Gujarat News/ ગુજરાતમાં  છેલ્લા 24 કલાકમાં ક્યાં, કેટલો વરસાદ વાંચો સંપૂર્ણ અહેવાલ?

રાજ્યમાં સતત વરસી રહેલા વરસાદે કેટલાક વિસ્તારોમાં મુશ્કેલી સર્જી છે. રાજ્યના 225 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. અનેક ડેમોમાં પાણીની નવી આવક થઈ છે ભારે વરાસાદને કારણે રાજ્યભરમાં NDRF-SDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News
RAIN

Gujarat News: ગુજરાતમાં ચોમાસું જોર પકડી રહ્યું છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા 24 કલાક દરમિયાન ધોધમાર વરસાદ નોંધાયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગરના અહેવાલ મુજબ સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં સૌથી વધુ 22 ઇંચ જેટલો વરસાદ નોંધાતા જનજીવન પ્રભાવિત થયું છે.

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ (Rain)

રાજ્યના કુલ 225 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. જેમાં 14 તાલુકાઓમાં 5થી 10 ઇંચ, 85 તાલુકાઓમાં 1થી 5 ઇંચ અને 118 તાલુકાઓમાં 1 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં 4 જુલાઈ, 2026ના રોજ સવારે 6 વાગ્યા સુધીમાં સરેરાશ 5 ઇંચ વરસાદ નોંધાયો છે, જે મોસમના કુલ સરેરાશ વરસાદના 13.27 ટકા જેટલો થાય છે. ઝોન મુજબ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 17.11 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 15.38 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 10.87 ટકા, ઉત્તર ગુજરાતમાં 7.79 ટકા અને કચ્છ ઝોનમાં માત્ર 0.40 ટકા વરસાદ નોંધાયો છે.

જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનામાં 14 ઇંચ વરસાદ

માંગરોળ બાદ જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનામાં 14 ઇંચ વરસાદ નોંધાયો છે. ડાંગ જિલ્લાના વઘઈ અને સુબીર તેમજ સુરત જિલ્લાના અંબિકા વિસ્તારમાં 13-13 ઇંચ વરસાદ વરસ્યો છે. ઉપરાંત કેશોદ અને મેંદરડા તાલુકામાં 12-12 ઇંચ તેમજ તાપી જિલ્લાના ડોલવણમાં 11 ઇંચ વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં નદી-ડેમ છલકાયા

રાજ્યના જળાશયોમાં પણ પાણીની આવક સતત વધી રહી છે. સરદાર સરોવર નર્મદા ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાના 64.11 ટકા સુધી ભરાઈ ગયો છે. જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં સરેરાશ 36.09 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. હાલમાં 10 ડેમ 70થી 100 ટકા, 20 ડેમ 50થી 70 ટકા, 58 ડેમ 25થી 50 ટકા અને 118 ડેમ 25 ટકાથી ઓછા ભરાયેલા છે. ઉપરાંત 2 ડેમ હાઈ એલર્ટ, 1 ડેમ એલર્ટ અને 7 ડેમ વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે.

ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકારે આગોતરા પગલાં લીધા છે. હાલમાં રાજ્યભરમાં 10 NDRF અને 25 SDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે, જ્યારે 3 NDRF અને 8 SDRFની ટીમો રિઝર્વમાં રાખવામાં આવી છે.

ભારે વરસાદને પગલે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં વિજ પુરવઠો ખોરવાયો

વરસાદ અને ભારે પવનના કારણે 2,174 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જેમાંથી 2,087 ગામોમાં વીજ પુરવઠો ફરી શરૂ કરી દેવામાં આવ્યો છે, જ્યારે બાકીના 87 ગામોમાં પુનઃસ્થાપન કામગીરી ચાલુ છે. નવસારી જિલ્લામાં વરસાદને કારણે અત્યાર સુધીમાં 50 લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.

તંત્રની અપીલ

હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને 4 જુલાઈથી 7 જુલાઈ, 2026 દરમિયાન રાજ્યના માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. તંત્રએ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને જરૂરી ન હોય ત્યાં સુધી મુસાફરી ટાળવા અપીલ કરી છે.


આ પણ વાંચો: ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ: અનેક જિલ્લાઓમાં ઓરેન્જ-યલો એલર્ટ, હાઈવે ધોવાયો, ડેમ ઓવરફ્લો

આ પણ વાંચો:રાજ્યમાં પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય, અતિભારે વરસાદની આગાહી, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ

આ પણ વાંચો:રાજ્યના 225 તાલુકામાં વરસાદ, જૂનાગઢના માંગરોળમાં સૌથી વધુ 22.24 ઈંચ વરસાદ