Rajkot News: રાજકોટની બાલાજી હોસ્પિટલમાં (Rajkot Balaji Hospital) મહિલા દર્દીના મોતને લઈને હોસ્પિટલ અને તબીબો સામે ગંભીર બેદરકારીના (Medical Negligence) આક્ષેપો થયા છે. ગર્ભાશયની કોથળીના ઓપરેશન માટે હોસ્પિટલમાં દાખલ થયેલા ડિમ્પલબેન પોબારૂની ઓપરેશન બાદ તબિયત લથડતાં અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. સમગ્ર મામલે મૃતકના પરિવારજનોએ જવાબદાર ડૉક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે પોલીસમાં લેખિત અરજી કરી છે.
હોસ્પિટલ સીલ કરવાની અને લાયસન્સ રદ કરવાની માંગ

પરિવારજનોએ માત્ર તપાસની માંગ જ નહીં પરંતુ બાલાજી હોસ્પિટલ સામે કડક કાર્યવાહી કરવાની પણ રજૂઆત કરી છે. પરિવાર દ્વારા હોસ્પિટલને સીલ કરવાની તેમજ જવાબદાર ડૉ. કવિતા લાધાણીનું તબીબી લાયસન્સ રદ કરવાની માંગ કરવામાં આવી છે.આ ઉપરાંત, ભવિષ્યમાં અન્ય કોઈ દર્દી સાથે આવી ઘટના ન બને તે માટે હોસ્પિટલની કામગીરી, ઓપરેશન પ્રક્રિયા, તબીબી સ્ટાફની હાજરી અને સારવાર સંબંધિત તમામ પાસાઓની તપાસ કરવાની માંગ પણ ઉઠી છે.

Rajkot Balaji Hospital: ગર્ભાશયની કોથળીના ઓપરેશન માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા
મળતી માહિતી મુજબ, ડિમ્પલબેન પોબારૂ ગર્ભાશયની કોથળીના ઓપરેશન માટે પોતાના ભાઈ-બહેન સાથે રાજકોટની બાલાજી હોસ્પિટલમાં દાખલ થયા હતા. પરિવારના જણાવ્યા મુજબ, તેમનું ઓપરેશન ડૉ. કવિતાબેન લાધાણી દ્વારા કરવામાં આવ્યું હતું.પરિવારનો આક્ષેપ છે કે ઓપરેશન દરમિયાન અનુભવી સર્જનની હાજરી માટે અલગથી રકમ પણ લેવામાં આવી હતી. જોકે, પરિવારનો દાવો છે કે અનુભવી સર્જનને રૂબરૂ બોલાવવાને બદલે ફોન પર મળેલી સૂચનાઓના આધારે ઓપરેશન કરવામાં આવ્યું હતું.
ઓપરેશન બાદ દર્દીની તબિયત અચાનક લથડી
ઓપરેશન પૂર્ણ થયા બાદ ડિમ્પલબેનની તબિયતમાં અચાનક ગંભીર બગાડ થયો હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમની પલ્સ વધી જતાં સ્થિતિ ચિંતાજનક બની હતી.પરિવારના જણાવ્યા મુજબ, દર્દીની સ્થિતિ ગંભીર હોવા છતાં મુખ્ય તબીબી સ્ટાફ દ્વારા સમયસર યોગ્ય સારવાર આપવામાં આવી નહોતી અને નર્સિંગ સ્ટાફ દ્વારા જ સારવાર ચાલુ રાખવામાં આવી હતી. ત્યારબાદ દર્દીની સ્થિતિ વધુ ગંભીર બનતાં તેમને તાત્કાલિક અન્ય હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી.
ઓલમ્પસ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત
દર્દીની ગંભીર સ્થિતિને પગલે તેમને ઓલમ્પસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરિવારના જણાવ્યા મુજબ, ત્યાં ડિમ્પલબેનને આશરે 12 કલાક સુધી સઘન સારવાર આપવામાં આવી હતી. જોકે, સારવાર દરમિયાન તેમનું દુઃખદ અવસાન થયું હતું.મહિલાના મોત બાદ પરિવારજનોએ બાલાજી હોસ્પિટલની સારવાર અને ઓપરેશન દરમિયાન થયેલી સમગ્ર પ્રક્રિયા સામે સવાલો ઉઠાવ્યા છે.
પરિવારજનોએ પોલીસમાં કરી લેખિત અરજી

મહિલાના મોત બાદ પરિવારજનોએ રાજકોટના ‘A’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી છે. અરજીમાં સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.પરિવારનો આક્ષેપ છે કે તબીબી બેદરકારીના કારણે ડિમ્પલબેનનો જીવ ગયો છે. તેથી ઘટનામાં જવાબદાર તબીબો અને હોસ્પિટલ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
ડો. કવિતા લાધાણી મીડિયા સમક્ષ આવ્યા હતા
ડો. કવિતા લાધાણી મીડિયા (Dr Kavita Ladhani) સમક્ષ આવ્યા છે. તેમણે સ્પષ્ટતા કરી કે દર્દીને 27મીએ દાખલ કરાયા હતા અને 28મીએ ઓપરેશન થયું હતું, જ્યારે 29મીએ નાડીના ધબકારા વધ્યા હતા. ડોક્ટરે ફોન પર ઓપરેશન કર્યાનો આક્ષેપ નકારી કાઢ્યો અને જણાવ્યું કે પરિવારને અગાઉથી બીજા ડોક્ટરની સલાહ લેવા કહેવામાં આવ્યું હતું. ઓલમ્પસ હોસ્પિટલનું બિલ હજુ બાકી હોવાનું પણ તેમણે સ્પષ્ટ કર્યું. સાથે જ ઓપરેશન પહેલાં દર્દીને હાર્ટની કોઈ તકલીફ નહોતી અને તેમના મૃત્યુથી અમને પણ ભારે દુઃખ છે તેમ ડો. કવિતા લાધાણીએ જણાવ્યું.
આ પણ વાંચો: રાજકોટ સિવિલ હોસ્પિટલ બેદરકારી, દર્દીઓ પાસે સગા વ્હાલા નહીં પણ ઉંદરો….
આ પણ વાંચો: નડિયાદની માધવ હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકના મોત બાદ વિવાદ: તબીબ સામે બેદરકારીના આક્ષેપ
આ પણ વાંચો: રાજકોટની મેડિકેર હોસ્પિટલ સામે ગંભીર બેદરકારીના આક્ષેપ, મહિલાની તબિયત બગડતાં પરિવારનો આક્રોશ
