Maharashtra News : દેશભરમાં ચોમાસાએ જોર પકડતાં અનેક રાજ્યોમાં ભારે વરસાદ (Rain)ને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. મહારાષ્ટ્ર, ગુજરાત અને છત્તીસગઢ સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાવા, નદીઓના જળસ્તર વધવા અને અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે. હવામાન વિભાગે પણ અનેક રાજ્યો માટે ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જાહેર કરી છે.
મહારાષ્ટ્રમાં વોટરફોલ પર રેસ્ક્યૂ ઓપરેશન
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં આવેલા ઝેનિથ વોટરફોલ (Zenith Waterfall)ખાતે અચાનક જળસ્તર વધી જતાં આશરે 100 પ્રવાસીઓ ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક પ્રશાસન અને બચાવ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. દોરડાની મદદથી તમામ પ્રવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી.
વસઈમાં રસ્તાઓ નદીમાં ફેરવાયા
ભારે વરસાદને કારણે મહારાષ્ટ્રના વસઈ (Vasai)ના નાલાસોપારા વિસ્તારમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. પાણીના ભારે ભરાવાને કારણે આશરે 20 કાર પાણીમાં ડૂબી ગઈ હતી. મુંબઈમાં પણ વરસાદના કારણે 64 વૃક્ષો ધરાશાયી થયા હતા, જ્યારે આઠ મકાનોની દીવાલો પડી જવાની ઘટનાઓ નોંધાઈ હતી.
રત્નાગિરી જિલ્લામાં સતત વરસાદ (Rain)ને કારણે જગબુડી નદીનું જળસ્તર ઝડપથી વધી રહ્યું છે. હાલ નદીનું જળસ્તર 6.40 મીટર નોંધાયું છે, જે ભયજનક સપાટીથી ખૂબ નજીક છે.
ગુજરાતમાં અનેક વિસ્તારો જળબંબાકાર
ગુજરાતમાં પણ ભારે વરસાદને કારણે અનેક જિલ્લાઓ પ્રભાવિત થયા છે. જૂનાગઢના નીચાણવાળા વિસ્તારોમાં ચાર ફૂટ સુધી પાણી ભરાઈ જતાં રસ્તાઓ પર હોડી ચલાવવાની ફરજ પડી હતી. ભાવનગર જિલ્લામાં પાણીના જોરદાર પ્રવાહમાં એક કાર તણાઈ જવાની ઘટના પણ સામે આવી છે.
છત્તીસગઢમાં ઘરોમાં ઘૂસ્યું વરસાદી પાણી
છત્તીસગઢની રાજધાની રાયપુરમાં શનિવારે રાત્રે માત્ર અડધા કલાકમાં 30 મિમી વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે ટાટીડેમ વિસ્તારમાં અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
પુણેમાં દીવાલ ધરાશાયી, 14 વાહનોને નુકસાન
મહારાષ્ટ્રના પુણેના કાત્રજ વિસ્તારમાં સતત વરસાદ (Rain)ના કારણે એક રહેણાંક સોસાયટીની કમ્પાઉન્ડ વોલ તૂટી પડી હતી. દીવાલ પાર્કિંગ શેડ પર પડતાં સાત કાર અને સાત મોટરસાયકલ કાટમાળ નીચે દબાઈ ગયા હતા. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી
હવામાન વિભાગે દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ સહિત દેશના 13 રાજ્યોમાં આગામી દિવસોમાં ભારે વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની શક્યતા વ્યક્ત કરી છે. લોકોને નદી, ધોધ અને નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા તેમજ સ્થાનિક પ્રશાસનની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.
