India Weather News/ દેશના અનેક રાજ્યોમાં હવામાનનો પલટો, વીજળી અને વાવાઝોડાથી 16નાં મોત

પશ્ચિમ વિક્ષોભના પ્રભાવથી ઉત્તર ભારતમાં હવામાનમાં અચાનક ફેરફાર આવ્યો, જેમાં ઉત્તર પ્રદેશ અને બિહારમાં આંધી-અને વીજળી (Thunderstorm) પડતાં 16 લોકોના મોત થયા.

Top Stories India
Thunderstorm

Thunderstorm Warning: ઉત્તર ભારત સહિત દેશના અનેક વિસ્તારોમાં હવામાને અચાનક પલટો મારતા જનજીવન પ્રભાવિત બન્યું છે. હવામાન વિભાગે દિલ્હી-એનસીઆર સહિત દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદ, તેજ પવન, કરાવર્ષા અને વીજળી પડવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને યેલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

24 કલાકમાં 16ના મોત

પશ્ચિમ વિક્ષોભ સક્રિય થતાં ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર, મધ્ય પ્રદેશ અને ઝારખંડ સહિતના રાજ્યોમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન આંધી, વરસાદ અને વીજળી સંબંધિત દુર્ઘટનાઓમાં કુલ 16 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.

બિહારમાં વીજળીનો કહેર, 10ના મોત

બિહારમાં સૌથી વધુ જાનહાનિ નોંધાઈ છે, જ્યાં વીજળી પડવા અને વાવાઝોડા જેવી પરિસ્થિતિઓમાં 10 લોકોના જીવ ગયા છે. અનેક લોકો દાઝી જતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મધેપુરા જિલ્લામાં ખેતરમાં કામ કરી રહેલા દંપતીનું વીજળી પડતાં મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.

વીજળી અને આંધીમાં 3 ના મોત

ઉત્તર પ્રદેશમાં પણ વીજળી પડવા અને આંધી દરમિયાન બનેલી ઘટનાઓમાં અનેક લોકોના જીવ ગયા છે. દેવરિયામાં વૃદ્ધ મહિલાનું વીજળી પડતાં મોત થયું, જ્યારે ઉરઈ વિસ્તારમાં પશુ ચરાવવા ગયેલા યુવકનો પણ જીવ ગયો. અલીગઢમાં આંધી દરમિયાન ફેક્ટરીનો બેરિયર પડતાં સુરક્ષા કર્મચારીનું મોત થયું હતું.

ચારધામ યાત્રાળુઓ માટે એલર્ટ: પર્વતીય વિસ્તારોમાં હિમપાત અને કરાવર્ષા

ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા અને કરાવર્ષા નોંધાઈ છે. અનેક વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો થયો છે. ચારધામ યાત્રા પર જતા યાત્રાળુઓને હવામાનની સ્થિતિ જાણી આગળ વધવાની સલાહ આપવામાં આવી છે.

હિમાચલ પ્રદેશના રોહતાંગ, કુન્ઝુમ અને બારાલાચા જેવા ઊંચાણવાળા વિસ્તારોમાં હળવો હિમપાત થયો છે. બીજી તરફ ઊના જિલ્લામાં ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો અને અહીં સિઝનનું સર્વોચ્ચ 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું.

જમ્મુ-કાશ્મીરમાં વરસાદ-કરાવર્ષાથી રાહત, પંજાબમાં આંધીએ મચાવી તબાહી

જમ્મુ-કાશ્મીરમાં પણ ગુરુવારે બપોર બાદ અનેક વિસ્તારોમાં અચાનક વરસાદ, કરાવર્ષા અને તેજ પવન ફૂંકાતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. પંજાબના જાલંધર, અમૃતસર અને કપૂરથલા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ અને આંધીના કારણે સામાન્ય જીવન પર અસર પડી હતી.

અમૃતસર નજીક રેલવે ટ્રેક પર વૃક્ષ ધરાશાયી થતાં રેલવે સેવા પણ ખોરવાઈ હતી. અનેક ટ્રેનોને સ્ટેશનો પર રોકવાની ફરજ પડી હતી. જોકે, વૃક્ષ હટાવ્યા બાદ આશરે 45 મિનિટમાં ટ્રાફિક ફરી શરૂ કરવામાં આવ્યો હતો.

હવામાન વિભાગની ચેતવણી

હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદ, આંધી અને વીજળી પડવાની શક્યતા વ્યક્ત કરી છે અને લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.


આ પણ વાંચો: મણિપુરમાં 6 નાગા નાગરિકોની નિર્મમ હત્યાથી ભારે હોબાળો, નાગા સંગઠનો દ્વારા 24 કલાકના બંધનું એલાન

આ પણ વાંચો: પેટ્રોલ થશે સસ્તું? ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટી હટાવવાનો સરકારનો મોટો નિર્ણય

આ પણ વાંચો: ‘ટૂ-ફિંગર ટેસ્ટ’ સ્ત્રીઓની નિજતા વિરૂદ્ધ છે, ઝારખંડ હાઈકોર્ટે મેડિકલ તપાસ પર લગાવ્યો કાયમી બેન