Surat News : સુરત જિલ્લામાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB)એ વધુ એક સફળ ડીકોય ઓપરેશન હાથ ધરી હલધરૂ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટરને ₹7,500ની લાંચ (Bribe)લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. નવા બાંધકામ કરાયેલા રહેણાંક મકાનની આકારણી કરી આપવા બદલ લાંચની માંગણી કરવામાં આવતી હોવાની માહિતીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.
એસીબીને મળેલી પ્રાથમિક માહિતી મુજબ હલધરૂ ગ્રામ પંચાયત ખાતે નવા રહેણાંક મકાનોની આકારણી કરવા માટે અરજદારો પાસેથી ₹7,000થી ₹14,000 સુધીની લાંચ માંગવામાં આવતી હતી. આ માહિતીની ખરાઈ કરવા માટે સુરત ગ્રામ્ય એસીબી દ્વારા ડીકોય ટ્રેપનું આયોજન કરવામાં આવ્યું હતું.
તપાસ દરમિયાન સહકાર આપનાર વ્યક્તિ સાથે આરોપીઓએ નવા મકાનની આકારણી કરી આપવા બદલ ₹7,500ની લાંચની માંગણી કરી હતી. પૂર્વ આયોજન મુજબ લાંચની રકમ સ્વીકારતા જ ACBની ટીમે બંને આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા હતા.
પકડાયેલા આરોપીઓમાં હલધરૂ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ભરતભાઈ બચુભાઈ વાળા (ઉંમર 35 વર્ષ) તેમજ કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર નિખિલભાઈ સંજયભાઈ ભાલીયાનો સમાવેશ થાય છે. બંને સામે ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ACBના જણાવ્યા મુજબ ડીકોય દરમિયાન માંગવામાં આવેલી, સ્વીકારવામાં આવેલી અને સ્થળ પરથી જપ્ત કરવામાં આવેલી લાંચની કુલ રકમ ₹7,500 છે. સમગ્ર કાર્યવાહી કામરેજ તાલુકાના હલધરૂ ગ્રામ પંચાયત કાર્યાલયમાં કરવામાં આવી હતી.
