New Delhi News/ NEET UG 2026 Result: 11.21 લાખ ઉમેદવારો ક્વોલિફાય

NEET UG 2026ના પરિણામમાં ફરી એકવાર વિદ્યાર્થિનીઓએ આગળ રહીને સફળતા મેળવી છે

Top Stories India
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ NEET UG 2026નું પરિણામ જાહેર કર્યું છે. પરિણામ જાહેર થતાં દેશભરના લાખો વિદ્યાર્થીઓની રાહનો અંત આવ્યો છે

New Delhi News : નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ NEET UG 2026નું પરિણામ જાહેર કર્યું છે. પરિણામ જાહેર થતાં દેશભરના લાખો વિદ્યાર્થીઓની રાહનો અંત આવ્યો છે. હવે MBBS, BDS તેમજ AYUSH સહિતના મેડિકલ કોર્સમાં પ્રવેશ માટે કાઉન્સિલિંગ (Counselling)પ્રક્રિયા શરૂ થવાની તૈયારી છે. ઉમેદવારો પોતાનું સ્કોરકાર્ડ સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પરથી ડાઉનલોડ કરી શકે છે.

વિવાદો બાદ ફરી લેવાઈ હતી પરીક્ષા

આ વર્ષે NEET UG પરીક્ષા પેપર લીકના વિવાદને કારણે ચર્ચામાં રહી હતી. ત્યારબાદ NTAએ ફરી પરીક્ષા યોજવાનો નિર્ણય લીધો હતો. રી-નીટ પરીક્ષામાં ભારત અને વિદેશ મળીને અંદાજે 20 લાખ ઉમેદવારોએ ભાગ લીધો હતો. પરીક્ષા ભારતના 551 શહેરો અને વિદેશના 14 શહેરોમાં આવેલા 5,440 પરીક્ષા કેન્દ્રો પર યોજાઈ હતી.

11.21 લાખ ઉમેદવારો થયા ક્વોલિફાય

NTA દ્વારા જાહેર કરાયેલા પરિણામ મુજબ આ વર્ષે કુલ 11.21 લાખ ઉમેદવારો મેડિકલ અભ્યાસ માટે ક્વોલિફાય થયા છે. હવે આ ઉમેદવારો MBBS, BDS, BAMS, BHMS અને અન્ય મેડિકલ કોર્સમાં પ્રવેશ માટે કાઉન્સિલિંગ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ ઉમેદવારોએ અત્યારથી જ તમામ જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા જોઈએ.

દીકરીઓનું ફરી શાનદાર પ્રદર્શન

NEET UG 2026ના પરિણામમાં ફરી એકવાર વિદ્યાર્થિનીઓએ આગળ રહીને સફળતા મેળવી છે. કુલ સફળ ઉમેદવારોમાં 58 ટકાથી વધુ હિસ્સો વિદ્યાર્થિનીઓનો છે. વિદ્યાર્થિનીઓનો સફળતા દર 56.8 ટકા નોંધાયો છે, જ્યારે વિદ્યાર્થીઓનો સફળતા દર 55.1 ટકા રહ્યો છે. સતત બીજા વર્ષે છોકરીઓનું પ્રદર્શન છોકરાઓ કરતાં વધુ સારું રહ્યું છે.

પંજાબ અને હરિયાણાના વિદ્યાર્થીઓ ટોપ પર

આ વર્ષની પરીક્ષામાં પંજાબ અને હરિયાણાના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ટોચના રેન્ક મેળવ્યા છે. પરિણામ જાહેર થયા બાદ દેશભરના ઉમેદવારો હવે ઓલ ઈન્ડિયા રેન્ક અને કેટેગરી રેન્કના આધારે કોલેજ પસંદગી માટે તૈયારી કરી રહ્યા છે.

હવે કાઉન્સિલિંગ પર સૌની નજર

પરિણામ બાદ હવે ઉમેદવારો MCC અને વિવિધ રાજ્ય કાઉન્સિલિંગ સત્તાધિકારીઓ દ્વારા જાહેર થનારા સમયપત્રકની રાહ જોઈ રહ્યા છે. ઓનલાઈન ચોઇસ ફિલિંગ, સીટ એલોટમેન્ટ, દસ્તાવેજ ચકાસણી અને કોલેજ રિપોર્ટિંગ સહિતની તમામ પ્રક્રિયા તબક્કાવાર પૂર્ણ કરવામાં આવશે. ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ પર નિયમિત નજર રાખવાની સલાહ આપવામાં આવી છે.


આ પણ વાંચો : NEET-UG 2026 રી-એગ્ઝામ આજે, 22.79 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા; સુરક્ષામાં પ્રથમવાર એરફોર્સની મદદ

આ પણ વાંચો : NEET-UG 2026 પરીક્ષા રદ્દ: પેપરલીક બાદ NTA નો મોટો નિર્ણય, તપાસ CBI ને સોંપાઈ

આ પણ વાંચો : NEET રી-એગ્ઝામમાં ડમી ઉમેદવારો બેસાડવાનો ખુલાસો, 24ની ધરપકડ; 5 મેડિકલ વિદ્યાર્થીઓ પણ સામેલ