Narmada News: એકતા પરેડ (Ekta Parade)માં વિવિધતામાં એકતાના સંદેશ સાથે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 10 ટેબ્લો (Tableau)એ પણ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. જેમાં રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (NSG), NDRF, ગુજરાત, જમ્મુ અને કાશ્મીર, આંદામાન અને નિકોબાર ટાપુઓ, મણિપુર, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તરાખંડ અને પુડુચેરી રાજયના ટેબ્લોએ પોતાના રાજયની વિવિધ સાંસ્કૃતિક વિરાસતોની ઝાંખી કરાવતા “એકત્વ” થીમને પ્રતિબિંબિત કરતા ટેબ્લોઝ રજૂ થયા હતા.

ગુજરાતનો ટેબ્લો: અખંડ ભારતની ગાથા
એકતાનગર ખાતેની ટેબ્લો પરેડમાં ગુજરાત (Gujarat) સરકાર દ્વારા તૈયાર કરાયેલો અને અખંડ ભારત (India)ના નિર્માણમાં સરદાર સાહેબ (Sardar Patel)ના અમૂલ્ય યોગદાનને ઉજાગર કરતો ટેબ્લો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

ગુજરાતના ટેબ્લોનો મુખ્ય ભાગ દેશની તે ઐતિહાસિક ક્ષણને દર્શાવી હતી. જ્યારે સરદાર સાહેબે મહારાજા કૃષ્ણકુમારસિંહજીના કરકમલોથી ભાવનગર સ્ટેટ (Bhavnagar State)નું ભારતીય ગણરાજ્યમાં વિલીનીકરણ કરાવીને દેશની એકતાના મિશનનો મજબૂત પાયો નાખ્યો હતો. બન્ને મહાનુભાવોની પ્રતિમા સાથેનો ટેબ્લોએ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’નો અનેરો સંદેશો આપ્યો હતો.

સોમનાથ મંદિર અને સ્મૃતિવનની ઝલક
ટેબ્લોમાં સરદાર સાહેબની મક્કમ નિર્ણય શક્તિના પ્રતીક સમાન સોમનાથ મંદિર (Somnath Mandir) ઉપરાંત, કચ્છના ભૂકંપના શહીદોની સ્મૃતિમાં બનેલા ભુજ સ્થિત સ્મૃતિવન (Smrutivan)ને પણ યોગ્ય સ્થાન આપવામાં આવ્યું હતું. જે ગુજરાતના શૌર્ય અને દ્રઢતાનું પણ પ્રતિક છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યના ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગ જેવા સ્થાનિક એકમોની ઝલક દર્શાવીને રાજ્યની આર્થિક પ્રગતિને પણ ઝાંખી દ્વારા રજૂ કરવામાં આવી હતી.

* ભારત દેશના રાજયો, કેન્દ્ર શાસિત પ્રદેશો, સીએપીએફ, પોલીસદળોના 54 જેટલા ધ્વજોએ અનેરુ આકર્ષણ જમાવ્યું હતું.

* ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા આયોજિત 800 કલાકારો દ્વારા ‘લોહપુરુષ નમસ્તુમ્યમ’ પર ભારતના શાસ્ત્રીય નૃત્યો રજૂ કરતી અવિસ્મરણીય કૃતિ રજુ કરી હતી.
* સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના અવસરે બે હેલિકોપ્ટરો દ્વારા સરદારની પ્રતિમા પર પુષ્પવર્ષા કરીને ભાવવંદના કરી હતી.
* બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રચિત વંદેમાતરમ (Vande Mataram) ગીતની રચનાના 150 વર્ષના અવસરે 100 જેટલા સંગીતકારોએ તાસા, શરણાઈ, કરતાલો સાથે પ્રદર્શન રજુ કર્યું હતું.

* સીઆઈએસએફની મહિલા વિરાંગાનાઓએ સાહસ અને શૌર્ય કૃતિ પ્રસ્તુત કરી હતી.

* CRPF ના મહિલા કર્મચારીઓ માર્શલ આર્ટ્સ અને નિઃશસ્ત્ર લડાઇ કવાયતોનું પ્રદર્શન કર્યુ હતું. હથિયાર વિના યુધ્ધમાં વિજય મેળવી શકાય તે માટે સેવા અને નિષ્ઠાના ભાવ સાથે દિલધડક કરતબો રજૂ કર્યા હતા. જેમાં 36 પુરુષ અને 6 મહિલાઓએ ભાગ લીધો હતો.
* ભારતીય વાયુસેના (Indian Air Force)ના નવ વિમાનો દ્વારા ઓપરેશન સૂર્યકિરણ એર શો (Air Show)નું અદ્દભુત પ્રદર્શન રજુ કર્યું હતું. નવ ઝાંબાજ પાયલોટોની ટીમે આકાશી કરતબો રજૂ કરી સરદાર સાહેબને આકાશી સેલ્યૂટ આપી હતી.
આ પણ વાંચો: સ્ટેચ્યૂ ઑફ યુનિટીના સાનિધ્યમાં સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી એક ઐતિહાસિક અને ભવ્ય રૂપ ધારણ કરશે…
આ પણ વાંચો:સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર એકતાના શપથ લેવડાવતા ગૃહપ્રધાન
