી છે. આંધીઅને વરસાદના કારણે અનેક જિલ્લાઓમાં વૃક્ષો ધરાશાયી થયા છે, વીજ થાંભલાઓ તૂટી પડ્યા છે તેમજ દુકાનોના ટીનશેડ અને હોર્ડિંગ્સ ઉખડી ગયા છે.
ફતેહાબાદ, ગુરુગ્રામ સહિતના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાતા અનેક સ્થળોએ બ્લેકઆઉટ જેવી સ્થિતિ સર્જાઈ હતી. હાંસી વિસ્તારમાં લગભગ એક કલાક સુધી ચાલેલી જોરદાર આંધી સાથે કરા પણ વરસ્યા હતા, જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત બન્યું હતું.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ પંજાબ ઉપર સક્રિય થયેલી ચક્રવાતી સિસ્ટમના કારણે આ સ્થિતિ ઊભી થઈ છે. વિભાગે 13 જૂન સુધી સમગ્ર હરિયાણા માટે ભારે વરસાદ, ગાજવીજ અને કરાવર્ષાની સંભાવનાને ધ્યાનમાં રાખીને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
પરિસ્થિતિની ગંભીરતાને જોતા રાજ્ય સરકાર અને આપદા વ્યવસ્થાપન વિભાગે અનેક જિલ્લાઓના નાગરિકોને મોબાઇલ પર ઇમરજન્સી એલર્ટ મોકલ્યા છે. પંચકુલા, અંબાલા, કરનાલ, કુરુક્ષેત્ર, કૈથલ, જીંદ અને પાણીપતના લોકોને ઘરની બહાર ન નીકળવા તેમજ તોફાની પવન અને કરાવર્ષાથી સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.
બીજી તરફ, ચોમાસાએ ફરી ગતિ પકડી હોવા છતાં દેશભરમાં વરસાદનું પ્રમાણ હજુ સંતોષકારક નથી. જૂન મહિનામાં અત્યાર સુધી સરેરાશ કરતાં આશરે 24 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. હવામાન નિષ્ણાતો આ સ્થિતિને પ્રશાંત મહાસાગરમાં સક્રિય બની રહેલા અલ નીનો પ્રભાવ સાથે જોડીને જોઈ રહ્યા છે.
આ પણ વાંચો: દેશના અનેક રાજ્યોમાં હવામાનનો પલટો, વીજળી અને વાવાઝોડાથી 16નાં મોત
આ પણ વાંચો: કેન્દ્ર સરકારે પેટ્રોલ પંપ પર ડીઝલ આપવાની લિમિટ નક્કી કરી, 1 દિવસમાં મળશે માત્ર 200 લીટર
આ પણ વાંચો: મમતા દીદી બાદ હવે મીડિયાની જીત! દિલ્હી હાઇકોર્ટે ED નો ન્યૂઝક્લિક સામેનો કેસ ફગાવ્યો
