Tech News/ મોંઘવારીનો ડામ: મોબાઈલ રિચાર્જ પ્લાન 15% અને 5જી સેવાઓ 20% સુધી મોંઘી થવાના એંધાણ; જાણો ક્યારથી વધશે ભાવ

દેશમાં 2026ના ઉત્તરાર્ધમાં મોબાઈલ રિચાર્જ (Mobile recharge) પ્લાન્સ 15% સુધી અને 5G ડેટા કનેક્શન 20% સુધી મોંઘા થઈ શકે છે.

Tech & Auto
mobile recharge

દેશના સામાન્ય નાગરિકો પર ફરી એકવાર આર્થિક બોજ વધવા જઈ રહ્યો છે. ટેલિકોમ સેક્ટરના નિષ્ણાતોના મતે, ચાલુ નાણાકીય વર્ષના ઉત્તરાર્ધમાં મોબાઈલ સબ્સ્ક્રિપ્શન ચાર્જિસમાં મોટો ઉછાળો આવી શકે છે. ઓક્ટોબરથી માર્ચ મહિનાની વચ્ચે ટેલિકોમ ઓપરેટરો પોતાના વર્તમાન મોબાઈલ રિચાર્જ (Mobile recharge) પ્લાન્સની કિંમતોમાં 15% સુધીનો વધારો કરે તેવી પ્રબળ સંભાવના છે.આ ઉપરાંત, હાઈ-સ્પીડ 5G નેટવર્ક વાપરનારા ગ્રાહકોને વધુ મોટો ફટકો પડશે, કારણ કે 5જી સેવાઓના દરોમાં 20% સુધીનો જંગી વધારો ઝીંકાઈ શકે છે.

ભાવ વધારા વિના પણ કંપનીઓની કમાણી વધી:

નવા ગ્રાહકોના ઉમેરા અને પ્રીમિયમ પેકેજીસ તરફ યૂઝર્સના વધતા ઝુકાવને કારણે ચાલુ વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં (એપ્રિલ-જૂન) ટેલિકોમ કંપનીઓની આવકમાં સારો ગ્રોથ જોવા મળ્યો છે. અગાઉ જુલાઈ 2024 માં કરાયેલા ટેરિફ વધારાની સકારાત્મક અસર હવે કંપનીઓની બેલેન્સ શીટ પર સ્પષ્ટ દેખાઈ રહી છે. આ ઉપરાંત, આ ત્રિમાસિક ગાળામાં મળેલા એક વધારાના દિવસના કારણે પણ ટેલિકોમ ઓપરેટરોના પ્રોફિટ માર્જિનમાં ટેકો મળ્યો છે.

પ્રીમિયમ પ્લાન્સ અને હાઈ-સ્પીડ ડેટાના વપરાશમાં મોટો ઉછાળો:

મોબાઈલ માર્કેટમાં અત્યારે ગ્રાહકો ઝડપી ઈન્ટરનેટ માટે મોંઘા અને પ્રીમિયમ પ્લાન્સ વધુ પસંદ કરી રહ્યા છે. મોટાભાગના યુઝર્સ હવે જૂની 2G કનેક્ટિવિટી છોડીને સ્માર્ટ 4G અને 5G નેટવર્ક તરફ વળી રહ્યા છે. આ બદલાવના લીધે ટેલિકોમ કંપનીઓની ‘એવરેજ રેવન્યુ પર યુઝર’ (ARPU) એટલે કે ગ્રાહક દીઠ સરેરાશ આવકમાં વાર્ષિક ધોરણે આશરે 5% નો સીધો ગ્રોથ નોંધાયો છે.

નવા યૂઝર્સ જોડવામાં એરટેલ અને વોડાફોન-આઈડિયા આગળ:

ટેલિકોમ ક્ષેત્રે ગ્રાહકોની સંખ્યા સતત વિસ્તરી રહી છે. અહેવાલો મુજબ, આ ગાળા દરમિયાન ભારતી એરટેલ પોતાના નેટવર્કમાં આશરે 35 લાખ નવા ગ્રાહકો ઉમેરી શકે છે. બીજી તરફ, આર્થિક કટોકટીનો સામનો કરી રહેલી વોડાફોન આઈડિયા (Vi) કંપની પણ અંદાજે 5 લાખ નવા યૂઝર્સ આકર્ષવામાં સફળ રહેશે તેવા અંદાજો છે.

આગામી 3 થી 6 મહિનામાં અમલી બનશે નવો ટેરિફ પ્લાન:

આગામી 3 થી 6 મહિનાની અંદર ટેલિકોમ દરોમાં 12% થી 15% સુધીની નવી ભાવવૃદ્ધિ બજારમાં લાગુ થઈ જશે. વૈશ્વિક મોરચે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ માર્ગ પુનઃ કાર્યરત થવાથી આંતરરાષ્ટ્રીય સ્તરે મોંઘવારીની ચિંતાઓ થોડી હળવી જરૂર થઈ છે, પરંતુ ઘરેલું બજારમાં મોબાઈલ બિલો મોંઘા થવાનું હવે બિલકુલ નક્કી માનવામાં આવી રહ્યું છે.


આ પણ વાંચો :મોબાઈલ રિચાર્જ પ્લાન વધુ મોંઘા થઈ શકે છે, હવે 5G રોલ આઉટમાં થશે વિલંબ!

આ પણ વાંચો :મોબાઈલ રિચાર્જ થશે મોંઘુ! 50 થી 250 રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડશે

આ પણ વાંચો :4 જૂન પછી ટેલિકોમ કંપનીઓ આપશે આંચકો, મોબાઈલ રિચાર્જ પર આટલો વધારે ચાર્જ ચૂકવવો પડશે.