Ahmedabad News : અમદાવાદમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB)એ લાંચ વિરોધી કાર્યવાહી દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના પ્રોપર્ટી ટેક્સ વિભાગમાં ફરજ બજાવતા એક જુનિયર ક્લાર્કને લાંચ (Bribe)લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. આરોપીએ પ્રોપર્ટી ટેક્સ (Property Tax)બિલમાં કબ્જેદાર તરીકે નામ દાખલ કરવાની અરજી મંજૂર કરવા માટે લાંચની માંગણી કરી હતી.
ACB પાસેથી મળતી માહિતી મુજબ, ફરિયાદીએ પોતાના મકાનના પ્રોપર્ટી ટેક્સ (Property Tax)બિલમાં કબ્જેદાર તરીકે નામ નોંધાવવા ટેક્સ વિભાગમાં અરજી કરી હતી. આ અરજીની કાર્યવાહી કરવા બદલ ટેક્સ મધ્યઝોન, પ્રોપર્ટી ટેક્સ વિભાગમાં ફરજ બજાવતા જુનિયર ક્લાર્ક જય દિનેશ કુલકર્ણીએ કુલ ₹5,000ની લાંચની માંગણી કરી હતી.
ફરિયાદી પાસેથી આરોપીએ અગાઉ ₹3,000 મેળવી લીધા હતા અને બાકીના ₹2,000 થોડા દિવસમાં આપવા જણાવ્યું હતું. જોકે ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે ACBએ ટ્રેપ ગોઠવ્યો હતો. ટ્રેપ દરમિયાન આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કર્યા બાદ ₹2,000ની લાંચ (Bribe)સ્વીકારી હતી. તે જ સમયે ACBની ટીમે દાણાપીઠ સ્થિત AMC સ્ટાફ કેન્ટીન ખાતે આરોપીને રંગેહાથ ઝડપી લીધો હતો.
ACBએ આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનાની વધુ તપાસ ચાલુ છે.
