Rajkot News: શાપર-વેરાવળ વિસ્તારમાં 19 જૂનની મધરાતે થયેલી રૂ. 2.49 કરોડની સનસનાટીભરી લૂંટ (Rajkot Shapar Robbery)ના કેસમાં રાજકોટ ગ્રામ્ય પોલીસે મહત્વની સફળતા મેળવી છે. પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરીને રૂ. 76.86 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. કોર્ટ દ્વારા ત્રણેય આરોપીઓને પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે.
Rajkot Shapar Robbery: શું હતી સમગ્ર ઘટના?
19 જૂનની રાત્રે શાપરના જૂના રાજવી પરિવારના સભ્ય અને 77 વર્ષીય જીતેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજા પોતાના ઘરે એકલા હતા. મધરાત બાદ પાંચ બુકાનીધારી શખ્સોએ ઘરમાં ઘૂસી તેમને બંધક બનાવી દીધા હતા.એક આરોપી લોખંડની પાઇપ સાથે તેમની છાતી પર બેસી ગયો હતો, જ્યારે અન્ય આરોપીઓએ ઘરની તિજોરી અને કબાટ તોડી રોકડ, સોના-ચાંદીના દાગીના, પરવાનાવાળી 12 બોર રાયફલ અને મોબાઇલ સહિત અંદાજે રૂ. 2.49 કરોડની માલમત્તાની લૂંટ (Rajkot Shapar Robbery) ચલાવી હતી.
મધ્યપ્રદેશથી ત્રણ આરોપીની ધરપકડ
તપાસ દરમિયાન રાજકોટ ગ્રામ્ય પોલીસે મધ્યપ્રદેશ અને દાહોદ સુધી તપાસનો વ્યાપ વધાર્યો હતો. પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે, બનસીંગ ઉર્ફે બન્ના હેમરાજ સિંગાડ (મધ્યપ્રદેશ), સેતાન દીવાન અમલિયાર (દાહોદ) અને દિનેશ સેતાન પરમાર ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા બાદ પાંચ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
રૂ. 76.86 લાખનો મુદ્દામાલ કબ્જે
પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 43.18 લાખ રોકડ,રૂ. 21.22 લાખના દાગીના,લૂંટ (Rajkot Shapar Robbery)માં વપરાયેલા હથિયારો,બોલેરો કાર, લૂંટાયેલી લાઇસન્સવાળી રાયફલ સહિત કુલ રૂ. 76.86 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
કેડબરી ચોકલેટ બન્યું તપાસનું ટર્નિંગ પોઈન્ટ
આ સમગ્ર કેસમાં સૌથી રસપ્રદ પાસું પૂછપરછ દરમિયાન સામે આવ્યું. પોલીસના જણાવ્યા અનુસાર મુખ્ય આરોપી બનસીંગ શરૂઆતમાં કોઈ માહિતી આપતો નહોતો. પૂછપરછ દરમિયાન જ્યારે તેને શું ખાવું ગમે છે તે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કેડબરી ડેરી મિલ્ક ચોકલેટની માંગ કરી હતી.પોલીસે ચોકલેટ આપ્યા બાદ આરોપીનો વલણ બદલાયો અને તેણે લૂંટ (Rajkot Shapar Robbery)ની યોજના, ઘટનાક્રમ અને અન્ય આરોપીઓ અંગે મહત્વની માહિતી આપવાનું શરૂ કર્યું. આ માહિતીના આધારે તપાસને વધુ દિશા મળી.
ગામમાં અજાણ્યા લોકો જાય તો કુકડાઓ ચેતવણી આપે!
તપાસ દરમિયાન પોલીસ સામે એક અનોખી મુશ્કેલી પણ આવી. આરોપીઓના મધ્યપ્રદેશ સ્થિત ગામમાં મોટા ભાગના ઘરોમાં પાલતુ કુકડાઓ રાખવામાં આવતા હોવાનું જાણવા મળ્યું. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ગામમાં કોઈ અજાણ્યો વ્યક્તિ પ્રવેશ કરે તો કુકડાઓ એકસાથે અવાજ કરવા લાગે છે, જેના કારણે આરોપીઓ તરત જ સતર્ક થઈ જતા હતા.આ પડકાર વચ્ચે પોલીસે વેશપલટો કરીને ગુપ્ત રીતે તપાસ આગળ વધારી હતી અને આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી.
હજુ પાંચ આરોપી ફરાર
પોલીસના જણાવ્યા મુજબ, કેસના મુખ્ય સૂત્રધાર સહિત વધુ પાંચ આરોપીઓ હજુ ફરાર છે. તેમની શોધખોળ માટે મધ્યપ્રદેશમાં અલગ-અલગ ટીમો કામગીરી કરી રહી છે. પોલીસને આશા છે કે ટૂંક સમયમાં બાકીના આરોપીઓને પણ ઝડપી લેવામાં આવશે.
આ પણ વાંચો:રાજકોટમાં કરોડોની લૂંટનો ભેદ ઉકેલાયો: મધ્યપ્રદેશમાંથી 3 લૂંટારુઓ ઝડપાયા, 41 લાખનો મુદ્દામાલ રિકવર
આ પણ વાંચો:રાજકોટમાં ઘરમાં ઘૂસી વૃદ્ધને બનાવી 2.47 કરોડ રોકડા અને સોનાની લૂંટ કરી, બુકાનીધારી શખસો ફરાર
આ પણ વાંચો:રાજકોટમાં પાર્ટી પ્લોટમાં લૂંટનો ભેદ ઉકેલાયો, આરોપી 2 યુવતીઓ સહિત ચાર શખ્સોની ધરપકડ
