Gandhinagar news: ગુજરાતના યુવાનો અને નાગરિકોને સરદાર સાહેબના જીવન, કવન અને અખંડ ભારતના નિર્માણમાં તેમના યોગદાનથી પરિચિત કરાવવા અને તેમના આદર્શોને જન-જન સુધી પહોંચાડવા સમગ્ર રાજ્યમાં યુનિટી માર્ચ (Unity March)નું આયોજન કરવામાં આવ્યું છે.
ધારાસભ્ય જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, પદયાત્રા દરમિયાન રસ્તાઓ પર “લઘુ ભારત”નું દ્રશ્ય સર્જાશે, જ્યાં સ્થાનિક સંસ્કૃતિનું ગૌરવ પ્રદર્શિત થશે, જે “એક ભારત શ્રેષ્ઠ ભારત”ની ભાવનાને સાકાર કરશે.
તા. 1 નવેમ્બરથી તા. 10 નવેમ્બર, 2025 સુધી જિલ્લા સ્તરીય પદયાત્રા અને તા. 26 નવેમ્બરથી તા. 6 ડિસેમ્બર, 2025 સુધી રાષ્ટ્રીય પદયાત્રા યોજાશે
ભારતના લોહ પુરુષ અને રાષ્ટ્રીય એકતાના પ્રતીક, સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે “સરદાર@150 યુનિટી માર્ચ”નું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયા (Mansukh Mandaviya)ની અધ્યક્ષતામાં અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) અને ધારાસભ્ય જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે આજે ગાંધીનગર ખાતે બેઠક મળી હતી.
આ બેઠક બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદમાં વિગતો આપતા જણાવ્યું હતું કે, ગુજરાતના યુવાનો અને નાગરિકોને સરદાર સાહેબના જીવન, કવન અને અખંડ ભારતના નિર્માણમાં તેમના યોગદાનથી પરિચિત કરાવવાનો તથા તેમના આદર્શોને જન-જન સુધી પહોંચાડવાના હેતુસર “સરદાર@150, યુનિટી માર્ચ”નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તા. ૧ નવેમ્બરથી તા. ૧૦ નવેમ્બર, ૨૦૨૫ સુધી જિલ્લા સ્તરીય પદયાત્રા અને તા. ૨૬ નવેમ્બરથી તા. ૬ ડિસેમ્બર, ૨૦૨૫ સુધી રાષ્ટ્રીય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
સરદાર પટેલના અપ્રતિમ યોગદાનને સાચી શ્રદ્ધાંજલિ
તેમણે કહ્યું હતું કે, સરદાર પટેલે ૫૬૨થી વધુ રજવાડાઓનું ભારતમાં વિલીનીકરણ કરીને “અખંડ ભારત”નું નિર્માણ કર્યું હતું. તેમના આ અપ્રતિમ યોગદાનને સાચી શ્રદ્ધાંજલિ આપવાનો સંકલ્પ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ ગુજરાત (Gujarat)ના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન જ કર્યો હતો. એ જ સંકલ્પની સિદ્ધિનું પ્રતિક છે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા – ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રઢ નિશ્ચયને કારણે આજે કેવડિયા ખાતે આવેલી આ પ્રતિમા માત્ર ગુજરાતનું જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે રાષ્ટ્રીય એકતા અને ગૌરવનું પ્રતિક બની છે. આ ‘યુનિટી માર્ચ’ એ જ શ્રદ્ધાંજલિની પરંપરાને આગળ વધારતું એક અભિયાન છે, જે યુવાનો દ્વારા, યુવાનો માટે આયોજિત અભિયાન થશે, તેમ ગૃહ રાજ્ય મંત્રીએ ઉમેર્યું હતું.
‘સરદાર@150 યુનિટી માર્ચ’ની રૂપરેખા વિશે સંઘવીએ જણાવ્યું હતું કે, તા. 6 ઓક્ટોબરના રોજ કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ ડિજિટલી આ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. જે અંતર્ગત MY Bharat પોર્ટલ પર 15 થી 29 વર્ષના યુવાનો માટે સોશિયલ મીડિયા રીલ સ્પર્ધા, નિબંધ લેખન અને ‘સરદાર@150 યંગ લીડર્સ પ્રોગ્રામ ક્વિઝ’ જેવી ઓનલાઈન પ્રવૃત્તિઓ શરૂ થઈ ચૂકી છે. આ સ્પર્ધાના 150 વિજેતાઓને રાષ્ટ્રીય પદયાત્રામાં જોડાવવાની તક મળશે. આ માત્ર સ્પર્ધાઓ નથી, પરંતુ સરદારના વિચારોને દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાનું એક માધ્યમ છે.
આ પદયાત્રાઓ લોકોના દિલોને જોડવાનું કામ કરશે
વધુ વિગતો આપતા મંત્રીએ જણાવ્યું કે, તા. 1 નવેમ્બરથી તા. 10 નવેમ્બર, 2025 સુધી જિલ્લા સ્તરીય પદયાત્રાનું આયોજન કરવામાં આવશે. જે અંતર્ગત દરરોજ 8 થી 10 કિલોમીટર સુધીની સતત ત્રણ દિવસીય પદયાત્રાઓ યોજાશે, જેનું નેતૃત્વ રાજ્યના મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો કરશે. આ માત્ર પદયાત્રા નહીં, પરંતુ જન-જાગરણનો મહાયજ્ઞ હશે. જેમ સરદાર પટેલે રજવાડાઓને જોડીને એક ભારતનું નિર્માણ કર્યું હતું, તેમ આ પદયાત્રાઓ લોકોના દિલોને જોડવાનું કામ કરશે.
‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’, કેવડિયા સુધી 152 કિલોમીટરની ઐતિહાસિક પદયાત્રા
મંત્રીએ ઉમેર્યું હતું કે, તા. 26 નવેમ્બરથી તા. 6 ડિસેમ્બર, 2025 દરમિયાન, રાષ્ટ્રીય સ્તરની પદયાત્રા યોજાશે. સરદાર પટેલ (Sardar Patel)ની જન્મભૂમિ કરમસદ (Karamsad)થી શરૂ કરીને એકતાના પ્રતીક ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’, કેવડિયા સુધી 152 કિલોમીટરની ઐતિહાસિક પદયાત્રા યોજાશે. આ રાષ્ટ્રીય પદયાત્રામાં વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રીઓ, વિવિધ રાજ્યોના રાજ્યપાલો, મુખ્યમંત્રીઓ, ખેલાડીઓ, કલાકારો, પદ્મશ્રી, એવોર્ડ સન્માનિત મહાનુભાવો સહિત વિશિષ્ટ વ્યક્તિઓને જોડાવા માટે નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ યાત્રામાં ‘યંગ લીડર્સ પ્રોગ્રામ’માંથી પસંદ થયેલા 150 ઉત્કૃષ્ટ યુવા લીડર્સ અને દેશના દરેક જિલ્લામાંથી પસંદ થયેલા પ્રતિનિધિઓ ભાગ લેશે.
‘સરદાર@150 યુનિટી માર્ચ’ વિશે વધુ વિગતો આપતા ધારાસભ્ય જીતુ વાઘાણી (Jitu Vaghani)એ કહ્યું હતું કે, આ સમગ્ર બે મહિનાની ઉજવણી અને અભિયાનનું મુખ્ય આકર્ષણ પદયાત્રા રહેશે. ગુજરાતના દરેક જિલ્લામાં આયોજિત પદયાત્રાના ચોક્કસ રૂટ અને તારીખો જિલ્લા સ્તરે આગામી બેઠકોમાં નક્કી કરવામાં આવશે અને તેની જાણકારી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
“એક ભારત શ્રેષ્ઠ ભારત”
તેમણે ઉમેર્યું કે, આ દરેક પદયાત્રા 8 થી 10 કિલોમીટરની હશે અને તેમાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, NCC, NSSના કેડેટ્સ, સામાજિક સંસ્થાઓ, યુવા મંડળો અને સામાન્ય નાગરિકો જોડાશે. પદયાત્રા દરમિયાન યોગ શિબિર, સ્વાસ્થ્ય તપાસ કેમ્પ, સરદાર સાહેબના જીવન પર વ્યાખ્યાન, ચિત્રકામ સ્પર્ધા અને ‘નશા-મુક્ત ભારત’ જેવા સંકલ્પ લેવડાવવામાં આવશે. આ પદયાત્રા દરમિયાન રસ્તાઓ પર “લઘુ ભારત”નું દ્રશ્ય સર્જાશે, જ્યાં સ્થાનિક સંસ્કૃતિનું ગૌરવ પ્રદર્શિત થશે, જે “એક ભારત શ્રેષ્ઠ ભારત”ની ભાવનાને સાકાર કરશે.
‘હું પોતે સરદાર છું’
ધારાસભ્ય વાઘાણીએ જણાવ્યું હતું કે, આ પદયાત્રા આપણને યાદ અપાવશે કે સ્વતંત્રતાનો સંઘર્ષ આત્મનિર્ભરતાના સંકલ્પથી જ જીતાયો હતો. આ યાત્રા દ્વારા યુવાનોમાં “વોકલ ફોર લોકલ” અને “આત્મનિર્ભર ભારત”ના સંકલ્પને વધુ મજબૂત બનાવવામાં આવશે. સરદાર પટેલે અલગ અલગ રજવાડાઓને જોડીને નકશા પર ભારતને એક કર્યું હતું. આમ વાઘાણીએ ‘હું પોતે સરદાર છું’, એવા ભાવ સાથે સૌ નાગરિકોને આ ‘યુનિટી માર્ચ’માં જોડાવવા માટે આહ્વાન કર્યું હતું.
