Anand News: ગુજરાતમાં બોગસ આદિવાસી પ્રમાણપત્રોને લઈને ચાલી રહેલી ચર્ચા હવે માત્ર સરકારી નોકરીઓ સુધી મર્યાદિત રહી નથી. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પણ આ મુદ્દો ગંભીર રાજકીય સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. આણંદ જિલ્લા પંચાયત (Anand District Panchayat)ના પ્રમુખપદને લઈને ઊભા થયેલા વિવાદે રાજ્યના રાજકારણમાં નવી ચર્ચા જગાવી છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ આણંદ જિલ્લા પંચાયત (Anand District Panchayat)માં પ્રથમ અઢી વર્ષ માટે પ્રમુખનું પદ અનુસૂચિત જનજાતિ (ST) અનામત રાખવામાં આવ્યું હતું. કુલ 40 બેઠકો ધરાવતી જિલ્લા પંચાયતમાં માત્ર હાડગુડ બેઠક ST અનામત હતી, જ્યાં કોંગ્રેસના ગૌરીબહેન તડવી વિજેતા બન્યા હતા. બીજી તરફ ભાજપે 33 બેઠકો જીતી બહુમતી મેળવી હોવા છતાં તેમની પાસે ST વર્ગનો કોઈ સભ્ય નહોતો.
Anand District Panchayat: બદલાશે જિલ્લા પંચાયત પ્રમુખ?
આ પરિસ્થિતિમાં સામાન્ય બેઠક પરથી ચૂંટાયેલા ભાજપ (BJP)ના મયુરી પટેલે (Mayuri Patel ) મહારાષ્ટ્રમાં પ્રાપ્ત થયેલા ST સર્ટિફિકેટના આધારે પ્રમુખપદ માટે દાવો કર્યો હતો. ચૂંટણી અધિકારીને આવા પ્રમાણપત્રની ચકાસણીનો અધિકાર ન હોવાનું જણાવી તેમણે હાઈકોર્ટમાંથી રાહત મેળવી હતી અને ત્યારબાદ ભાજપના બહુમતીના બળે પ્રમુખપદ હાંસલ કર્યું હતું.
પરંતુ હવે સમગ્ર મામલે મોટો વળાંક આવ્યો છે. હાઈકોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન મયુરી પટેલે (Mayuri Patel ) પોતાની અરજી જ પાછી ખેંચી લીધી છે. આ નિર્ણય બાદ તેમનું પ્રમુખપદ ટકાવી રાખવું મુશ્કેલ બન્યું હોવાનું રાજકીય વર્તુળોમાં માનવામાં આવી રહ્યું છે.
હાલની સ્થિતિમાં કોંગ્રેસ (Congress)ના ગૌરીબેન તડવી (Gauriben Tadvi) પ્રમુખપદ માટે સ્વાભાવિક દાવેદાર તરીકે સામે આવી રહ્યા છે. જોકે ભાજપ પોતાના હાથમાંથી સત્તા સરકી ન જાય તે માટે વિકલ્પો શોધી રહ્યું છે. રાજકીય સૂત્રો અનુસાર, ભાજપ કોઈ બેઠક ખાલી કરાવી પેટાચૂંટણી યોજવાની અને ત્યાંથી ST વર્ગના ઉમેદવારને જીતાડીને પ્રમુખપદ સોંપવાની રણનીતિ પર વિચાર કરી શકે છે.
આ દરમિયાન નર્મદા જિલ્લામાં પણ ‘સાચા અને ખોટા આદિવાસી’નો મુદ્દો ચર્ચામાં છે. ભાજપના જ કેટલાક આદિવાસી નેતાઓએ જિલ્લા સ્તરે આ મુદ્દે વિરોધનો સૂર ઉઠાવ્યો છે. આદિવાસી સમાજના સંગઠનોનું કહેવું છે કે અનામતના લાભો માત્ર વાસ્તવિક હકદારો સુધી પહોંચવા જોઈએ અને બોગસ પ્રમાણપત્રોના આધારે કોઈને રાજકીય કે શાસકીય લાભ ન મળવો જોઈએ.
રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષોમાં બોગસ ST સર્ટિફિકેટ (ST Certificate)ના આધારે સરકારી નોકરીઓ અને અનામતના લાભો મેળવવાના અનેક કેસો સામે આવ્યા છે. હવે આ મુદ્દો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને રાજકીય પદો સુધી પહોંચતા આદિવાસી સમાજમાં અસંતોષ વધ્યો છે. આણંદ જિલ્લા પંચાયતનો વિવાદ આગામી દિવસોમાં ગુજરાતના રાજકારણમાં વધુ ચર્ચાનો વિષય બની શકે છે.
આ પણ વાંચો:Anand District Panchayatમાં ભાજપે કાનૂની લડાઈ જીતતા મયૂરી પટેલનો પ્રમુખ બનવાનો માર્ગ ઉજળો થયો
આ પણ વાંચો:Anand District Panchayatમાં મોટો રાજકીય ઉલટફેર: ભાજપનું ફોર્મ રદ થતા કોંગ્રેસની બિનહરીફ જીત નિશ્ચિત
આ પણ વાંચો:ગુજરાતની તાલુકા પંચાયતોમાં સત્તા માટે અનોખા ગઠબંધનો: ક્યાંક ભાજપ-કોંગ્રેસ સાથે, તો ક્યાંક AAPનો ટેકો
