Ahmedabad Rakhial Car Accident: અમદાવાદના રખિયાલ વિસ્તારમાં 22 જૂનની મોડી રાત્રે એક અત્યંત ભયાનક અને હૃદયકંપાવનારી અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં અજિત મિલ બ્રિજથી ગરીબનગર તરફ આવતા રોડ પર એક લક્ઝુરિયસ ટાટા હેરિયર કારના(Car Accident) ચાલકને ચાલુ કારે અચાનક આંચકી (ખેંચ) આવી ગઈ હતી. જેને પગલે કાર પરનો કાબૂ ગુમાવતાં બેકાબૂ બનેલી કારે રસ્તા પર કાળો કેર વર્તાવ્યો હતો. આ ગમખ્વાર દુર્ઘટનામાં એક એક્ટિવા સવાર યુવતીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 6 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
પરિવાર સાથે જતા ચાલકને આવી આંચકી (Car Accident)
પોલીસ તપાસ અનુસાર, ઓઢવના વિરાટનગર રોડ પર રહેતા 40 વર્ષીય મયંકકુમાર પટેલ પોતાની પત્ની ડિમ્પલબેન અને દીકરા કર્મ સાથે કારમાં પસાર થઈ રહ્યા હતા. રાત્રે અંદાજે 9:40 વાગ્યે બ્રિજ ઉતરતી વખતે મયંકકુમારને અચાનક ખેંચ આવતાં કાર બેકાબૂ થઈ ગઈ હતી. આ કારે ગરીબનગર ચાર રસ્તા પાસે સૌપ્રથમ એક ઓટોરિક્ષાને જોરદાર ટક્કર મારી અને ત્યારબાદ રસ્તા પર જઈ રહેલા ત્રણ એક્ટિવા અને એક બાઈક સવારોને કચડીને હોટેલની ટેબલ-ખુરશીઓ ઉડાવતી એક દુકાનમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી.
500 થી વધુ લોકોનું ટોળું એકઠું થતાં પોલીસ કાફલો દોડ્યો
અકસ્માત બાદ ઘટનાસ્થળે ભારે ચીસાચીસ મચી ગઈ હતી અને જોતજોતામાં 500 થી વધુ લોકો એકઠા થઈ જતાં સ્થિતિ તંગ બની ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ધારાસભ્ય દિનેશ કુશવાહ અને ‘H’ ડિવિઝન ટ્રાફિક પીઆઈ એચ. વી. ધંધુકિયા સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ત્યાં દોડી આવ્યો હતો. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. હાલ પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: અમદાવાદના નરોડા પાટિયામાં અકસ્માતના CCTV આવ્યા સામે
આ પણ વાંચો: 3 હોસ્પિટલ બદલી છતાં અમદાવાદમાં અકસ્માતનો ભોગ બનેલ માસૂમ ન બચ્યો
આ પણ વાંચો: અમદાવાદમાં વસ્ત્રાલ રિંગરોડ પર વિદ્યાર્થીને નડ્યો અકસ્માત


