Ahmedabad Protest News: દિલ્હીમાં NEET પેપર લીક મુદ્દે લાંબા સમયથી વિરોધ ચાલી રહ્યો છે. આ મુદ્દે સોનમ વાંગચૂક પણ ઉપવાસ પર બેઠા હતા, પરંતુ તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમ છતાં શિક્ષણમંત્રીનું રાજીનામું ન લેવાતા તેના વિરોધમાં અમદાવાદમાં પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
યુથ કોંગ્રેસ દ્વારા અગાઉ વીડિયો મારફતે અમદાવાદમાં ચાર અલગ-અલગ સ્થળોએ વિરોધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જેના ભાગરૂપે 20 જુલાઈની વહેલી સવારે લો-ગાર્ડન હેપ્પી સ્ટ્રીટ ખાતે પ્રદર્શન માટે પોલીસ પાસે મંજૂરી માંગવામાં આવી હતી, પરંતુ પોલીસે પરવાનગી આપી નહોતી.
મંજૂરી ન હોવા છતાં કેટલાક યુવાનો બાબા સાહેબ આંબેડકરનું પુસ્તક અને બેનરો સાથે હેપ્પી સ્ટ્રીટ પહોંચ્યા હતા અને શિક્ષણમંત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. આ દરમિયાન પોલીસે કાર્યવાહી કરતા પ્રદર્શનકારીઓ સ્થળ પરથી ભાગવા લાગ્યા હતા. પોલીસે દોડધામ કરી કેટલાક યુવાનોની અટકાયત કરી હતી.
આ દરમિયાન રસ્તા પર બેસીને સૂત્રોચ્ચાર કરતી મહિલાઓની મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. પોલીસ કાર્યવાહી દરમિયાન પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. હાલ પોલીસે કેટલાક કાર્યકરોને કસ્ટડીમાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
