Gujarat Weather Update: ગુજરાતમાં ચોમાસું હવે સંપૂર્ણ જોરમાં છે. હવામાન વિભાગે રાજ્ય માટે ભારે વરસાદની નવી આગાહી જાહેર કરી છે. વિભાગના જણાવ્યા મુજબ ગુજરાત અને તેની આસપાસ એકસાથે પાંચ શક્તિશાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. તેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ઓફ-શોર ટ્રફ, શેયર ઝોન અને લો-પ્રેશર જેવી સિસ્ટમોનો સમાવેશ થાય છે. તેના કારણે આગામી દિવસોમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વ્યાપકથી લઈને અતિભારે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ
દરિયામાં હવામાન ખરાબ રહેવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને માછીમારોને આગામી સૂચના સુધી દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. સાથે જ ગુજરાતના તમામ બંદરો પર ત્રણ નંબરનું ચેતવણી સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ
દરિયામાં હવામાન ખરાબ રહેવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને માછીમારોને આગામી સૂચના સુધી દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. સાથે જ ગુજરાતના તમામ બંદરો પર ત્રણ નંબરનું ચેતવણી સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદનું એલર્ટ
હવામાન વિભાગ મુજબ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર યથાવત રહેશે. સુરત, નવસારી, વલસાડ અને દમણમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ જિલ્લાઓમાં પણ ભારે વરસાદની સંભાવના
દાદરા અને નગર હવેલી, તાપી, ડાંગ તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં પણ ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થઈ શકે છે. અમરેલી, ગીર સોમનાથ અને ભરૂચ જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ
મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. વડોદરા, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં ગાજવીજ સાથે સારો વરસાદ પડી શકે છે.
અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં ભારે ઝાપટાંની આગાહી
અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, આણંદ, નર્મદા, ખેડા, અરવલ્લી, જુનાગઢ અને બોટાદ સહિતના જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદી ઝાપટાં પડવાની આગાહી કરવામાં આવી છે.
તંત્ર એલર્ટ મોડ પર, લોકોને સાવચેત રહેવાની અપીલ
ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યના અસરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટર અને વહીવટી તંત્રને એલર્ટ મોડ પર રહેવા સૂચના આપવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો તેમજ નદી કિનારાના ગામોના રહેવાસીઓને ખાસ સાવચેતી રાખવા અને જરૂરી હોય ત્યારે તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
