NEET UG 2026 Cancelled: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા 3 મેના રોજ લેવાયેલી NEET-UG 2026ની પરીક્ષાને સત્તાવાર રીતે રદ કરવામાં આવી છે. પેપર લીકના ગંભીર આક્ષેપો અને આ મામલે CBI તપાસની ઉગ્ર માગ વચ્ચે કેન્દ્ર સરકારની લીલી ઝંડી મળ્યા બાદ NTA દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. પરીક્ષાની નવી તારીખો હવે ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે.
3 મેના રોજ 23 લાખ ઉમેદવારોએ આપી હતી પરીક્ષા સમગ્ર દેશમાં ગત 3 મે 2026ના રોજ મેડિકલ પ્રવેશ માટેની આ પ્રતિષ્ઠિત પરીક્ષા યોજવામાં આવી હતી, જેમાં અંદાજે 23 લાખ જેટલા વિદ્યાર્થીઓ બેઠા હતા. પરંતુ, પરીક્ષા પૂર્ણ થતાની સાથે જ રાજસ્થાન સહિત કેટલાક ભાગોમાં હાથથી લખાયેલા ‘ગેસ પેપર્સ’ વાયરલ થયા હતા. તપાસ કરતા જાણવા મળ્યું કે આ ગેસ પેપરના પ્રશ્નો અસલ પરીક્ષાના પ્રશ્નપત્ર સાથે હૂબહૂ મળતા આવતા હતા, જેનાથી પેપર અગાઉથી જ લીક થઈ ગયું હોવાની આશંકા પ્રબળ બની હતી.
રાજસ્થાન SOG એક્શનમાં
13 શંકાસ્પદોની અટકાયત પેપર લીક કૌભાંડમાં ઇન્ટેલિજન્સ ઇનપુટ મળ્યા બાદ રાજસ્થાન સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) સફાળું જાગ્યું છે. SOG ની ટીમે 10 મેના રોજ સપાટો બોલાવીને દેહરાદૂન, સીકર અને ઝુંઝુનૂમાંથી 13 જેટલા શંકાસ્પદ લોકોની કસ્ટડી લીધી છે. ઝડપાયેલા શખ્સોમાં સીકરની એક જાણીતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ સાથે સંકળાયેલા કરિયર કાઉન્સિલરનો પણ સમાવેશ થાય છે.
National Testing Agency, with the approval of the Government of India, has decided to cancel the NEET (UG) 2026 examination conducted on 3 May 2026, and to re-conduct the examination on dates that will be notified separately. pic.twitter.com/fh4o4QtzfI
— ANI (@ANI) May 12, 2026
720માંથી 600 માર્કના પ્રશ્નો 2 દિવસ પહેલા જ લીક થયા!
SOG ની પ્રાથમિક તપાસમાં અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. પરીક્ષાના કુલ 720 માર્કસમાંથી 600 માર્કસના પ્રશ્નો બે દિવસ અગાઉથી જ સીકરમાં કેટલાક વિદ્યાર્થીઓ પાસે પહોંચી ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, કેરળની એક કોલેજમાંથી MBBS કરી રહેલા કોઈ વિદ્યાર્થીએ 1 મેના રોજ પોતાના સીકર સ્થિત મિત્રને આ ગેસ પેપર મોકલી આપ્યું હતું. ત્યારબાદ, આ પેપર સીકરના એક પીજી (PG) સંચાલકના હાથમાં આવ્યું, જેણે પોતાના ત્યાં રહેતા વિદ્યાર્થીઓને વહેંચી દીધું અને ત્યાંથી આ પેપર અલગ-અલગ લોકો સુધી પહોંચ્યું.
માસ્ટરમાઇન્ડ સુધી પહોંચવા ડિજિટલ પુરાવાઓની તપાસ હાલ SOG ની ટીમ સમગ્ર કૌભાંડના માસ્ટરમાઇન્ડ સુધી પહોંચવા માટે કડીઓ જોડી રહી છે. કસ્ટડીમાં લેવાયેલા તમામ શંકાસ્પદોના કોલ લોગ્સ અને સોશિયલ મીડિયા ચેટ્સની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. જોકે, આ પ્રશ્નપત્ર વિદ્યાર્થીઓ વચ્ચે એક ‘ગેસ પેપર’ના નામે ફરતું કરવામાં આવ્યું હતું, તેથી એજન્સી હાલ એ પણ ચકાસી રહી છે કે કાયદાકીય રીતે તેને પેપર લીકનો ગુનો ગણવો કે નહીં.
આ પણ વાંચો:રાજકોટમાં શિક્ષણ માફિયાનો કાળો કારોબાર: JEE-NEET કોચિંગની KOTA ફેક્ટરી
આ પણ વાંચો:NEET UG જાપાન ભારતીય વિદ્યાર્થીઓ માટે નવું મેડિકલ ડેસ્ટિનેશન બની રહ્યું છે,જાણો કારણ
આ પણ વાંચો:NEETની પરીક્ષા પાસ કરનાર કુલવીરસિંહ જાડેજાએ IPS પિતાને એવું તે શું કરી બતાવ્યું?
