India News: દિલ્હીના જંતર-મંતર ખાતે આમરણ અનશન પર બેઠેલા પર્યાવરણ કાર્યકર સોનમ વાંગચુકની તબિયતને લઈને ચિંતા વચ્ચે હવે મામલો દિલ્હી હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. વાંગચુકને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરી જરૂરી સારવાર અને જરૂર પડે તો ફોર્સ-ફીડિંગ કરવાની માંગ સાથે દાખલ કરાયેલી જાહેર હિતની અરજી (PIL) પર હાઈકોર્ટે કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકારને નોટિસ ફટકારી છે.
18 દિવસથી આમરણ ઉપવાસ પર બેઠા છે સોનમ (Sonam Wangchuk)
પર્યાવરણ કાર્યકર અને શિક્ષણ ક્ષેત્રે વિવિધ મુદ્દાઓ પર અવાજ ઉઠાવતા સોનમ વાંગચુક છેલ્લા 18 દિવસથી દિલ્હીના જંતર-મંતર (Jantar Mantar)ખાતે આમરણ ઉપવાસ (Hunger Strike)પર બેઠા છે. તેઓ કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગને સમર્થન આપતા આંદોલનમાં જોડાયા છે. તેમનો દાવો છે કે પરીક્ષા પેપર લીક જેવી ઘટનાઓથી લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં થયા છે અને શિક્ષણ વ્યવસ્થામાં પારદર્શિતા લાવવા માટે જવાબદારી નક્કી થવી જોઈએ.
હાઈકોર્ટમાં PIL, કેન્દ્ર અને દિલ્હી સરકારને નોટિસ
સોનમ વાંગચુકની સતત બગડતી તબિયતને ધ્યાનમાં રાખીને સામાજિક કાર્યકર અને વકીલ રાકેશ કુમાર સૈનીએ દિલ્હી હાઈકોર્ટ (Delhi High Court)માં જાહેર હિતની અરજી (PIL) દાખલ કરી છે. મુખ્ય ન્યાયાધીશ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને ન્યાયમૂર્તિ તેજસ કારિયાની ખંડપીઠે અરજી પર પ્રાથમિક સુનાવણી કર્યા બાદ કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકારને નોટિસ પાઠવી છે. કોર્ટે બંને સરકારોને ટૂંકા ગાળામાં જવાબ રજૂ કરવા જણાવ્યું છે.
અરજીમાં શું માંગ કરવામાં આવી છે?
PILમાં માંગ કરવામાં આવી છે કે સોનમ વાંગચુકની તબિયત ગંભીર બનતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે. અરજદારે એવી પણ માંગ કરી છે કે જો ડૉક્ટરોને જરૂરી લાગે તો વાંગચુકનો જીવ બચાવવા માટે તેમને ફોર્સ-ફીડિંગ (જબરદસ્તી ખોરાક આપવાની પ્રક્રિયા) કરવાની મંજૂરી આપવામાં આવે. અરજદારનું કહેવું છે કે જીવન બચાવવું રાજ્યની જવાબદારી છે અને લાંબા સમય સુધી ચાલતા આમરણ ઉપવાસને કારણે ગંભીર આરોગ્ય જોખમ ઊભું થઈ શકે છે.
વાંગચુકની તબિયતને લઈને વધી રહી છે ચિંતા
મીડિયા અહેવાલો અનુસાર લાંબા સમયથી અનશન પર હોવાને કારણે સોનમ વાંગચુકનું વજન અંદાજે 8.5 કિલોગ્રામ ઘટી ગયું છે. તેમને શરીરમાં નબળાઈ, સ્નાયુઓમાં દુખાવો અને અન્ય શારીરિક તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. તેમનું બ્લડ પ્રેશર પણ સામાન્ય કરતાં નીચું નોંધાયું હોવાનું જણાવાઈ રહ્યું છે. અનેક સમર્થકો અને સામાજિક સંગઠનોએ તેમને અનશન સમાપ્ત કરવાની અપીલ કરી છે, પરંતુ વાંગચુક પોતાના નિર્ણય પર અડગ હોવાનું કહેવાય છે.
20 જુલાઈએ સંસદ સુધી શાંતિપૂર્ણ માર્ચની જાહેરાત
આંદોલનને સમર્થન આપતી સંસ્થાએ જાહેરાત કરી છે કે સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે 20 જુલાઈએ જંતર-મંતરથી સંસદ ભવન સુધી શાંતિપૂર્ણ માર્ચ યોજવામાં આવશે. આંદોલનકારીઓએ દેશભરના વિદ્યાર્થીઓ, વાલીઓ અને નાગરિકોને આ માર્ચમાં જોડાવા અપીલ કરી છે. તેમનો મુખ્ય મુદ્દો કેન્દ્રીય શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ અને પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા લાવવાનો છે.
પ્રદર્શનકારીઓની દેખરેખ મુદ્દે પણ હાઈકોર્ટમાં અરજી
આ સમગ્ર મુદ્દા સાથે જોડાયેલી બીજી અરજી પણ દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘ (JNUSU)ની પૂર્વ અધ્યક્ષ આઈશી ઘોષે જંતર-મંતર પર પ્રદર્શનકારીઓની સતત ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી અને સર્વેલન્સ ટાવર દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી હોવાનો આરોપ લગાવ્યો છે.
અરજીમાં આવી દેખરેખને અસંવિધાનિક જાહેર કરવાની અને ભવિષ્યમાં જાહેર પ્રદર્શનો દરમિયાન સર્વેલન્સ અંગે સ્પષ્ટ માર્ગદર્શિકા ઘડવા માટે હાઈકોર્ટને વિનંતી કરવામાં આવી છે.
આ પણ વાંચો: મહુઆ મોઈત્રાની સોનમ વાંગચુકને અપીલ: ‘તમારું જીવન અમારે માટે મહત્વનું છે, અનશન સમાપ્ત કરો’
આ પણ વાંચો:નવીનતાથી વિવાદ સુધીની સોનમ વાંગચુકની સફર
આ પણ વાંચો:સોનમ વાંગચુકની પત્નીની અરજી પર SCની સુનાવણી, પત્નીએ અટકાયતને ગેરકાયદેસર ગણાવી
