india news/ ભોજશાળા વિવાદમાં સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય: નમાજ માટે પરવાનગી, હાઇકોર્ટનો આદેશ યથાવત

Bhojshala Supreme Court Verdict: ભોજશાળા વિવાદમાં સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષને પરિસરની નજીક બપોરે 1થી 3 વાગ્યા સુધી નમાજ અદા કરવાની કામચલાઉ પરવાનગી આપી છે.

Top Stories India

Madhya Pradesh News : ધાર જિલ્લામાં આવેલા ભોજશાળા (Bhojshala Supreme Court Verdict) વિવાદને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ મોટો આદેશ આપ્યો છે. કોર્ટે બંને પક્ષોના હિતોનું સંતુલન જળવાઈ રહે તે હેતુથી મુસ્લિમ પક્ષને ભોજશાળા સંકુલની નજીક બપોરે 1 વાગ્યાથી 3 વાગ્યા દરમિયાન નમાજ અદા કરવાની કામચલાઉ પરવાનગી આપી છે. સાથે જ મધ્યપ્રદેશ હાઇકોર્ટના અગાઉના આદેશને હાલ પૂરતો યથાવત રાખવામાં આવ્યો છે.સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને નમાજ માટે યોગ્ય ખુલ્લી જગ્યા ઉપલબ્ધ કરાવવાનો નિર્દેશ આપ્યો છે. સાથે જ સ્પષ્ટ કર્યું છે કે આ વ્યવસ્થા માત્ર અંતરિમ છે અને અંતિમ ચુકાદો કેસના સંપૂર્ણ નિરાકરણ બાદ આપવામાં આવશે.

ધાર્મિક પ્રવૃત્તિ દરમિયાન શાંતિ જાળવવાનો નિર્દેશ

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે કોઈપણ પક્ષે ધાર્મિક વિધિ દરમિયાન (Bhojshala Supreme Court Verdict) બીજા પક્ષના અધિકારોમાં અવરોધ કે દખલ કરવી નહીં. કોર્ટે તમામ પક્ષોને શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવવા સૂચના આપી હતી. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ને પણ કોર્ટની પૂર્વ મંજૂરી વિના ભોજશાળા સંકુલના માળખામાં કોઈપણ પ્રકારનો ફેરફાર નહીં કરવાની સૂચના આપવામાં આવી છે.

મુખ્ય ન્યાયાધીશે શું કહ્યું?

સુનાવણી દરમિયાન ભારતના મુખ્ય ન્યાયાધીશે (CJI) જણાવ્યું કે આ અત્યંત સંવેદનશીલ મામલો છે અને કોર્ટ એવો કોઈ આદેશ આપવા માંગતી નથી જેનાથી સામાજિક તણાવ વધે. તેમણે બંને પક્ષોને સંયમ રાખવાની અપીલ કરી અને જણાવ્યું કે જો જરૂરી બનશે તો કોર્ટ સતત સુનાવણી કરીને પણ મામલાનો ઉકેલ લાવવા તૈયાર છે. કોર્ટે કેસમાં નોટિસ જારી કરી છે અને આગામી સુનાવણી લગભગ ત્રણ અઠવાડિયા બાદ હાથ ધરવામાં આવશે.

મુસ્લિમ પક્ષની દલીલ

મુસ્લિમ પક્ષ તરફથી વરિષ્ઠ વકીલ હુઝેફા અહમદીએ દલીલ કરી કે વર્ષ 1947થી લાંબા સમય સુધી ભોજશાળા (Bhojshala Supreme Court Verdict) ખાતે યથાસ્થિતિ જળવાઈ રહી હતી. તેમના જણાવ્યા મુજબ 2003ના ASIના આદેશ હેઠળ શુક્રવારે નમાજ અને મંગળવારે હિન્દુ પક્ષને પૂજા કરવાની વ્યવસ્થા અમલમાં હતી, પરંતુ તાજેતરના હાઇકોર્ટના નિર્ણય બાદ મુસ્લિમ પક્ષને નમાજ અદા કરવામાં મુશ્કેલી ઉભી થઈ છે. તેમણે એ પણ દલીલ કરી કે ASIના અહેવાલ પર આધારિત નિર્ણય સામે અનેક કાનૂની પ્રશ્નો ઉભા થાય છે અને આ મુદ્દે સુપ્રીમ કોર્ટનો હસ્તક્ષેપ જરૂરી છે.

અભિષેક મનુ સિંઘવીની રજૂઆત

મુસ્લિમ પક્ષ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી કે 1991ના Places of Worship Actની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને યથાવત સ્થિતિ જાળવવી જરૂરી છે. તેમના જણાવ્યા મુજબ સદીઓથી અહીં નમાજ અદા થતી આવી છે અને વર્ષોથી હિન્દુ તથા મુસ્લિમ બંને સમુદાય વચ્ચે ધાર્મિક પ્રવૃત્તિઓ શાંતિપૂર્ણ રીતે ચાલી રહી હતી.સિંઘવીએ કોર્ટ સમક્ષ દલીલ કરી કે લાંબા સમયથી ચાલતી પરંપરાને જાળવી રાખવાથી સામાજિક સૌહાર્દ જળવાઈ રહેશે અને બંને સમુદાયોના અધિકારોનું રક્ષણ થશે.

મધ્યપ્રદેશ હાઇકોર્ટનો અગાઉનો નિર્ણય

મધ્યપ્રદેશ હાઇકોર્ટની ઈન્દોર બેન્ચે અગાઉ આપેલા ચુકાદામાં જણાવ્યું હતું કે ઉપલબ્ધ ઐતિહાસિક પુરાવા અને ASIના અહેવાલના આધારે ભોજશાળા મૂળ દેવી સરસ્વતીને સમર્પિત મંદિર હોવાનું પ્રાથમિક રીતે જણાય છે. કોર્ટે 2003ના ASIના આદેશને રદ કરીને હિન્દુ પક્ષને ભોજશાળા સંકુલમાં નિયમિત પૂજા કરવાની મંજૂરી આપી હતી.સાથે જ હાઇકોર્ટે નોંધ્યું હતું કે મુસ્લિમ સમુદાય ધાર જિલ્લામાં મસ્જિદના નિર્માણ માટે રાજ્ય સરકાર પાસે વૈકલ્પિક જમીનની માંગ કરી શકે છે.

હવે આગળ શું?

સુપ્રીમ કોર્ટે હાલમાં માત્ર અંતરિમ વ્યવસ્થા અમલમાં રાખી છે. કેસની અંતિમ સુનાવણી બાદ જ ભોજશાળા વિવાદ અંગે અંતિમ કાનૂની સ્થિતિ સ્પષ્ટ થશે. ત્યાં સુધી બંને પક્ષોને કોર્ટના નિર્દેશોનું પાલન કરવા અને શાંતિ જાળવવા કહેવામાં આવ્યું છે.


આ પણ વાંચો: RTIમાં ચોંકાવનારો ખુલાસો: અમદાવાદ સહિત દેશભરમાં ટ્રેનમાંથી કરોડોના બેડરોલની ચોરી, રેલવેને ₹104 કરોડથી વધુનું નુકસાન

આ પણ વાંચો: વડોદરાના સરકારી આવાસોની દયનીય હાલત: તિરાડો, ગંદકી અને જોખમ વચ્ચે જીવતા 200 પરિવારો

આ પણ વાંચો: રથયાત્રા પહેલાં ગુજરાત ATS એલર્ટ, સિદ્ધપુરમાંથી 5 શંકાસ્પદ શખ્સો ઝડપાયા