દેશમાં ઓનલાઈન પેમેન્ટ કરનારા કરોડો યુઝર્સ માટે ટૂંક સમયમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. દેશની સૌથી લોકપ્રિય ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) ને લાંબા ગાળા સુધી કાર્યક્ષમ અને મજબૂત રાખવાના આશયથી સરકાર એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે. નવા પ્લાન મુજબ, ₹2000થી વધુના મોટા UPI ટ્રાન્ઝેક્શન પર હવે ફી વસૂલવામાં આવી શકે છે. અત્યાર સુધી યુઝર્સ માટે આ સેવા સંપૂર્ણપણે મફત છે, પરંતુ સતત વધતી ઓપરેટિંગ કોસ્ટ અને વ્યવહારોની સંખ્યાને પહોંચી વળવા માટે આ નવું આર્થિક મોડલ અપનાવવાની તૈયારી ચાલી રહી છે.
કોના ખિસ્સા પર પડશે ભાર? સામાન્ય ગ્રાહકોને રાહત
સૌથી રાહતની વાત એ છે કે આ સૂચિત ચાર્જ સામાન્ય ગ્રાહકોએ ચૂકવવો પડશે નહીં. સરકાર આ પ્રસ્તાવિત ફી માત્ર મોટા વેપારીઓ (Large Merchants) પર જ લાદવા જઈ રહી છે. એટલે કે, રોજિંદા વ્યવહારો કરતા સામાન્ય ગ્રાહકો માટે UPI નો ઉપયોગ પહેલાની જેમ જ તદ્દન મફત રહેશે. પેમેન્ટ ક્ષેત્રની કંપનીઓ અને બેંકો લાંબા સમયથી દલીલ કરી રહી હતી કે ભારતમાં UPI ટ્રાન્ઝેક્શનનું કદ જે ઝડપે વધી રહ્યું છે, તેને ધ્યાનમાં રાખીને સિસ્ટમની જાળવણી માટે કોઈ ચોક્કસ આવક ઊભી કરવી અનિવાર્ય બની ગઈ છે.
શું છે સરકારની ગણતરી? કેટલો લાગશે ચાર્જ?
સૂત્રોના જણાવ્યા અનુસાર, જો આ પ્રસ્તાવને મંજૂરી મળશે તો ₹ 2000થી ઉપરના પેમેન્ટ પર અંદાજે 0.5% જેટલો નાનો મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) વસૂલવામાં આવી શકે છે. આ રકમથી બેંકો અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સ પોતાના નેટવર્ક પાછળ થતા ખર્ચની ભરપાઈ કરી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા વિવિધ પેમેન્ટ એસોસિએશનો દ્વારા મોટા વેપારીઓ પર 0.3% સુધીનો MDR ચાર્જ લગાવવાની માંગ કરવામાં આવી હતી.
નાના વેપારીઓને કાયદામાંથી મુક્તિ
નાના ગલ્લાવાળાઓ, ફેરિયાઓ અને મધ્યમ કદના વેપારીઓને આ નવા ડિજિટલ ટેક્સના દાયરામાંથી મુક્ત રાખવામાં આવશે જેથી ગ્રાઉન્ડ લેવલ પર ઓનલાઈન પેમેન્ટને પ્રોત્સાહન મળતું રહે. અત્યાર સુધી સરકાર ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહિત કરવા માટે કરોડો રૂપિયાની સબસિડી આપતી આવી છે, પરંતુ ભવિષ્યની સ્થિરતા માટે હવે મોટો મર્ચેન્ટ ચાર્જ લાગુ કરવો જરૂરી બન્યો છે. જો સરકાર આ નિર્ણય પર મહોર મારશે તો મોટા કોમર્શિયલ પ્લેટફોર્મ્સ અને મોટા આઉટલેટ્સ માટે UPI દ્વારા નાણાં સ્વીકારવા મફત નહીં રહે.
