Surat News : સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા સુરતમાં રોડ(Surat Road)ની બિસ્માર હાલત ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. રાજ્યસભાના સાંસદ અને જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા (Govind Dholakia)એ ઈચ્છાપોરથી એરપોર્ટ તરફ જતાં રસ્તાની દયનીય સ્થિતિ જોઈને ભારે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કારમાંથી જ રસ્તાની હાલતનો વીડિયો બનાવી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. બાદમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં શહેરમાં રાજકીય અને સામાજિક ચર્ચાનો માહોલ સર્જાયો છે.
“સુરતના રોડ (Surat Road)ની શરમજનક સ્થિતિ”
વીડિયોમાં ગોવિંદ ધોળકિયાએ રસ્તાઓ પર પડેલા મોટા ખાડા, કાદવ અને વરસાદી પાણીના કારણે ઉભી થયેલી મુશ્કેલીઓ દર્શાવતા કહ્યું કે, “સુરતની શરમજનક સ્થિતિ છે, કોઈના પેટનું પાણી નથી હલતું.” તેમના આ નિવેદન બાદ મનપાની કામગીરીને લઈને અનેક સવાલો ઊભા થયા છે.
માત્ર તંત્ર સુધી પહોંચાડવા બનાવ્યો હતો વીડિયો

ગોવિંદ ધોળકિયા ((Govind Dholakia))ના અંગત સહાયક ભાવેશભાઈના જણાવ્યા અનુસાર, વીડિયો રવિવારે બનાવવામાં આવ્યો હતો અને તેનો હેતુ માત્ર શહેરની સ્થિતિ અંગે જવાબદાર તંત્રનું ધ્યાન દોરવાનો હતો. આ વીડિયો મેયર માયા માવાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ, મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન અને શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલને વ્યક્તિગત રીતે મોકલવામાં આવ્યો હતો. વીડિયો સોશિયલ મીડિયામાં કેવી રીતે વાયરલ થયો તેની જાણકારી તેમને નથી.
સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય
વીડિયો વાયરલ થતાં સોશિયલ મીડિયા પર લોકો મનપા (Surat Municipal Corporation)ની કામગીરી અને રોડ મેન્ટેનન્સને લઈને ટીકા કરી રહ્યા છે. ઘણા યુઝર્સે સવાલ ઉઠાવ્યો કે જો સાંસદને પણ આવી સ્થિતિનો સામનો કરવો પડે છે તો સામાન્ય નાગરિકોની સમસ્યાઓ કેટલી ગંભીર હશે.
હીરા ઉદ્યોગને પણ અસર

ઈચ્છાપોર વિસ્તાર અને સુરત ડાયમંડ બુર્સને જોડતો માર્ગ હીરા ઉદ્યોગ માટે મહત્વનો માનવામાં આવે છે. અહીંથી દેશ-વિદેશના વેપારીઓની અવરજવર રહેતી હોવાથી બિસ્માર રસ્તાઓ શહેરની છબીને પણ અસર પહોંચાડી રહ્યા હોવાનું ઉદ્યોગકારોનું માનવું છે.
પ્રી-મોન્સૂન કામગીરી પર પ્રશ્નચિહ્ન
મનપા દ્વારા વરસાદ પહેલાં રોડ રિપેરિંગ અને પ્રી-મોન્સૂન કામગીરીના કરાયેલા દાવાઓ વચ્ચે આ વીડિયો સામે આવતા તંત્રની કામગીરી ફરી ચર્ચામાં આવી છે. હવે લોકોની નજર એ વાત પર છે કે રસ્તાઓની સમસ્યાના નિરાકરણ માટે તંત્ર કેટલા ઝડપી પગલાં ભરે છે.
