Morbi News : મોરબી (Morbi) શહેરમાં નિર્દોષ રખડતા શ્વાન (Dog)પર કરવામાં આવેલી ક્રૂરતા (Cruelty)ની ઘટના સામે આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. દરબારગઢ નજીક આવેલી ખોખાણી શેરીમાં એક શખ્સે રસ્તા પરથી પસાર થઈ રહેલા શ્વાન પર પથ્થર ફેંકીને હુમલો કર્યો હતો, જેના કારણે શ્વાનની એક આંખ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગઈ હતી. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને તેનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
સાંજના સમયે બની ઘટના

મળતી માહિતી મુજબ, આ ઘટના 17 જુલાઈના રોજ સાંજે આશરે 6 વાગ્યાની આસપાસ બની હતી. સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે એક શખ્સ હાથમાં પથ્થર લઈને ચાલતો આવે છે અને અચાનક રસ્તા પરથી પસાર થઈ રહેલા શ્વાન (Dog)ના મોઢાના ભાગે જોરદાર ઘા કરે છે. હુમલાથી શ્વાનની એક આંખ ફૂટી જાય છે. ઘટના બાદ આરોપી નિર્દયતાથી સ્કૂટર પર બેસી સ્થળ પરથી નીકળી જાય છે.
સોશિયલ મીડિયામાં આક્રોશ
વીડિયો વાયરલ થયા બાદ જીવદયા પ્રેમીઓ, પશુપ્રેમી સંસ્થાઓ અને સ્થાનિક નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. અનેક લોકોએ આ કૃત્યને અમાનવીય ગણાવી આરોપીની ઓળખ કરીને તેના વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.
કાર્યવાહીની માંગ તેજ
સ્થાનિક લોકોનું કહેવું છે કે નિર્દોષ પ્રાણીઓ પર આ પ્રકારની હિંસા કરનારાઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય. હાલ સોશિયલ મીડિયામાં પણ આરોપીની ધરપકડ કરવાની માંગ સાથે અનેક પોસ્ટ શેર થઈ રહી છે.
