World News/ અમેરિકાના હુમલાનો ઈરાનનો વળતો પ્રહાર, બહેરીન-કુવૈત-જોર્ડનમાં અમેરિકી ઠેકાણાઓ પર હુમલાનો દાવો

અમેરિકાના ઈરાન પર થયેલા હુમલા બાદ ઈરાને બહેરીન, કુવૈત અને જોર્ડનમાં આવેલા અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર મિસાઇલ અને ડ્રોન હુમલાનો દાવો કર્યો છે. સમગ્ર મધ્ય પૂર્વમાં તણાવ બન્યો વધુ ઘેરો

World Breaking News
Iran

World News: મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચેનો સૈન્ય સંઘર્ષ વધુ ગંભીર બન્યો છે. અમેરિકાએ ઈરાનના અનેક સૈન્ય ઠેકાણાઓ પર મોટા પાયે હુમલા કર્યા બાદ ઈરાને પણ બહેરીન, કુવૈત અને જોર્ડનમાં આવેલા અમેરિકી સૈન્ય મથકોને નિશાન બનાવ્યાનો દાવો કર્યો છે. આ હુમલાઓ બાદ સમગ્ર વિસ્તારમાં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે અને અનેક દેશોએ પોતાની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરી છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો સૈન્ય સંઘર્ષ હવે વધુ ઘાતક તબક્કામાં પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના છ રાજ્યોમાં આવેલા અનેક સૈન્ય ઠેકાણાઓ પર ડ્રોન અને મિસાઇલ હુમલા કર્યા બાદ ઈરાને પણ વળતો પ્રહાર કર્યો હોવાનો દાવો કર્યો છે. ઈરાને સોમવારે બહેરીન, કુવૈત અને જોર્ડનમાં આવેલા અમેરિકાના સૈન્ય મથકોને નિશાન બનાવ્યા હોવાનું જણાવ્યું છે.

અમેરિકાના હુમલા બાદ ઈરાન (Iran)નો વળતો પ્રહાર

ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ જણાવ્યું કે બહેરીન (Bahrain), કુવૈત (Kuwait)અને જોર્ડનમાં આવેલા અમેરિકી (US)સૈન્ય ઠેકાણાઓ પર મિસાઇલ અને ડ્રોન હુમલા કરવામાં આવ્યા છે. દાવા મુજબ જોર્ડનના પ્રિન્સ હસન એરબેઝ પર આવેલા ફ્યુઅલ ટેન્ક અને મિસાઇલ ડિપોને નિશાન બનાવવામાં આવ્યા હતા. જ્યારે બહેરીનમાં અમેરિકાના ડ્રોન કમાન્ડ સેન્ટર પર પણ હુમલો કરાયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

ઈરાને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ને ચેતવણી આપતાં કહ્યું છે કે જો અમેરિકા હુમલા બંધ નહીં કરે તો સમગ્ર વિસ્તારમાં આવેલા અમેરિકી સૈન્ય મથકોને નિશાન બનાવવામાં આવશે.

ઈરાની હુમલા સામે જોર્ડન અને કુવૈતની એર ડિફેન્સ સિસ્ટમ એક્શનમાં

બીજી તરફ જોર્ડને દાવો કર્યો છે કે ઈરાન તરફથી છોડવામાં આવેલી ચાર મિસાઇલોને તેની એર ડિફેન્સ સિસ્ટમે હવામાં જ તોડી પાડી હતી. કુવૈતના સૈન્યએ પણ જણાવ્યું કે તેની એર ડિફેન્સ સિસ્ટમે અનેક મિસાઇલોને નિષ્ફળ બનાવી છે અને દેશની સુરક્ષા વ્યવસ્થા સંપૂર્ણ સજ્જ છે.

અહેવાલો અનુસાર અમેરિકી સેનાએ છેલ્લા ત્રણ દિવસમાં ઈરાનના 300થી વધુ સૈન્ય લક્ષ્યો પર હુમલા કર્યા છે. ફોક્સ ન્યૂઝના અહેવાલ મુજબ માત્ર એક જ રાત્રિ દરમિયાન આશરે 140 સૈન્ય લક્ષ્યોને નિશાન બનાવવામાં આવ્યા હતા.

તેના જવાબમાં ઈરાને અમેરિકી હિતો અને તેના સાથી દેશોમાં આવેલા સૈન્ય મથકો પર હુમલા તેજ કર્યા હોવાનું કહેવાય છે. કુવૈતે જણાવ્યું છે કે ઉત્તર સરહદ પર આવેલી ત્રણ બોર્ડર પોસ્ટને નુકસાન પહોંચ્યું છે. ઉપરાંત કુવૈત ઓઈલ કંપનીના ઓફશોર ડ્રિલિંગ પ્લેટફોર્મ પર ડ્રોન હુમલો થતાં એક કર્મચારી ઘાયલ થયો હોવાનું પણ સામે આવ્યું છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા આ સંઘર્ષને કારણે સમગ્ર મધ્ય પૂર્વમાં સુરક્ષા ચિંતાઓ વધી છે. જો બંને દેશો વચ્ચે તણાવ વધુ વધશે તો તેની અસર વૈશ્વિક સુરક્ષા, તેલના બજાર અને આંતરરાષ્ટ્રીય રાજકીય પરિસ્થિતિ પર પણ પડી શકે છે.


આ પણ વાંચો: ઈરાની મિસાઇલ હુમલાથી UAEના ટેન્કરોને નુકસાન, ભારતીય ક્રૂ મેમ્બરનું મોત

આ પણ વાંચો:ઈરાને ઇઝરાયલ પર 11 મિસાઇલ દાગી; અનેક શહેરોમાં સાયરન વાગ્યા

આ પણ વાંચો:અમેરિકાનો ઈરાનના કેશમ દ્વીપ પર હુમલો, તેહરાને કુવૈત-બહેરીન પર દાગી મિસાઇલ