india news/ NEET રી-એગ્ઝામમાં ડમી ઉમેદવારો બેસાડવાનો ખુલાસો, 24ની ધરપકડ; 5 મેડિકલ વિદ્યાર્થીઓ પણ સામેલ

NEET રી-એગ્ઝામ કૌભાંડમાં બિહારના લખીસરાયમાં સોલ્વર ગેંગનો ભંડાફોડ, 5 મેડિકલ વિદ્યાર્થીઓ અને 14 બાયોમેટ્રિક કર્મચારીઓ સહિત કુલ 24 લોકોની ધરપકડ.

India Top Stories
neet

NEET Re-Exam Scam: બિહારના લખીસરાયમાં યોજાયેલી NEET રી-એગ્ઝામ દરમિયાન સોલ્વર ગેંગના મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. પોલીસ દ્વારા અત્યાર સુધીમાં કુલ 24 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં 5 મેડિકલ વિદ્યાર્થીઓ અને પરીક્ષા પ્રક્રિયા સંભાળતી બાયોમેટ્રિક કંપનીના 14 કર્મચારીઓનો સમાવેશ થાય છે.

પોલીસ તપાસ મુજબ, આ ગેંગ અસલી ઉમેદવારોના સ્થાને પ્રોક્સી ઉમેદવારોને બેસાડી પરીક્ષા અપાવવાની ગેરકાયદે યોજના ચલાવી રહ્યો હતો. આ સમગ્ર રેકેટનો મુખ્ય સૂત્રધાર ગયા સ્થિત ANMMCH મેડિકલ કોલેજનો વિદ્યાર્થી અર્પિત રાજ હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે અર્પિત રાજનું નામ અગાઉ 2024ના NEET પેપર લીક કેસમાં પણ સામે આવ્યું હતું અને તેની CBI દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી.

મામલાનો ખુલાસો ત્યારે થયો જ્યારે PMCHનો ત્રીજા વર્ષનો MBBS વિદ્યાર્થી મયંક કશ્યપ બાયોમેટ્રિક કંપનીના કર્મચારી તરીકે ખોટી ઓળખ બનાવી હસનપુર હાઇસ્કૂલ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ્યો હતો. શંકાસ્પદ હલચલના આધારે પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન મયંકે ગેંગ સાથે જોડાયેલા અન્ય સભ્યો અને સ્થળોની મહત્વની માહિતી આપી હતી.

મયંકની માહિતીના આધારે KRK હાયર સેકન્ડરી સ્કૂલ અને કેન્દ્રીય વિદ્યાલય લખીસરાયમાં દરોડા પાડવામાં આવ્યા હતા. અહીંથી 7 પરીક્ષાર્થીઓ સહિત અનેક શંકાસ્પદ લોકોને ઝડપી લેવામાં આવ્યા હતા.

તપાસમાં વધુ ચોંકાવનારી વિગતો સામે આવી છે. BHU નર્સિંગની વિદ્યાર્થીની પૂનમ કુમારી અન્ય ઉમેદવારના નામે પરીક્ષા આપતી ઝડપાઈ હતી. ઉપરાંત AIIMS રાયબેરેલીના વિદ્યાર્થી સૌરભ ઝા, દિલ્હીની એક મેડિકલ કોલેજના ઇન્ટર્ન અમન અગ્રવાલ તેમજ NMCH નર્સિંગના વિદ્યાર્થી સંજીત અને તેના ભાઈની પણ ધરપકડ કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા અનુસાર NEET પરીક્ષા દરમિયાન મેડિકલ વિદ્યાર્થીઓને કેમ્પસ બહાર ન જવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. PMCH સહિત અનેક મેડિકલ કોલેજોમાં વિદ્યાર્થીઓને રોકવા માટે ખાસ સેમિનાર અને ક્વિઝ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમ છતાં કેટલાક વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું છે કે મયંક કશ્યપ બીમારીનું બહાનું બનાવી કોલેજમાંથી બહાર નીકળ્યો હતો અને બાદમાં લખીસરાયમાં ઝડપાઈ ગયો હતો.

પોલીસ હવે આ સમગ્ર ગેંગના નાણાકીય વ્યવહારો, અન્ય રાજ્યો સાથેના કનેક્શન અને પરીક્ષા કૌભાંડના વ્યાપ અંગે વધુ તપાસ કરી રહી છે.


આ પણ વાંચો: NEET-UG 2026 રી-એગ્ઝામ આજે, 22.79 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા; સુરક્ષામાં પ્રથમવાર એરફોર્સની મદદ

આ પણ વાંચો: NEET પરીક્ષા કેન્દ્રના વિવાદ પર NTA એ પુરાવા સાથે આપી સ્પષ્ટતા; કોઈ ટેકનિકલ ખામી નહોતી, પરંતુ …

આ પણ વાંચો: પશ્ચિમ રેલવે ચલાવશે ત્રણ જોડી NEET-2026 પરીક્ષા સ્પેશિયલ ટ્રેનો