Gandhinagar News/ ગુજરાતમાં 18 વર્ષ સુધીના દરેક બાળકને મળશે હેલ્થ પાસપોર્ટ

આ પહેલની સૌથી મુખ્ય વિશેષતા તેનું ડિજિટલ ઇન્ટિગ્રેશન છે. હેલ્થ પાસપોર્ટ (Health Passport)ની ફિઝિકલ કૉપી માતા-પિતા પાસે જ સુરક્ષિત રહેશે

Gujarat Gandhinagar
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે બાળકો તથા કિશોર-કિશોરીઓ માટેની હેલ્થકેર સુવિધાઓને વધુ સ્માર્ટ, સસ્ટેનેબલ અને ફેમિલી તેમજ ચાઇલ્ડ ફ્રેન્ડલી બનાવવા માટે ‘હેલ્થ પાસપોર્ટ’ (Health Passport)ની પહેલ હાથ ધરી છે.

Gandhinagar News :  વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રઢપણે માને છે કે, ‘સ્વસ્થ ભારત’ના નિર્માણ માટે ‘સ્વસ્થ બાળપણ’ સૌથી મહત્વપૂર્ણ આધાર છે. ગુજરાત (Gujarat) વડાપ્રધાનના આ વિઝનને સાકાર કરવાની દિશામાં મજબૂત કામગીરી કરી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે બાળકો તથા કિશોર-કિશોરીઓ માટેની હેલ્થકેર સુવિધાઓને વધુ સ્માર્ટ, સસ્ટેનેબલ અને ફેમિલી તેમજ ચાઇલ્ડ ફ્રેન્ડલી બનાવવા માટે ‘હેલ્થ પાસપોર્ટ’ (Health Passport)ની પહેલ હાથ ધરી છે.

સ્કૂલ હેલ્થ – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (SH-RBSK) હેઠળ હવે ગુજરાતમાં જન્મથી 18 વર્ષ સુધીના દરેક બાળક (Child)નો પોતાનો એક હેલ્થ પાસપોર્ટ હશે. આ કોઈ સામાન્ય હેલ્થ કાર્ડ નહીં હોય, પરંતુ બાળકના જન્મથી લઈને કિશોરાવસ્થા સુધીની સંપૂર્ણ મેડિકલ હિસ્ટ્રી દર્શાવતું એક પ્રમાણભૂત દસ્તાવેજ હશે. ઉલ્લેખનીય છે કે, આ રાજ્યવ્યાપી કાર્યક્રમની શરૂઆત 27 જૂન, 2026ના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.

1.89 કરોડ બાળકો પાસે હશે પોતાનો ‘હેલ્થ પાસપોર્ટ’, 992 મોબાઇલ ટીમો કરશે તૈયાર

ગુજરાતમાં SH-RBSK હેઠળ દર વર્ષે લગભગ 1.89 કરોડ બાળકોનું હેલ્થ ચેકઅપ 992 મોબાઇલ હેલ્થ ટીમો દ્વારા કરવામાં આવે છે. હાલમાં આ ચેકઅપ્સનો રેકોર્ડ ડિજિટલ પોર્ટલ પર તો ઉપલબ્ધ છે, પરંતુ માતા-પિતા અથવા બાળકો પાસે એવું કોઈ સુવિધાજનક ડોક્યુમેન્ટ ઉપલબ્ધ નથી, જેનો ઉપયોગ તેઓ નિયમિત રૂટિન ચેકઅપ, સારવાર અથવા ફોલો-અપ માટે સરળતાથી કરી શકે. પ્રસ્તાવિત ‘હેલ્થ પાસપોર્ટ’ બાળકોના મેડિકલ રેકોર્ડ્સને એક સિસ્ટમેટિક અને સરળ ફોર્મેટમાં ઉપલબ્ધ કરાવશે.

હેલ્થ પાસપોર્ટ બનાવવાની પ્રક્રિયા સરળ હશે, સ્ક્રીનિંગ સ્થળ પર જ મળશે પાસપોર્ટ, વધારાના દસ્તાવેજોની જરૂર નહીં પડે

વાલીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને હેલ્થ પાસપોર્ટ (Health Passport)બનાવવાની પ્રક્રિયા ખૂબ જ સરળ રાખવામાં આવી છે. બાળકો (Child)નો ‘હેલ્થ પાસપોર્ટ’ બનાવવા માટે માતા-પિતાએ કોઈ વધારાના દસ્તાવેજો રજૂ કરવાની જરૂર રહેશે નહીં. SH-RBSKની મોબાઇલ હેલ્થ ટીમો દ્વારા આંગણવાડી, શાળા, મદરેસા, ગુરુકુલ અને સ્પેશિયલ સ્કૂલોમાં બાળકોનું હેલ્થ સ્ક્રીનિંગ કરવામાં આવશે.

સ્ક્રીનિંગ અને ડિજિટલ પ્લેટફોર્મ પર ડેટા એન્ટ્રી બાદ બાળકોને આ હેલ્થ પાસપોર્ટ સ્થળ પર જ આપવામાં આવશે. એટલું જ નહીં, તે સરળતાથી રિન્યૂ પણ થઈ જશે. 5 વર્ષ સુધીના બાળકો અથવા શાળાએ ન જતા બાળકોના હેલ્થ પાસપોર્ટને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)ના મેડિકલ ઓફિસર (MO) દ્વારા દર વર્ષે રિન્યૂ કરવામાં આવશે. જ્યારે, વિદ્યાર્થીઓના કાર્ડ શાળાના પ્રિન્સિપાલ દ્વારા રિન્યૂ કરવામાં આવશે.

જન્મથી 18 વર્ષ સુધીની સંપૂર્ણ મેડિકલ હિસ્ટ્રી, બીમારીઓ (4D)નું ટ્રેકિંગ અને પોષણનું સ્તર હવે એક જ ડોક્યુમેન્ટમાં

આ હેલ્થ પાસપોર્ટ દરેક બાળકની પર્સનલ મેડિકલ હિસ્ટ્રી રજૂ કરતું એક માસ્ટર ડોક્યુમેન્ટ હશે. તેમાં બાળકની મૂળભૂત વિગતો સાથે જન્મથી 18 વર્ષની ઉંમર સુધીના હેલ્થ ચેકઅપનો સંપૂર્ણ રેકોર્ડ નોંધવામાં આવશે. આ ઉપરાંત, સ્કૂલ હેલ્થ-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (SH-RBSK) હેઠળની ચાર મુખ્ય કેટેગરી (4D) એટલે કે જન્મજાત ખામીઓ, બીમારીઓ, પોષણની ઉણપ અને વિકાસમાં વિલંબ અથવા વિકલાંગતા સંબંધિત સંપૂર્ણ અપડેટ પણ તેમાં હશે.

એટલું જ નહીં, બાળકની શારીરિક-માનસિક વૃદ્ધિ અને વિકાસ, પોષણનું સ્તર, રેફરલ સર્વિસીસ, પોષણ અને સ્વાસ્થ્ય સંબંધિત ટિપ્સ, જીવનશૈલી અંગેની સલાહ તેમજ ઇમરજન્સી હેલ્પલાઇન નંબર પણ આ પાસપોર્ટમાં હશે. સરળ શબ્દોમાં કહીએ તો, પરિવારને બાળકના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી દરેક નાની-મોટી માહિતી એક જ સ્થળે ઉપલબ્ધ થશે.

આ પહેલની સૌથી મુખ્ય વિશેષતા તેનું ડિજિટલ ઇન્ટિગ્રેશન છે. હેલ્થ પાસપોર્ટ (Health Passport)ની ફિઝિકલ કૉપી માતા-પિતા પાસે જ સુરક્ષિત રહેશે, પરંતુ તેને SH-RBSK ડિજિટલ પોર્ટલ સાથે સંપૂર્ણ રીતે સંકલિત કરવામાં આવશે, જેથી ડેટા મેનેજમેન્ટ સરળ અને સુવ્યવસ્થિત રહે. જો કોઈ કારણોસર ફિઝિકલ હેલ્થ પાસપોર્ટ ખોવાઈ જાય અથવા ખરાબ થઈ જાય, તો નવો હેલ્થ પાસપોર્ટ મોબાઇલ હેલ્થ ટીમની મદદથી મેળવી શકાશે. ગુજરાત સરકાર દ્વારા બાળકો માટે પ્રસ્તાવિત આ ‘હેલ્થ પાસપોર્ટ’નો હેતુ માત્ર મેડિકલ ફાઇલો તૈયાર કરવાનો નથી, પરંતુ માતા-પિતાને બાળકોના હેલ્થ મેનેજમેન્ટમાં એક સક્રિય ભાગીદાર બનાવવાનો છે. આનાથી બાળકો, માતા-પિતા અને હેલ્થકેર સિસ્ટમ વચ્ચે વધુ મજબૂત જોડાણ બનશે.


આ પણ વાંચો : નવા વર્ષમાં યાત્રા દરમિયાન જરુરી હશે વેક્સીન પાસપોર્ટ, જાણો આની સાથે જોડાયેલ માહિતી

આ પણ વાંચો : ગાંધીનગરમાં PM Family Care Tracker અને Health Passport લોન્ચ

આ પણ વાંચો : દુનિયાનો એકમાત્ર દેશ જ્યાં પક્ષીઓ માટે બને છે પાસપોર્ટ, માણસોની જેમ ફ્લાઈટમાં કરે છે મુસાફરી