India Weather/ દેશભરમાં બદલાયું હવામાન: મુંબઈમાં મેઘરાજાની એન્ટ્રી, 15 દિવસથી અટકેલો ચોમાસો હવે ફરી પકડશે ગતિ

મુંબઈમાં વરસાદથી ગરમીમાંથી રાહત, દેશના 19 રાજ્યોમાં ચોમાસું (Monsoon) પહોંચ્યું જ્યારે પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદ અને કેટલાક વિસ્તારોમાં હીટવેવની સ્થિતિ યથાવત છે.

Top Stories India
monsoon

India Monsoon Weather: મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં લાંબા સમયથી અનુભવાતી ગરમી અને ભારે ઉકળાટ વચ્ચે આખરે વરસાદે રાહત આપી છે. રવિવારે વહેલી સવારે મુંબઈના વિવિધ વિસ્તારોમાં સિઝનનો પ્રથમ સારો વરસાદ વરસતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

પશ્ચિમ ઘાટમાં સક્રિય સિસ્ટમથી વરસાદમાં વધારો

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ચોમાસું આ મહિનાની શરૂઆતમાં દક્ષિણ કોંકણ સુધી પહોંચી ગયું હતું, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તેની ગતિ ધીમી પડી હતી. હવે પશ્ચિમ ઘાટ વિસ્તારમાં સક્રિય બનેલી હવામાન પ્રણાલીના કારણે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિમાં વધારો નોંધાયો છે. આગામી એકથી બે દિવસમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું મહારાષ્ટ્રના વધુ વિસ્તારોમાં આગળ વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

દેશના 19 રાજ્યોમાં પહોંચ્યું ચોમાસું (Monsoon)

દેશવ્યાપી સ્થિતિની વાત કરીએ તો ચોમાસું અત્યાર સુધીમાં 19 રાજ્યોમાં પહોંચી ચૂક્યું છે. જોકે ઉત્તર પ્રદેશ અને બિહારની સરહદ નજીક આવેલા મહારાજગંજ વિસ્તારમાં છેલ્લા નવ દિવસથી તેની પ્રગતિ અટકેલી છે. હવામાન નિષ્ણાતોના મતે 23 જૂન આસપાસ અનુકૂળ પરિસ્થિતિ સર્જાતા ચોમાસું ફરી ગતિ પકડી ઓડિશા, ઝારખંડ, બિહાર, છત્તીસગઢ અને તેલંગાણાના વધુ વિસ્તારોમાં આગળ વધશે.

દિલ્હીમાં ચોમાસાની એન્ટ્રીમાં વિલંબ

બીજી તરફ, દિલ્હીમાં ચોમાસાની એન્ટ્રી માટે હજુ રાહ જોવી પડી શકે છે. સામાન્ય રીતે 27 જૂનની આસપાસ પહોંચતું ચોમાસું આ વખતે જુલાઈના પ્રથમ સપ્તાહમાં દિલ્હી પહોંચે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે.

પૂર્વોત્તર રાજ્યોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ

પૂર્વોત્તર ભારતના રાજ્યોમાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં ભારે વરસાદ સાથે તોફાની પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે કેરળ, કર્ણાટક, તમિલનાડુ અને તેલંગાણામાં પણ આગામી બે દિવસ દરમિયાન ભારે વરસાદ વરસી શકે છે.

કેટલાક વિસ્તારોમાં હીટવેવ યથાવત

આ તરફ દેશના કેટલાક વિસ્તારોમાં ગરમીનો કહેર યથાવત છે. ઉત્તર પ્રદેશના બાંદા શહેરમાં 44.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જે દેશનું સૌથી ગરમ સ્થળ રહ્યું. હવામાન વિભાગે પૂર્વી ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં આગામી બે દિવસ સુધી હીટવેવની સ્થિતિ યથાવત રહેવાની આગાહી કરી છે. જ્યારે ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં હાલ હવામાન સામાન્ય રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.


આ પણ વાંચો : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યના 15થી વધુ જિલ્લાઓમાં વરસાદી માહોલની શક્યતા

આ પણ વાંચો : દેશમાં ચોમાસાની ગતિ ધીમી હોવા છતાં અનેક વિસ્તારોમાં હવામાનનો કહેર, વીજળીના કડાકાથી 16નાં મોત

આ પણ વાંચો : પાંચ સિસ્ટમો વચ્ચે ફસાયું ચોમાસું, ગુજરાત સહિત 19 રાજ્યોમાં વરસાદની ભારે અછત