Girsomnath News/ ગીર સોમનાથમાં ₹310 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, 5 સાયબર ઠગ જેલભેગા

Gir Somnath Cyber Crime News: ગીર સોમનાથ સાયબર પોલીસે વેરાવળમાંથી ₹310 કરોડના આંતરરાજ્ય સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ‘ઓપરેશન મ્યુલ હન્ટ 2.0’ હેઠળ 5 આરોપીઓની ધરપકડ કરાઈ છે.

Top Stories Gujarat Others
Gir Somnath Cyber Crime News

Gir Somnath Cyber Crime News: ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લા ગીર સોમનાથમાંથી સાયબર ક્રાઈમનો અત્યાર સુધીનો સૌથી ચોંકાવનારો અને મગજ ચકરાવે ચડાવી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. જૂનાગઢ રેન્જ DIGP રાજેન્દ્રસિંહ ચુડાસમા અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ, સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ટીમે ‘ઓપરેશન મ્યુલ હન્ટ 2.0’ (Operation Mule Hunt 2.0) અંતર્ગત વેરાવળ ખાતેથી આશરે 310 કરોડ રૂપિયાના આંતરરાજ્ય સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે દેશવ્યાપી કનેક્શન ધરાવતા આ મહાકૌભાંડમાં સામેલ 5 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જિલ્લાના ઇતિહાસમાં આ અત્યાર સુધીની સૌથી મોટી કાયદાકીય કાર્યવાહી માનવામાં આવી રહી છે.

Cyber Crime: સમન્વય પોર્ટલની મદદથી પકડાયા ‘મ્યુલ એકાઉન્ટ્સ’

ગીર સોમનાથ સાયબર પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને કેન્દ્રીય સમન્વય તેમજ NCCRP પોર્ટલ પર દેશભરમાંથી નોંધાયેલી સાયબર ગુનાઓની ફરિયાદોનું બારીકાઈથી વિશ્લેષણ કર્યું હતું. આ હાઈટેક તપાસ દરમિયાન પોલીસને બે શંકાસ્પદ બેંક ખાતાઓ હાથ લાગ્યા હતા. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો હતો કે આ ખાતાધારકો માત્ર થોડા કમિશન મેળવવાની લાલચે સાયબર માફિયાઓને પોતાના પર્સનલ બેંક ખાતા ઓપરેટ કરવા આપતા હતા. ગુનાહિત અને બેંકિંગ ભાષામાં આવા ખાતાઓને ‘મ્યુલ એકાઉન્ટ’ (ભાડે આપેલા ખાતા) કહેવામાં આવે છે.

Cyber Crime: ₹310 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારો!

આ આંતરરાજ્ય કૌભાંડમાં બેંક ઓફ ઇન્ડિયા અને કેનરા બેંકના બે ખાતાઓ મુખ્ય કેન્દ્ર સાબિત થયા છે, જેમના ટ્રાન્ઝેક્શન આંકડા જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આમાં બેંક ઓફ ઇન્ડિયાના ખાતામાં NCCRP પોર્ટલ પર દેશભરની 193 ગંભીર ફરિયાદો લિંક થયેલી હતી, જેમાં ટૂંકા સમયમાં જ ₹282 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા હતા, જ્યારે કેનરા બેંકના બીજા ખાતામાં દેશભરની 97 ફરિયાદો કનેક્ટેડ હતી, જેમાં ₹37 કરોડ રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો નોંધાયા હતા. આમ, માત્ર આ બે જ બેંક ખાતાઓનો ઉપયોગ કરીને સાયબર ઠગોએ કુલ 310 કરોડથી વધુની માતબર રકમ દેશભરમાંથી સેરવી લીધી હતી.

દેશભરના 290 નાગરિકો બન્યા શિકાર

પોલીસની ઊંડાણપૂર્વકની પૂછપરછમાં બહાર આવ્યું છે કે આ સંગઠિત નેટવર્ક દ્વારા ભારતના વિવિધ રાજ્યોમાં રહેતા આશરે 290 જેટલા નિર્દોષ લોકોને સોશિયલ મીડિયા અને ડિજિટલ માધ્યમથી નિશાન બનાવવામાં આવ્યા હતા. લોકોને ઘેરબેઠા કમાણી, ઓનલાઈન ટાસ્ક, પાર્ટ ટાઈમ જોબ અને રોકાણના નામે ઊંચા વળતરની લાલચ આપીને ફસાવવામાં આવતા હતા. ત્યારબાદ તેમની પાસેથી પડાવેલી કરોડોની રકમ આ ભાડે રાખેલા મ્યુલ એકાઉન્ટ્સમાં ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં આવતી હતી.

રાજકોટ અને દ્વારકા સહિત 5 ઠગ ઝડપાયા

ગીર સોમનાથ સાયબર ક્રાઈમ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એ. ઝણકાત અને તેમની ટીમે સૌપ્રથમ ટેકનિકલ લોકેશનના આધારે એક આરોપીને દબોચ્યો હતો. તેની આકરી પૂછપરછ અને સ્માર્ટફોનમાંથી મળેલા ડિજિટલ પુરાવાના આધારે અલગ-અલગ પોલીસ ટીમો બનાવીને વેરાવળ, રાજકોટ અને દેવભૂમિ દ્વારકામાંથી વધુ 4 સાયબર ગુનેગારોને ઝડપી લેવાયા છે. પકડાયેલા આરોપીઓની યાદીમાં વેરાવળના આકાશ ભરતકુમાર પાલા, રાજકોટના હિરેન રાજગોર, દેવભૂમિ દ્વારકાના આશુતોષ ઠાકર, રાજકોટના અજય દાફડા અને વેરાવળના દીપકગીરી અપરનાથીનો સમાવેશ થાય છે.

ખાતા ભાડે ન આપવા પોલીસની ખાસ અપીલ

આ મગા ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યા બાદ ગીર સોમનાથ પોલીસે આમ જનતાને કડક શબ્દોમાં ચેતવણી આપતા અપીલ કરી છે કે, કોઈ પણ અજાણી વ્યક્તિ, ટેલિગ્રામ એજન્ટ કે ઓનલાઈન ફ્રેન્ડને લાલચમાં આવીને પોતાના બેંક ખાતા, મોબાઈલ નંબર, પાન કાર્ડ કે અન્ય સરકારી ઓળખ પત્રો ક્યારેય ભાડે અથવા ઉપયોગ કરવા માટે ન આપવા. આવા ખાતાઓનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય સાયબર ઠગો દેશવિરોધી કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં કરે છે અને અંતે કાયદાની જાળમાં ફસાઈને મૂળ સીધા-સાદા ખાતાધારકે જેલના સળિયા ગણવાનો વારો આવે છે.


આ પણ વાંચો:સાયબર ફ્રોડથી બચવા ગૃહ મંત્રાલયનો મફત કોર્સ, મળશે ફ્રી સર્ટિફિકેટ

આ પણ વાંચો:સાયબર ફ્રોડથી બચવા વોટ્સએપમાં કરો આ ફેરફાર, અજાણ્યા કોલ્સ આપમેળે થઈ જશે સાયલન્ટ

આ પણ વાંચો:આઇફોન યુઝર એલર્ટ, ખોવાયેલા આઇફોનના નામે થઈ રહી છે નવી હાઇબ્રિડ સાયબર ફ્રોડ, I4Cની મોટી ચેતવણી