Ketan Agarwal Death Case Update: મહારાષ્ટ્રના પુણે પાસે આવેલા પ્રખ્યાત લોહગઢ કિલ્લા (Lohagad Fort) માંથી 18 જૂનના રોજ ફોટા પાડતી વખતે પગ લપસવાથી જાણીતા ઉદ્યોગપતિના પુત્ર કેતન અગ્રવાલના (Ketan Agrawal) મોતના મામલામાં એક અત્યંત સનસનાટીભર્યો ખુલાસો થયો છે. જેને શરૂઆતમાં અકસ્માત માનવામાં આવી રહ્યો હતો, તે વાસ્તવમાં એક પૂર્વ આયોજિત ક્રૂર હત્યા હોવાનું સામે આવ્યું છે. લોનાવાલા પોલીસના જણાવ્યા અનુસાર, કેતનની (Ketan Agrawal) મંગેતર અને તેના પ્રેમીએ ભેગા મળીને તેને ઊંડી ખીણમાં ધકેલી દીધો હતો. આ ભયાનક અને હૃદયદ્રાવક ઘટનાએ બંને પરિવારો સહિત પોલીસ તપાસકર્તાઓને પણ ચોંકાવી દીધા છે.
બર્થડે સેલિબ્રેશનની આડમાં રચાયું કાવતરું
પિંપરી-ચિંચવડના જાણીતા કન્સ્ટ્રક્શન બિઝનેસમેન વિશાલ અગ્રવાલના પુત્ર કેતન અગ્રવાલના (Ketan Agrawal)લગ્ન આગામી નવેમ્બર મહિનામાં થવાના હતા. ગુરુવાર, 18 જૂનના રોજ કેતન પોતાની મંગેતર સિયા ગોયલનો જન્મદિવસ ઉજવવા માટે તેની સાથે લોહગઢ કિલ્લા પર ટ્રેકિંગ માટે ગયો હતો. શરૂઆતમાં મંગેતરે પોલીસને એવી વાર્તા કહી હતી કે સેલ્ફી અથવા તસવીરો ખેંચતી વખતે કેતનનો પગ અચાનક સ્લિપ થઈ ગયો અને તે ખીણમાં પડી ગયો, જ્યાં ત્રણ કલાકના રેસ્ક્યૂ ઓપરેશન બાદ તેનો મૃતદેહ બહાર કઢાયો હતો. પરંતુ પોલીસને આ નિવેદનમાં શંકા જતાં જ્યારે મોબાઈલ ડેટા, કોલ રેકોર્ડ્સ અને આસપાસના પ્રત્યક્ષદર્શીઓના નિવેદનોની ઊંડી તપાસ કરી, ત્યારે આ ઘાતકી કાવતરાનો પર્દાફાશ થયો હતો.
17 કરોડનો મહેલ બુક થયો હતો
સૂત્રોના જણાવ્યા અનુસાર, કેતન (Ketan Agrawal) અને સિયાના લગ્ન રાજસ્થાનના ઉદયપુરમાં ખૂબ જ ભવ્ય રીતે થવાના હતા. આ શાહી લગ્ન માટે પરિવારે જયપુરમાં 17 કરોડ રૂપિયામાં એક આખો મહેલ બુક કર્યો હતો અને મહેમાનોની અવરજવર માટે બે પ્રાઇવેટ પ્લેનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. બંને પરિવારોમાં ખુશીનો માહોલ હતો, પરંતુ આ કરૂણ ઘટનાએ બધી ખુશીઓ માતમમાં ફેરવી નાખી છે.
હત્યા પાછળનો ચોંકાવનારો હેતુ
પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે મંગેતર સિયા ગોયલ આ લગ્ન કરવા નહોતી માંગતી. કેતનથી(Ketan Agrawal) હંમેશા માટે છુટકારો મેળવવા માટે તેણે પોતાના પ્રેમી સાથે મળીને આ ક્રૂર યોજના બનાવી હતી. તે બર્થડે સેલિબ્રેશનના બહાને કેતનને કિલ્લા પર લઈ ગઈ અને મોકો મળતાં જ સિયાના પ્રેમીએ અન્ય લોકોની મદદથી કેતનને ઊંડી ખીણમાં ધક્કો મારી દીધો, જેથી તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. હાલ પોલીસે મંગેતર અને તેના પ્રેમી સહિતના આરોપીઓને કસ્ટડીમાં લઈ લીધા છે અને આ હત્યામાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:રાજા રઘુવંશી હત્યાકાંડમાં મોટો વળાંક, શિલોંગ કોર્ટે સોનમને જામીન આપ્યા, જાણો શું છે સમગ્ર કેસ
આ પણ વાંચો: સોનમ ઇન્દોરમાં આરોપી વિશાલ દ્વારા ભાડે લેવામાં આવેલા ફ્લેટમાં રોકાઈ હતી
આ પણ વાંચો:‘રાજા સાથે લગ્ન ગોઠવાયેલા હતા, મારી દીકરી નિર્દોષ છે’, સોનમ રઘુવંશીના પિતાનું મોટું નિવેદન

