Gandhinagar News: ગાંધીનગરના એસ.જી. હાઈવે પર સરગાસણ બ્રિજ પાસે સ્વાગત મોલ સામે ગુરુવારે મોડી રાત્રે ભયાનક ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે દોડતી હ્યુન્ડાઈ ક્રેટા કારે આગળ જઈ રહેલી મહિન્દ્રા EV કારને પાછળથી જોરદાર ટક્કર મારતાં તે ઇનોવા સહિત અન્ય વાહન સાથે અથડાઈ ગઈ હતી. અકસ્માતમાં કુલ ચાર લક્ઝુરિયસ કારોને ભારે નુકસાન થયું હતું, જ્યારે ક્રેટા કારમાં આગ લાગી જતા તે સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.
સળગતી કારમાં મોબાઈલ શોધતો યુવક, વીડિયો વાયરલ
અકસ્માત બાદનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં ક્રેટા કારમાં આગ લાગ્યા બાદ પણ એક યુવક પોતાના મોબાઈલ ફોનની શોધમાં સળગતી કારની અંદર જતો જોવા મળે છે. સ્થાનિક લોકોએ બૂમો પાડી તેને બહાર આવવા જણાવ્યું હતું. યુવક બહાર નીકળ્યા બાદ થોડા જ સમયમાં આખી કાર આગની લપેટમાં આવી ગઈ હતી. ત્યાર બાદ ગાંધીનગર ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.
મહેસાણા ભાજપના કોર્પોરેટરના ભત્રીજા-ભત્રીજી હતા મહિન્દ્રા EVમાં
સેક્ટર-7 પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે અકસ્માતમાં સામેલ મહિન્દ્રા EV કારમાં મહેસાણા નગરપાલિકાના ભાજપના કોર્પોરેટર ધીરજકુમાર કરમચંદાણી (રાકુભાઈ)ના ભત્રીજા વિશાલ અને ભત્રીજી ખુશી સવાર હતા. ફરિયાદ મુજબ, વિશાલ લંડનથી વેકેશન માટે ભારત આવ્યો હતો અને બંને ભાઈ-બહેન શાંતિગ્રામથી ગાંધીનગર તરફ નીકળ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં વિશાલ બેભાન જેવી સ્થિતિમાં થઈ ગયો હતો. 108 એમ્બ્યુલન્સ દ્વારા બંનેને તાત્કાલિક કે.ડી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક તપાસ બાદ બંનેની સ્થિતિ સામાન્ય હોવાનું જાણવા મળ્યું હતું.
CCTV ફૂટેજમાં ઓવરસ્પીડિંગનો દાવો
કોર્પોરેટર ધીરજકુમારે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે મહિન્દ્રા EVના પાછળના કેમેરામાં કેદ થયેલા ફૂટેજ મુજબ ક્રેટા કાર ઓવરસ્પીડમાં આવી હતી અને ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જોકે તેમણે મીડિયા સમક્ષ ફૂટેજ જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો અને પોલીસને સોંપી દીધા હોવાનું જણાવ્યું હતું.
ક્રેટામાં અમદાવાદના ત્રણ યુવકો સવાર
પોલીસના જણાવ્યા અનુસાર ક્રેટા કારમાં અમદાવાદના અયાન બિન્દર, કૌસ્તુભ દવે અને ચિત્રાંગ દવે સવાર હતા. સ્થાનિક લોકોનો દાવો છે કે તેઓ નશાની હાલતમાં હતા અને બંને કારમાં સવાર યુવકો એકબીજાને ઓળખતા હોવાની પણ ચર્ચા છે. જોકે પોલીસ દ્વારા હજુ સુધી આ દાવાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
બ્લડ સેમ્પલ તપાસ માટે મોકલાશે
તપાસ અધિકારી એએસઆઈ હર્ષદભાઈએ જણાવ્યું કે ત્રણેય યુવકો સારવાર હેઠળ હોવાથી હજુ તેમના સત્તાવાર નિવેદન લેવામાં આવ્યા નથી. તેમના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવશે. ઉપરાંત મહિન્દ્રા EVમાં કેદ થયેલા કેમેરા ફૂટેજ પણ કબજે લેવાની કાર્યવાહી હાથ ધરાશે.
પોલીસે શું કહ્યું?
પોલીસના જણાવ્યા મુજબ ક્રેટા કાર આગમાં સંપૂર્ણ સળગી જતાં તેની ચોક્કસ સ્પીડ અંગે હાલ કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકાય તેમ નથી. હાલમાં ક્રેટા ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને સમગ્ર ઘટનાની વધુ તપાસ ચાલુ છે.
આ પણ વાંચો: સાવધાન! રાત્રિના આ 1 કલાકમાં થાય છે સૌથી વધુ રોડ અકસ્માત, રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
આ પણ વાંચો: ગાંધીનગર SG હાઇવે પર નશામાં ધૂત નબીરાએ સર્જ્યો અકસ્માત: 4 વાહનો વચ્ચે અકસ્માત બાદ કાર બળીને ખાખ, એક ગંભીર
