2000ના દાયકાની શરૂઆતમાં દર્શકોના દિલ પર રાજ કરનાર અને ભારતીય ટેલિવિઝન ઇતિહાસના સૌથી યાદગાર શોમાંથી એક ‘Jeena Isi Ka Naam Hai’ ફરી એકવાર નવી રોમાંચક સીઝન સાથે ધમાકેદાર વાપસી કરી રહ્યો છે. દિવંગત અભિનેતા ફારૂક શેખના મધુર સંચાલનથી લોકપ્રિય બનેલો આ આઇકોનિક ટોક શો હવે ‘Jeena Isi Ka Naam Hai 2.0’ ના નામે જાણીતા OTT પ્લેટફોર્મ ZEE5 પર સ્ટ્રીમ થશે. આ નવી સીઝનને હોસ્ટ કરવાની મહત્વની જવાબદારી બહુમુખી પ્રતિભા ધરાવતા અભિનેતા આર. માધવન (Madhavan)ને સોંપવામાં આવી છે.
“સોશિયલ મીડિયા પર દેખાતી દુનિયાથી અલગ છે સાચું જીવન” – આર. માધવન
આ નવી સફર અંગે ઉત્સાહ વ્યક્ત કરતા આર. માધવને જણાવ્યું હતું કે આ આઇકોનિક શોનું સંચાલન કરવું એ માત્ર સન્માનની વાત નથી, પરંતુ એક મોટી જવાબદારી પણ છે.
માધવને શોની પ્રાસંગિકતા વિશે વાત કરતા ઉમેર્યું:
“આજના ડિજિટલ યુગમાં આપણને આપણા ફેવરિટ સ્ટાર્સ વિશે બધી જ માહિતી મળી જાય છે—તેઓ ક્યાં ફરે છે, શું કરે છે કે સોશિયલ મીડિયા પર શું પોસ્ટ કરે છે. પરંતુ પડદા પાછળ તેઓ ખરેખર કેવા માણસ છે તે જાણવું આજે પણ મુશ્કેલ છે. આ જ કારણ છે કે ‘જીના ઇસી કા નામ હૈ’ આજે પણ લોકોના દિલની એટલું જ નજીક છે.”
ગ્લોબલ લેવલે ભારતનું નામ રોશન કરનાર હસ્તીઓ બનશે મહેમાન
નવી સીઝનમાં જોવા મળનારા મહેમાનો વિશે સંકેત આપતા હોસ્ટ માધવને સ્પષ્ટ કર્યું કે આ વખતે સ્ટેજ પર એવા દિગ્ગજો હાજરી આપશે જેમણે વૈશ્વિક સ્તરે દેશનું નામ રોશન કર્યું છે. શોમાં તેમની સફળતાની હેડલાઇન્સ પાછળ છુપાયેલા માનવીય સંઘર્ષો, અંગત સંબંધો અને અત્યાર સુધી ન કહેવાયેલી વાર્તાઓને દર્શકો સમક્ષ લાવવામાં આવશે.
ક્યારથી શરૂ થશે ‘Jeena Isi Ka Naam Hai 2.0’?
ZEE5 એ પોતાની મલ્ટિ-લેંગ્વેજ લાઇનઅપના ભાગરૂપે આ શોની અધિકૃત જાહેરાત કરી છે. આ શોને એક સાંસ્કૃતિક વારસો ગણાવવામાં આવ્યો છે જેણે વર્ષો સુધી દર્શકો સાથે ભાવાત્મક જોડાણ જાળવી રાખ્યું હતું. જોકે, મેકર્સ દ્વારા શોની સ્ટ્રીમિંગ તારીખ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર ફોડ પાડવામાં આવ્યો નથી, પરંતુ ફેન્સમાં અત્યારથી જ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો :હોસ્પિટલ, સર્જરી અને ICU… બિગ બીની પોસ્ટથી ચાહકો ચિંતિત, કહ્યું- ‘ખેલ સમાપ્ત થયો છે, પણ કામ ચાલુ છે’
આ પણ વાંચો :‘રામાયણ 1’ ના ટ્રેલર પહેલાં જ પ્રિવ્યુ ફૂટેજ લીક: વાયરલ થયેલી ક્લિપ પર મેકર્સના કડક કાનૂની પગલાં
આ પણ વાંચો :અરિજિત સિંહની નિવૃત્તિનો અંત: ‘આવારાપન ૨’ માટે ગાયું નવું ગીત, આ તારીખે થશે રિલીઝ
