Breaking News: નર્મદા જિલ્લાના રાજપીપલામાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ સેવા કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેલ (Bomb Threat Email) મળતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. ધમકીની માહિતી મળતા જ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી. સાવચેતીના ભાગરૂપે બંને સરકારી કચેરીઓ ખાલી કરાવવામાં આવી હતી અને સમગ્ર વિસ્તારને સુરક્ષા કવચ હેઠળ લઈ લેવામાં આવ્યો હતો.
ડોગ સ્ક્વોડ અને BDDS દ્વારા સઘન તપાસ
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ, PI, SOG, ડોગ સ્ક્વોડ તેમજ બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS)ની ટીમોએ સ્થળ પર પહોંચી સઘન તપાસ હાથ ધરી હતી. ઓફિસના દરેક રૂમ, પાર્સલ વિભાગ, પાર્કિંગ વિસ્તાર અને આસપાસના સ્થળોની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી હતી.
શંકાસ્પદ વસ્તુ ન મળતા રાહત
કલાકો સુધી ચાલેલી તપાસ બાદ કોઈપણ પ્રકારનો બોમ્બ કે અન્ય શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી. જેના કારણે અધિકારીઓ અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારબાદ સુરક્ષાની ખાતરી થયા બાદ ઓફિસની કામગીરી ફરી શરૂ કરવામાં આવી હતી.
સાયબર ટીમે શરૂ કરી તપાસ
ધમકીભર્યો ઈ-મેલ કોણે અને ક્યાંથી મોકલ્યો તેની તપાસ હવે સાયબર ક્રાઈમ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. ઈ-મેલનું ટેક્નિકલ એનાલિસિસ, IP એડ્રેસ અને અન્ય ડિજિટલ પુરાવાઓના આધારે આરોપી સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું છે કે સમગ્ર મામલે ગંભીરતાથી તપાસ ચાલી રહી છે અને જવાબદાર સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ભરૂચમાં પણ પોસ્ટ ઓફિસને મળી હતી ધમકી
આ પહેલાં ભરૂચની પોસ્ટ ઓફિસને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ હતી. તે સમયે પણ પોસ્ટ ઓફિસ ખાલી કરાવીને ડોગ સ્ક્વોડ અને BDDS દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે, ત્યાં પણ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી. હાલ આ ધમકી મોકલનારની પણ સાયબર તપાસ ચાલી રહી છે.
સુરતમાં પણ બે દિવસમાં બીજી બોમ્બ ધમકી
ઉલ્લેખનીય છે કે આજે સવારે સુરતના ઉમરા વિસ્તારમાં આવેલી પાસપોર્ટ ઓફિસને (Passport Office Bomb Threat) પણ ઈ-મેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. માહિતી મળતા પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને સાયબર ક્રાઈમ ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. સુરતમાં માત્ર બે દિવસમાં બીજી વખત બોમ્બની ધમકી મળતાં સમગ્ર રાજ્યમાં સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની ગઈ છે.
આ પણ વાંચો: સુરતના ઉમરામાં પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવવાની ઈ-મેલથી ધમકી, બોમ્બ સ્ક્વોડની તપાસ શરૂ
આ પણ વાંચો: સુરત પૂર પીડિતો માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત, ઘરવખરીથી વેપારીઓ સુધી મળશે સહાય: નાયબ મુખ્યમંત્રી
આ પણ વાંચો: દારૂની લત બની મોતનું કારણ! બે સગા દીકરાએ પિતાની હત્યા કરી, ધરમપુરની ઘટનાથી ચકચાર
