Lifestyle/ ચોમાસાની ઋતુ શરૂ થતાં જ ઘરમાં ગરમાગરમ ભજીયા, સમોસા અને વિવિધ વાનગીઓ બનાવવાનો ક્રેઝ વધી જાય છે. પરંતુ વરસાદી માહોલમાં ગૃહિણીઓ માટે રસોડાના મસાલા અને લોટ (Flour)ને સાચવવો એક મોટો પડકાર બની જતો હોય છે. વાતાવરણમાં વધતા ભેજને કારણે ખાસ કરીને મેંદો અને ચણાનો લોટ ખૂબ જ ઝડપથી નમી જાય છે. પરિણામે તેમાં ધાણારી, નાની કાળી જીવાત કે ઇયળો પડી જાય છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો, તો રસોડામાં જ ઉપલબ્ધ વસ્તુઓની મદદથી લોટને લાંબા સમય સુધી તાજો રાખવાના આ રહસ્યો જાણી લો.
રસોડાની આ 3 વસ્તુઓ જીવાતને રાખશે દૂર
કડવા લીમડાના પાનનો ઉપયોગ:
લીમડામાં કુદરતી એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિફંગલ ગુણો રહેલા છે. ચણાના લોટ કે મેંદાના હવાચુસ્ત ડબ્બામાં તાજા અથવા સૂકવેલા લીમડાના પાન મૂકી દેવાથી તેની તીવ્ર સુગંધને કારણે જીવાતો લોટની નજીક પણ આવતી નથી અને લોટ સુરક્ષિત રહે છે.
તમાલપત્ર:
તમાલપત્ર ડબ્બામાં રહેલા વધારાના ભેજને શોષી લેવાનું ઉત્તમ કામ કરે છે. ડબ્બામાં 2 થી 3 તમાલપત્ર મૂકીને ઢાંકણ કડક બંધ કરી દેવાથી લોટમાં ક્યારેય ધાણારી પડતી નથી.
સૂકા લાલ મરચાં અને લવિંગ:
સૂકા આખા લાલ મરચાં અને લવિંગની તીખી સુગંધ જીવાતોને બિલકુલ સહન થતી નથી. લોટ વચ્ચે 4-5 લવિંગ અને 3-4 સૂકા મરચાં દબાવીને મૂકી દો. જ્યારે પણ લોટ વાપરવો હોય ત્યારે આ મસાલા બાજુ પર કાઢી શકાય છે.
લોટ લાંબો સમય ફ્રેશ રાખવાની સ્માર્ટ સ્ટોરેજ ટિપ્સ
મહત્વપૂર્ણ ટીપ:
લોટને ડબ્બામાં ભરતા પહેલા એલ્યુમિનિયમ ફોઇલમાં બરાબર વીંટાળીને મૂકવાથી બહારનો ભેજ સીધો લોટ સુધી પહોંચી શકતો નથી. આ સિવાય લોટને હંમેશાં કાચના અથવા એર-ટાઈટ પ્લાસ્ટિક/સ્ટીલના ડબ્બામાં જ રાખવો.
ભારતીય રસોડામાં ચણાનો લોટ અને મેંદો દૈનિક વપરાશમાં આવે છે. જો જીવાતવાળો કે ભેજવાળો લોટ ઉપયોગમાં લેવામાં આવે તો તેનાથી પેટની બીમારીઓ અને પાચનની સમસ્યાઓ થઈ શકે છે. તેથી ચોમાસા દરમિયાન આ સરળ નુસ્ખા અજમાવીને પરિવારના સ્વાસ્થ્યની રક્ષા કરી શકાય છે.
આ પણ વાંચો :ચોમાસાની ભીની મોસમમાં ઘેરબેઠાં બનાવો મોંમાં પાણી લાવી દે તેવી 5 મસાલેદાર વાનગીઓ
આ પણ વાંચો :ડાયાબિટીસ, બીપી અને હાર્ટથી લઇ 39 જરૂરી દવાઓ સસ્તી; કેન્દ્ર સરકારે કિંમતો પર લગાવ્યો અંકુશ
