Gandhinagar News/ GSRTC હવે હાઈટેક બન્યું, ડિજિટલ પેમેન્ટથી ગુજરાત ST નિગમને 722 કરોડની આવક

ગુજરાતની જીવાદોરી સમાન GSRTC હવે ડિજિટલ બની છે. વર્ષ 2025-26 માં ઓનલાઈન ટિકિટ અને QR કોડ પેમેન્ટથી નિગમે 722 કરોડની વિક્રમી આવક નોંધાવી.

Top Stories Gandhinagar Gujarat
GSRTC Digital Payment

GSRTC Digital Payment: ગુજરાતની જીવાદોરી ગણાતી એસ.ટી. બસ (GSRTC) હવે સંપૂર્ણપણે સ્માર્ટ અને હાઈટેક બની ગઈ છે. બસની ટિકિટ લેવા માટે બારીઓ પર લાગતી લાંબી લાઈનો અને કંડક્ટર સાથે છૂટા પૈસા માટે થતી રોજેરોજની માથાકૂટ હવે ભૂતકાળ બની રહી છે. ગુજરાત એસ.ટી. નિગમે ઓનલાઇન બુકિંગ અને QR કોડ સ્કેનિંગ જેવી સુવિધાઓ અપનાવીને વર્ષ 2025-26માં ₹722 કરોડની માતબર ડિજિટલ આવક સાથે એક નવો ઐતિહાસિક રેકોર્ડ સ્થાપ્યો છે.

કુલ આવકનો 30 ટકા હિસ્સો ડિજિટલ માધ્યમોથી

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની અંદાજે 8000 જેટલી બસો રાજ્યભરમાં દોડે છે. આજકાલ મુસાફરો ડિજિટલ પેમેન્ટ તરફ વધુ વળ્યા છે. એસ.ટી. નિગમની દરરોજની કુલ આવકમાં હવે ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો હિસ્સો વધીને સીધો 30 ટકા સુધી પહોંચી ગયો છે. આ આંકડાઓ દર્શાવે છે કે મુસાફરો હવે રોકડને બદલે ટેકનોલોજી અને કેશલેસ મુસાફરી પર વધુ વિશ્વાસ મૂકી રહ્યા છે.

GSRTC : મોબાઈલ એપ અને QR કોડની કમાલ

મુસાફરો હવે કોઈ પણ જટિલ પ્રક્રિયા વગર માત્ર ગણતરીની મિનિટોમાં જ પોતાના મોબાઈલથી ટિકિટ બુક કરી શકે છે. એટલું જ નહીં, જો તમે બસમાં બેસીને ટિકિટ લો છો, તો કંડક્ટરના ટિકિટ મશીન (EPIM) પર રહેલો QR કોડ સ્કેન કરીને માત્ર સેકન્ડોમાં જ પેમેન્ટ કરી ટિકિટ મેળવી શકો છો. વર્ષ 2025-26 (એપ્રિલથી માર્ચ) ના ચોંકાવનારા આંકડા મુજબ, એક જ વર્ષમાં 2.73 કરોડથી વધુ બેઠકોનું ઓનલાઇન બુકિંગ થયું છે, જેમાંથી 1.75 કરોડ ટિકિટો તો માત્ર GSRTC મોબાઈલ એપ દ્વારા જ બુક કરવામાં આવી છે.

60 દિવસનું એડવાન્સ બુકિંગ અને પારદર્શિતા

હવે મુસાફરો પોતાની સફરનું અગાઉથી સચોટ આયોજન કરી શકે તે માટે 60 દિવસ (બે મહિના) અગાઉ એડવાન્સ રિઝર્વેશનની સુવિધા પણ આપવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સતત માર્ગદર્શન હેઠળ વિસ્તરેલી આ ઓનલાઇન અને ડિજિટલ સેવાઓએ એસ.ટી. નિગમના વહીવટમાં જબરદસ્ત પારદર્શિતા લાવી છે. મોબાઈલ બુકિંગના કારણે ટિકિટ કાળાબજાર કે અન્ય ગેરરીતિઓ અટકી છે અને નિગમ પર જનતાનો ભરોસો વધુ મજબૂત બન્યો છે.


આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલે મહાકુંભ મેળામાં જવા GSRTCની વોલ્વો બસોને આપી લીલી ઝંડી

આ પણ વાંચો: GSRTC કર્મચારીઓ માટે રાજ્ય સરકારનો નિર્ણય: ફરજ દરમિયાન અવસાન થવા પર વળતરમાં વધારો

આ પણ વાંચો: GSRTC એ ભારતના હરિત અને એકીકૃત પરિવહનનું નેતૃત્વ સંભાળ્યું