બાળક (baby)ના જન્મ પછી શરૂઆતના થોડા દિવસો માતા અને નવજાત શિશુ બંને માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે.આ સમયે માતાના સ્તનમાંથી આવતું પ્રથમ પીળાશ પડતું,ઘટ્ટ દૂધ જેને વિજ્ઞાનની ભાષામાં ‘કોલોસ્ટ્રમ’ (Colostrum) અને સામાન્ય ભાષામાં ‘સોનેરી દૂધ’ કહેવામાં આવે છે,તે બાળકના સમગ્ર જીવનની તંદુરસ્તીનો પાયો નાખે છે.ભલે તેની માત્રા ઓછી હોય,પરંતુ તેમાં રહેલા પોષકતત્વોનો ખજાનો અજોડ છે.આ જ કારણે દુનિયાભરના ડોક્ટરો જન્મતા તરત જ બાદ બાળકને આ દૂધ આપવાની ભારપૂર્વક સલાહ આપે છે.
કોલોસ્ટ્રમ શું છે અને તે ક્યારે બને છે?
કોલોસ્ટ્રમ એ કોઇ સામાન્ય દૂધ નથી,પરંતુ કુદરત દ્વારા બાળક માટે તૈયાર કરાયેલું એક ખાસ ન્યુટ્રિશન સિલ્ડ છે.માતાના શરીરમાં ગર્ભાવસ્થાના છેલ્લા મહિનાઓ દરમિયાન જ આ દૂધ બનવાની પ્રક્રિયા શરૂ થઇ જાય છે.બાળકના જન્મ પછીના શરૂઆતના 2 થી 3 દિવસ સુધી જ આ દૂધ આવે છે.તેનો રંગ હળવો પીળો અથવા આછો ક્રીમ જેવો અને તેની ઘનતા સામાન્ય દૂધ કરતાં ઘણી વધારે હોય છે.
નવજાત શિશુ માટે કુદરતી સુરક્ષા કવચ અને પ્રથમ રસી સમાન:
જન્મ સમયે બાળકની પોતાની રોગપ્રતિકારક શક્તિ (Immunity) સાવ નહિવત હોય છે.કોલોસ્ટ્રમમાં પ્રચંડ માત્રામાં એન્ટિબોડીઝ, પ્રોટીન અને વિટામિન્સ હોય છે. આથી જ તેને બાળકની ‘પ્રથમ કુદરતી રસી’કહેવાય છે.તે બહારના વાતાવરણમાં રહેલા હાનિકારક વાયરસ, બેક્ટેરિયા અને ઇન્ફેક્શન સામે બાળકને લોખંડી સુરક્ષા પ્રદાન કરે છે.
નાજુક પાચનતંત્રને મજબૂત કરી આંતરડાનો વિકાસ કરે છે:
નવજાત શિશુનું પેટ અને પાચનતંત્ર અત્યંત સંવેદનશીલ હોય છે.કોલોસ્ટ્રમ એટલું હલકું અને સુપાચ્ય હોય છે કે બાળક તેને સરળતાથી પચાવી શકે છે. તે બાળકના આંતરડાની અંદર એક રક્ષણાત્મક પડ બનાવે છે અને પેટમાં સારા બેક્ટેરિયા (Healthy Gut Bacteria) વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
શિશુમાં કમળા (Jaundice) નું જોખમ ઘટાડવામાં મદદરૂપ:
ઘણા બાળકોને જન્મના શરૂઆતના દિવસોમાં કમળો થવાનો ભય રહે છે.કોલોસ્ટ્રમ એક કુદરતી જુલાબ (Laxative) તરીકે કામ કરે છે, જે બાળકના પેટમાં જમા થયેલા પ્રથમ મળ (Meconium) ને સરળતાથી બહાર કાઢે છે.આ પ્રક્રિયાથી શરીરમાંથી ‘બિલિરૂબિન’ નામનું તત્વ સાફ થઇ જાય છે અને બાળક કમળાના જોખમથી બચી જાય છે.
શારીરિક અને માનસિક વિકાસ માટે જરૂરી પોષકતત્વોનો સ્ત્રોત:
આ સોનેરી દૂઘમાં વિટામિન A, ઝિંક અને શક્તિશાળી મિનરલ્સ ભરપૂર હોય છે.વિટામિન A બાળકની આંખોની રોશની અને ત્વચા માટે વરદાન સમાન છે.આ તમામ તત્વો બાળકના અંગોના સર્વાંગી અને ઝડપી વિકાસ માટે ઇંધણ પૂરું પાડે છે.
માતા અને બાળક વચ્ચેના ભાવનાત્મક સંબંધોની અતૂટ કડી:
જન્મના પ્રથમ કલાકમાં જ સ્તનપાન કરાવવાથી માતા અને બાળક વચ્ચે એક અદભુત આત્મિયતા અને હૂંફનો સંબંધ બંધાય છે.સ્પર્શની આ પ્રક્રિયાથી બાળક સુરક્ષિત અનુભવે છે અને નવી માતાઓમાં પણ સ્તનપાન કરાવવાનો આત્મવિશ્વાસ તેમજ હોર્મોનલ સંતુલન વધુ સારું બને છે.
