VMC Contaminated Water News: સંસ્કારી નગરી વડોદરામાં છેલ્લા કેટલાક સમયથી પાણીજન્ય રોગચાળાએ ભરડો લીધો છે. ઠેર-ઠેર દૂષિત પાણીની ફરિયાદો વચ્ચે હવે વડોદરા મહાનગરપાલિકા (VMC) એક્શન મોડમાં આવી છે. રોગચાળાને નાથવા માટે પાલિકાએ પોતાની રણનીતિ બદલી છે અને ખાનગી હોસ્પિટલો પર પણ લગામ કસી છે. બીજી તરફ, વિપક્ષે આ મુદ્દે ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવી શાસકોને ભીંસમાં લીધા છે.
ખાનગી હોસ્પિટલોએ હવે VMCને આપવો પડશે ડેટા
અત્યાર સુધી પાલિકા તંત્ર માત્ર સરકારી હોસ્પિટલોના આંકડાઓને આધારે જ કામગીરી કરતું હતું, જેના કારણે રોગચાળાની સાચી સ્થિતિ બહાર આવતી નહોતી. હવે પાલિકાએ કડક વલણ અપનાવતા શહેરની તમામ ખાનગી હોસ્પિટલો સાથે બેઠક કરી છે. હવેથી ખાનગી હોસ્પિટલોએ તેમના ત્યાં આવતા ટાઇફોઇડ, ઝાડા-ઉલ્ટી અને કમળા જેવા પાણીજન્ય રોગોના દર્દીઓની માહિતી પાલિકાને ફરજિયાત આપવી પડશે. આ ડેટાના આધારે જે વિસ્તારમાં કેસ વધુ હશે, ત્યાં તાત્કાલિક સર્વે અને ક્લોરિનેશન કરવામાં આવશે.

એન્જિનિયરિંગ વિભાગને ‘અલ્ટીમેટમ’
શહેરમાં અનેક વિસ્તારોમાં પીવાના પાણીની લાઈનમાં ગટરના પાણી ભળવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. આ ગંભીર સમસ્યાને ઉકેલવા પાલિકાએ એન્જિનિયરિંગ વિભાગને યુદ્ધના ધોરણે લાઈન રિપેરિંગ કરવા સૂચના આપી છે. દૂષિત પાણીના સ્ત્રોત શોધવા માટે હવે ટેકનિકલ ટીમો મેદાને ઉતારવામાં આવી છે.
“ભ્રષ્ટાચારનું પરિણામ જનતા ભોગવે છે”
જળજન્ય રોગચાળા મુદ્દે હવે રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. વિપક્ષ કોંગ્રેસે પાલિકાના શાસકો અને કોન્ટ્રાક્ટરો વચ્ચે મિલિભગત હોવાનો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસનું કહેવું છે કે હલકી ગુણવત્તાના કામ અને પાઈપલાઈન નાખવામાં થયેલા ભ્રષ્ટાચારને કારણે જ આજે વડોદરાની જનતા ગંદુ પાણી પીવા મજબૂર બની છે અને હોસ્પિટલના બિછાને પડી છે. વિપક્ષે દાવો કર્યો છે કે પાલિકા માત્ર બેઠકો કરે છે, પરંતુ જમીની સ્તર પર સ્થિતિ હજુ પણ ગંભીર છે.
આ પણ વાંચો: વડોદરામાં નગરપાલિકાના ફૂડ વિભાગની ખાદ્ય પદાર્થ વિક્રેતાઓ સામા લાલ આંખ
આ પણ વાંચો:વડોદરામાં 6 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલાની ઘટના
આ પણ વાંચો: વડોદરાના ડભોઈમાં પાલિકાની બેદરકારીથી યુવક ઈજાગ્રસ્ત, CCTV સામે આવ્યા
