Ahmedabad News: અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર મોડી રાત્રે કેટલાક યુવકો દ્વારા કરવામાં આવેલા જોખમી સ્ટંટ (Ahmedabad Riverfront Stunt)નો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં યુવકો એક્ટિવા અને બાઇક પર જોખમી રીતે વાહન ચલાવતા તેમજ વિવિધ સ્ટંટ કરતા જોવા મળે છે. આ ઘટનાને લઈને ટ્રાફિક પોલીસે તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, ચારથી પાંચ યુવકો અલગ-અલગ બે-વ્હીલર વાહનો લઈને રિવરફ્રન્ટ પર પહોંચ્યા હતા. તેમણે જાહેર માર્ગ પર જોખમી સ્ટંટ (Ahmedabad Riverfront Stunt) કરીને પોતાનો તેમજ અન્ય લોકોનો જીવ જોખમમાં મૂક્યો હતો. વીડિયોમાં એક યુવક બાઇકની સીટ પર આડો પડીને વાહન ચલાવતો જોવા મળે છે, જ્યારે અન્ય યુવકો એક્ટિવા પર ઝિગઝેગ અને બેફામ ડ્રાઇવિંગ કરતા નજરે પડે છે.
Ahmedabad Riverfront Stunt:બાઇક પર આડા પડીને ચલાવ્યો સ્ટંટ
આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ તેમના સાથીદાર દ્વારા બનાવવામાં આવ્યો હતો. બાદમાં આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તે વાયરલ થયો છે. વીડિયોમાં જોવા મળતા કેટલાક વાહનોની નંબર પ્લેટ સાથે ચેડાં કરવામાં આવ્યા હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે, જેના કારણે વાહનોની ઓળખ કરવામાં મુશ્કેલી પડી રહી છે.
સ્થાનિક લોકો અને વાહનચાલકો માટે મહત્વપૂર્ણ ગણાતા રિવરફ્રન્ટ રોડ પર આવા જોખમી સ્ટંટ (Ahmedabad Riverfront Stunt)થી રાહદારીઓ અને અન્ય વાહનચાલકોના જીવને પણ ગંભીર જોખમ ઊભું થયું હતું. સોશિયલ મીડિયા પર વધુ વ્યૂઝ અને લોકપ્રિયતા મેળવવાના પ્રયાસમાં આવા કૃત્યો કરવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે.
ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા અંગે પણ સવાલો ઊભા થયા છે. સામાન્ય રીતે રિવરફ્રન્ટ વિસ્તારમાં પોલીસની નિયમિત પેટ્રોલિંગ રહેતી હોવા છતાં યુવકો દ્વારા ખુલ્લેઆમ સ્ટંટ કરવામાં આવ્યા હતા.
એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર યુ.બી. ધાકડના જણાવ્યા મુજબ વાયરલ વીડિયોના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. વીડિયોમાં દેખાતા યુવકોની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને ઓળખ થયા બાદ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
પોલીસે નાગરિકોને પણ અપીલ કરી છે કે સોશિયલ મીડિયા માટે જોખમી સ્ટંટ ન કરે અને ટ્રાફિક નિયમોનું પાલન કરીને પોતાની તેમજ અન્ય લોકોની સુરક્ષાનું ધ્યાન રાખે.
આ પણ વાંચો:અમદાવાદમાં ‘મિસરી’ ફિલ્મના સ્ટંટ વિવાદમાં ટીકુ તલસાણીયા, પ્રેમ ગઢવી અને જેસલ જાડેજાની ધરપકડ
આ પણ વાંચો:અમદાવાદમાં જાહેર રસ્તા પર વધુ એક સ્ટંટનો વીડિયો વાયરલ
આ પણ વાંચો:અમદાવાદમાં રથયાત્રામાં યુવકે જીવના જોખમે કર્યો સ્ટંટ, બધા દંગ
