Madhyapradesh News/ E20 પેટ્રોલથી કારનું એન્જિન ખરાબ? ગ્રાહક અદાલતે મારુતિ સુઝુકીને નવી કાર અથવા ₹20 લાખ પરત કરવાનો આદેશ આપ્યો

ગ્રાહક આયોગે નોંધ્યું કે વાહન E20 ઇંધણ (E20 Petrol)માટે સંપૂર્ણપણે સુસંગત ન હોવા છતાં ગ્રાહકને વેચવામાં આવ્યું હતું. આને સેવા અને માહિતીમાં ખામી ગણાવીને કંપની અને ડીલરને જવાબદાર ઠેરવ્યા હતા

Top Stories India
દેશભરમાં પર્યાવરણને અનુકૂળ ઇંધણ તરીકે E20 પેટ્રોલ (E20 Petrol)ને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જોકે, આ દરમિયાન છત્તીસગઢના રાયપુરમાંથી સામે આવેલા એક કેસે E20 ઇંધણ અને વાહનોની સુસંગતતા અંગે મહત્વના પ્રશ્નો ઉભા કર્યા છે

Madhyapradesh News : દેશભરમાં પર્યાવરણને અનુકૂળ ઇંધણ તરીકે E20 પેટ્રોલ (E20 Petrol)ને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જોકે, આ દરમિયાન છત્તીસગઢના રાયપુરમાંથી સામે આવેલા એક કેસે E20 ઇંધણ અને વાહનોની સુસંગતતા અંગે મહત્વના પ્રશ્નો ઉભા કર્યા છે. રાયપુર ગ્રાહક વિવાદ નિવારણ આયોગે (Consumer Court)મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ અને તેના અધિકૃત ડીલર સામે એવો ચુકાદો આપ્યો છે, જે દેશના ઓટોમોબાઇલ ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ મિસાલ બની શકે છે.

અદાલતે આદેશ આપ્યો છે કે કંપનીએ ફરિયાદીને 45 દિવસની અંદર E20 ઇંધણ (E20 Petrol)માટે સંપૂર્ણપણે સુસંગત તે જ મોડલની નવી કાર આપવી પડશે. જો કંપની આવું કરવામાં નિષ્ફળ જાય તો કારની સંપૂર્ણ કિંમત, અંદાજે ₹20.5 લાખ, સાથે RTO, વીમા અને અન્ય ખર્ચ પરત કરવાનો રહેશે. ઉપરાંત માનસિક હેરાનગતિ બદલ ₹1 લાખ અને કેસ ખર્ચ તરીકે ₹10 હજાર ચૂકવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે.

શું છે સમગ્ર મામલો?

રાયપુરના ડૉ. પ્રેમરાજ દેબાટાએ જૂન 2024માં મારુતિ સુઝુકી (maruti Suzuki)ની નેક્સા ડીલરશીપમાંથી ગ્રાન્ડ વિટારા (Grand Vitara)સ્ટ્રોંગ હાઇબ્રિડ ઝેટા પ્લસ ખરીદી હતી. ખરીદી સમયે ડીલર દ્વારા જણાવાયું હતું કે કારનું ઉત્પાદન ડિસેમ્બર 2023માં થયું હતું. પરંતુ બાદમાં દસ્તાવેજોની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે વાહનનું ઉત્પાદન જાન્યુઆરી 2023માં થયું હતું.

ડૉ. દેબાટા દરરોજ લાંબું અંતર કાપતા હોવાથી તેમણે હાઇબ્રિડ કાર પસંદ કરી હતી. શરૂઆતના થોડા મહિનાઓ સુધી કાર સામાન્ય રીતે ચાલી, પરંતુ નવેમ્બર 2024માં અચાનક ડેશબોર્ડ પર એન્જિન વોર્નિંગ આવી અને કાર રસ્તા વચ્ચે બંધ પડી ગઈ.

સર્વિસ દરમિયાન શું સામે આવ્યું?

ડીલરશીપે તપાસ દરમિયાન ફ્યુઅલ ટાંકી ખાલી કરી હતી. ડ્રેઇન કરાયેલા પેટ્રોલમાં તળિયે સફેદ રંગનો પડ જોવા મળ્યો હતો. કંપનીએ શરૂઆતમાં ભેળસેળયુક્ત પેટ્રોલને જવાબદાર ગણાવ્યું, પરંતુ ગ્રાહકે પેટ્રોલ પંપ પર ફરિયાદ કરતાં પંપ તરફથી ઇંધણ યોગ્ય હોવાનું જણાવાયું.

ત્યારબાદ પણ કારમાં વારંવાર એન્જિન સંબંધિત ખામી આવતી રહી. બીજી વખત ટાંકી અને ફ્યુઅલ સિસ્ટમ સાફ કરતાં ફરી દહીં જેવા સફેદ પડ અને પ્રવાહી જોવા મળ્યા હતા. થોડા દિવસો બાદ ફરી એન્જિન વોર્નિંગ સાથે EV મોડ પણ બંધ થઈ ગયો અને આખરે કાર ચલાવવી અશક્ય બની ગઈ.

કંપનીએ શું કહ્યું?

કંપનીએ ગ્રાહકને ઇમેઇલ કરીને જણાવ્યું કે કારનું એન્જિન સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયું છે અને તેને બદલવા માટે અંદાજે ₹5.30 લાખનો ખર્ચ આવશે. કંપનીએ દાવો કર્યો કે આ નુકસાન વોરંટી હેઠળ આવતું નથી.

પછી કંપનીએ સમારકામ કરીને કાર પરત આપી, પરંતુ ડીલરશીપ પરથી ઇંધણ ભરાવ્યા બાદ પણ થોડા કિલોમીટરમાં જ કાર ફરી બંધ પડી ગઈ. ત્યારબાદ ગ્રાહકે નવી કાર અથવા સંપૂર્ણ રિફંડની માંગ કરી, પરંતુ કંપનીએ ઇનકાર કરતાં મામલો ગ્રાહક અદાલતમાં પહોંચ્યો.

લેબ રિપોર્ટથી શું ખુલ્યું?

સરકારી માન્યતા ધરાવતી SGS લેબમાં પેટ્રોલના નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. રિપોર્ટમાં E20 ગ્રેડના ઇંધણમાં ઇથેનોલ અલગ થઈ જતાં પેટ્રોલના તળિયે સફેદ પડ જમા થયો હોવાનું સામે આવ્યું.

રિપોર્ટ મુજબ ઇથેનોલ અલગ પડી જવાને કારણે તેની અસરકારક માત્રા આશરે 6થી7 ટકા જેટલી રહી હતી. આથી ફ્યુઅલ સિસ્ટમ પર અસર પડી હોવાનું માનવામાં આવ્યું.

ગ્રાહક અદાલતે શું કહ્યું?

ગ્રાહક આયોગે નોંધ્યું કે વાહન E20 ઇંધણ (E20 Petrol)માટે સંપૂર્ણપણે સુસંગત ન હોવા છતાં ગ્રાહકને વેચવામાં આવ્યું હતું. આને સેવા અને માહિતીમાં ખામી ગણાવીને કંપની અને ડીલરને જવાબદાર ઠેરવ્યા હતા.

કોર્ટે સ્પષ્ટ કર્યું કે ગ્રાહકને નવી E20 સુસંગત કાર આપવી અથવા વાહનની સંપૂર્ણ કિંમત સાથે તમામ ખર્ચ પરત કરવા પડશે.

ઓટો નિષ્ણાતનો અભિપ્રાય

ઓટોમોબાઇલ નિષ્ણાત કે. મહેશ કુમારના જણાવ્યા મુજબ જો ઇથેનોલમાં ભેજનું પ્રમાણ વધી જાય તો તે પેટ્રોલ સાથે યોગ્ય રીતે ભળી શકતું નથી. આવી સ્થિતિમાં ઇથેનોલ અલગ પડી જાય છે, જેના કારણે ફ્યુઅલ પંપ, ફ્યુઅલ લાઇન અને એન્જિનના અન્ય મહત્વપૂર્ણ ભાગોને નુકસાન પહોંચી શકે છે.

મારુતિ સુઝુકીનું સ્પષ્ટીકરણ

મારુતિ સુઝુકીના કોર્પોરેટ અફેર્સ વિભાગના સિનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર રાહુલ ભારતીએ જણાવ્યું હતું કે E20 ઇંધણ અંગે કેટલીક શંકાઓ ઉભી થઈ રહી છે. તેમના જણાવ્યા મુજબ 2023 પહેલાં ઉત્પાદિત વાહનો માટે પણ કંપનીએ પૂરતા સલામતી ધોરણો અપનાવ્યા છે અને સામાન્ય સંજોગોમાં E20 ઇંધણથી વાહનના જીવનકાળ અથવા એન્જિનને નુકસાન થવું જોઈએ નહીં.

આ ચુકાદો કેમ મહત્વનો છે?

આ કેસને દેશનો પ્રથમ એવો મહત્વપૂર્ણ ગ્રાહક વિવાદ માનવામાં આવી રહ્યો છે, જેમાં E20 પેટ્રોલ ((E20 Petrol))ને કારણે કારને થયેલા નુકસાન અંગે ગ્રાહકને મોટી રાહત આપવામાં આવી છે. ભવિષ્યમાં E20 સુસંગતતા, વાહન ઉત્પાદકોની જવાબદારી અને ગ્રાહકોના અધિકારો અંગે આવા કેસોમાં આ ચુકાદો મહત્વપૂર્ણ સંદર્ભ બની શકે છે.


આ પણ વાંચો : E20 પેટ્રોલથી ગાડી ખરાબ થાય તો કંપની બદલશે પાર્ટ્સ, ગડકરીનો દાવો

આ પણ વાંચો : E20થી માઇલેજમાં ઘટાડાની શક્યતા, રબરના ભાગો પર પડી શકે અસર

આ પણ વાંચો : પેટ્રોલમાં 20% એથેનોલથી વાહનોના એન્જિન થઈ રહ્યા છે બરબાદ! ફ્યુઅલ ટેન્કમાં જામી કાળી ફૂગ