Vadodara News: વડોદરા મહાનગરપાલિકા (VMC) ફરી એકવાર પાનમ જળ વિતરણ યોજના (VMC Panam Scheme)ની બાકી રકમને લઈને આર્થિક દબાણમાં આવી છે. રાજ્ય સરકારે વ્યાજ અને પેનલ્ટી તરીકે વસૂલાત થનારી રૂ. 4,193 કરોડની રકમ માફ કરી હોવા છતાં કોર્પોરેશને હવે રૂ. 1,039 કરોડની મૂળ રકમ ચૂકવવાની રહેશે. આ જ મુદ્દો હાલ કોર્પોરેશન માટે સૌથી મોટી ચિંતાનો વિષય બન્યો છે.
VMC Panam Schemeની બાકી રકમથી વડોદરા કોર્પોરેશન ચિંતામાં
મૂળરૂપે સિંચાઈ વિભાગે વ્યાજ અને દંડ સહિત કુલ રૂ. 5,329 કરોડની માંગણી કરી હતી. ત્યારબાદ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આ મામલે ફોર્મ્યુલા આધારીત ઉકેલ લાવવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે વ્યાજ અને પેનલ્ટી સંપૂર્ણપણે માફ કરતા કોર્પોરેશનને મોટી રાહત મળી હતી, પરંતુ મૂળ રકમની ચુકવણીનો પ્રશ્ન હજુ યથાવત રહ્યો છે.
મળતી માહિતી મુજબ કોર્પોરેશ (Vadodara Municipal Corporation)ને આ રકમ 12 હપ્તામાં ચૂકવવાની રહેશે. પ્રથમ હપ્તામાં અંદાજે રૂ. 200 કરોડ અને ત્યારબાદ બાકીની રકમ 11 હપ્તામાં જમા કરાવવાની રહેશે. જોકે, કોર્પોરેશનની વાર્ષિક મિલકત વેરા સહિતની કુલ ટેક્સ આવક અંદાજે રૂ. 700થી 750 કરોડ જેટલી છે. આવી સ્થિતિમાં રૂ. 1,039 કરોડની ચુકવણી કરવી તંત્ર માટે સરળ નહીં હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આર્થિક નિષ્ણાતોના મતે, જો કોર્પોરેશન આ રકમ ચૂકવવા માટે પોતાની આવકનો મોટો હિસ્સો ખર્ચશે તો વિકાસકાર્યો, કર્મચારીઓના પગાર, જાળવણી ખર્ચ અને અન્ય નાગરિક સેવાઓ પર પણ તેની અસર પડી શકે છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકાએ રાજ્ય સરકાર સમક્ષ ફરી રજૂઆત કરી છે. કોર્પોરેશને વિનંતી કરી છે કે બાકી રહેલી મૂળ રકમ અંગે પણ સરકાર કોઈ રાહત આપે અથવા વૈકલ્પિક ઉકેલ શોધે. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ પણ જણાવ્યું છે કે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે અને સકારાત્મક નિર્ણયની આશા છે.
શું છે VMC Panam Schemeનો ઇતિહાસ?
પાનમ જળ વિતરણ યોજના (VMC Panam Scheme) વર્ષ 1971માં વડોદરાની ભવિષ્યની પાણીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી હતી. તે સમયે વડોદરા મહાનગરપાલિકા, રાજ્ય સરકાર તથા GSFC, IPCL અને ગુજરાત રિફાઇનરી વચ્ચે કરાર થયો હતો. આ યોજના હેઠળ કોર્પોરેશને ડેમના નિર્માણ માટે અંદાજે રૂ. 9 કરોડનું મૂડી રોકાણ કર્યું હતું તેમજ જાળવણી ખર્ચ તરીકે વાર્ષિક રકમ ચૂકવવાની જોગવાઈ હતી. બદલામાં શહેરને દરરોજ અંદાજે 38 મિલિયન ગેલન પાણી મળવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
હાલ આ યોજના (VMC Panam Scheme) સાથે જોડાયેલી બાકી રકમને લઈને કોર્પોરેશન ફરી એકવાર નાણાકીય દબાણમાં છે. હવે રાજ્ય સરકાર કોર્પોરેશન (Vadodara Municipal Corporation)ની નવી રજૂઆત પર શું નિર્ણય લે છે તેના પર સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ તેમજ શહેરવાસીઓની નજર ટકેલી છે.
આ પણ વાંચો:વડોદરામાં NA વગરના પ્લોટ આકારણી કૌભાંડ, VMC અધિકારીઓના ખોટા મૂલ્યાંકન બાદ 16 ઘર અને 6 પ્લોટ રદ
આ પણ વાંચો:પાણીજન્ય રોગચાળા સામે VMC એક્શનમાં! દૂષિત પાણી મુદ્દે રાજકારણ ગરમાયું
આ પણ વાંચો:VMCનો ખર્ચાળ અને કેન્દ્રની મેક ઇન ઇન્ડિયાની નીતિનો છેદ ઉડાડતો નિર્ણય !
