Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાની સફાઈ કામગીરીને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. રાજકોટ કામદાર યુનિયન દ્વારા કરવામાં આવેલી RTI બાદ સફાઈ કામદારો (Safai Kamdar)ના કામના વિસ્તારને લઈને ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. યુનિયનનો દાવો છે કે શહેરમાં કેટલાક સફાઈ કામદારો પાસેથી નિયમ કરતાં અનેક ગણું વધુ કામ લેવામાં આવી રહ્યું છે.
માહિતી અધિકાર હેઠળ મળેલા જવાબમાં મનપાએ જણાવ્યું હતું કે, સરકારના નિયમ મુજબ એક સફાઈ કામદારને 250 થી 750 મીટર સુધીના વિસ્તારની સફાઈ કરવાની હોય છે. આ નિયમ કાયમી, કોન્ટ્રાક્ટ તેમજ મિત્ર મંડળ હેઠળના તમામ સફાઈ કામદારો (Safai Kamdar) માટે લાગુ પડે છે.
જોકે, રાજકોટ કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડીયાના જણાવ્યા મુજબ, RTI બાદ જમીની હકીકત જાણવા માટે વોર્ડ નંબર 11ના નાનામવા વિસ્તાર તેમજ વોર્ડ નંબર 9ના કેટલાક વિસ્તારોમાં રોડોમીટરથી પ્રત્યક્ષ માપણી કરવામાં આવી હતી. જેમાં કેટલાક સ્થળોએ એક જ કામદાર પાસે 1000 મીટરથી લઈને 2000 મીટર સુધીના વિસ્તારની સફાઈ કરાવવામાં આવતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

Safai Kamdarના શોષણનો આક્ષેપ
યુનિયનનો આક્ષેપ છે કે નિયમ કરતાં વધુ વિસ્તારની સફાઈ કરાવીને કામદારોનું શોષણ કરવામાં આવી રહ્યું છે. સાથે જ એક વ્યક્તિ પાસે બે કે ત્રણ વ્યક્તિ જેટલું કામ કરાવીને કોન્ટ્રાક્ટર અને જવાબદાર તંત્ર દ્વારા ગેરરીતિ આચરવામાં આવતી હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે.
કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડીયાએ જણાવ્યું કે, સફાઈ કામદારો (Safai Kamdar) પહેલેથી જ ભારે શારીરિક મહેનત કરે છે, તેમ છતાં તેમની પાસે નિયમ બહારનું કામ લેવામાં આવી રહ્યું છે. તેમણે માંગ કરી છે કે રાજકોટ શહેરમાં તમામ કાયમી, કોન્ટ્રાક્ટ અને મિત્ર મંડળના સફાઈ કામદારો (Safai Kamdar)ના વિસ્તારોની ફરીથી સત્તાવાર માપણી કરવામાં આવે અને નિયમ મુજબ વિસ્તાર ફાળવવામાં આવે.
યુનિયને આ સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસ કરવાની અને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. જો આગામી દિવસોમાં મનપા દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આંદોલન અને કાયદાકીય લડત કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.
મનપાનો બચાવ: માપણીની રીતમાં ભૂલ હોવાનો દાવો
બીજી તરફ રાજકોટ મનપાની સોલિડ વેસ્ટ શાખાના અધિકારી પ્રજેશભાઈ સોલંકીએ આક્ષેપોને નકારી કાઢ્યા છે. તેમણે જણાવ્યું કે, દરેક સફાઈ કામદાર (Safai Kamdar)ને સરેરાશ 550 મીટર આસપાસનો વિસ્તાર આપવામાં આવ્યો છે.
તેમના જણાવ્યા પ્રમાણે, યુનિયન દ્વારા કરવામાં આવેલી માપણીની પદ્ધતિમાં ભૂલ છે. સફાઈ વિસ્તારની માપણી એક તરફથી કરવાની હોય છે, જ્યારે યુનિયન દ્વારા બંને તરફથી માપણી કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.
મનપા અધિકારીએ વધુમાં કહ્યું કે, શહેરમાં સફાઈ કામગીરી નિયમો અનુસાર જ ચાલી રહી છે અને કોઈપણ કામદાર પાસેથી ગેરકાયદેસર રીતે વધારાનું કામ લેવામાં આવતું નથી. જોકે, સમગ્ર મામલે ફરી તપાસ કરવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
હાલ રાજકોટમાં સફાઈ કામગીરીને લઈને યુનિયનના આક્ષેપો અને મનપાના જવાબ વચ્ચે વિવાદ વધુ ગરમાયો છે. આગામી દિવસોમાં આ મામલે મનપા શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર રહેશે.
આ પણ વાંચો:મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર, ધાનેરામાં સફાઈ કામગીરી હાથ ધરાઈ
આ પણ વાંચો:સુરતમાં દુર્ઘટના: ETP પ્લાન્ટની ટેંકમાં સફાઈ માટે ઉતરેલા 4 કામદારોના મોત
