Delhi News :દેશમાં શિક્ષણ વ્યવસ્થામાં ખામીઓ અને NEET પરીક્ષા કૌભાંડને લઈને શરૂ થયેલું આંદોલન હવે ઉગ્ર રૂપ ધારણ કરી ચૂક્યું છે. દિલ્હીના જંતર-મંતર (Jantar-MANTAR)થી શરૂ થયેલો વિરોધ પ્રદર્શનનો આ દાવાનળ હવે સમગ્ર દેશમાં પ્રસરી ગયો છે. સંસદ માર્ચ દરમિયાન પ્રદર્શનકારીઓ અને દિલ્હી પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ થતાં માહોલ તંગ બન્યો હતો.
પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓ અને પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી. આ ઘટના બાદ વિપક્ષી દળોએ સરકાર પર તાનાશાહી અને દમનનો આક્ષેપ કર્યો છે, જ્યારે સામે પક્ષે સરકારે વિપક્ષ પર વિદ્યાર્થીઓના ભવિષ્ય પર રાજકારણ કરવાનો પલટવાર કર્યો છે.
જંતર-મંતરથી શરૂ થયેલો આક્રોશ દેશભરમાં વ્યાપ્યો
શરૂઆતમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને સામાજિક સંગઠનો દ્વારા શરૂ કરાયેલા આ આંદોલનમાં હવે કોંગ્રેસ સહિત સમગ્ર ‘ઈન્ડિયા’ ગઠબંધન (INDIA Alliance) જોડાઈ ગયું છે. જંતર-મંતર પરથી જ્યારે હજારો વિદ્યાર્થીઓએ સંસદ તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે પોલીસે બેરિકેડિંગ કરીને તેમને રોક્યા હતા. આ દરમિયાન ભારે ધક્કામુક્કી અને લાઠીચાર્જ દ્રશ્યો સર્જાયા હતા. સોશિયલ મીડિયા પર ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓની તસવીરો વાયરલ થતાં સમગ્ર દેશમાં ભારે જનરોષ જોવા મળી રહ્યો છે.
સંસદ પરિસરમાં કાળા કપડાં પહેરી વિપક્ષનો વિરોધ
રાહુલ ગાંધી (Rahul Gandhi) ની અટકાયત બાદ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. બુધવારે સવારે સંસદના મકર દ્વાર બહાર વિપક્ષી સાંસદોએ કાળા કપડાં પહેરીને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. સંસદના ચોમાસુ સત્ર દરમિયાન પણ આ મુદ્દે ભારે હંગામો જોવા મળ્યો હતો. દેશના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને વિપક્ષના આરોપોને ફગાવતા કહ્યું હતું કે, વિપક્ષ પોતાની રાજકીય રોટલી શેકવા માટે વિદ્યાર્થીઓને મહોરું બનાવી રહ્યું છે.
ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ આંદોલનની અસર
આ આંદોલન માત્ર દિલ્હી પૂરતું સીમિત નથી રહ્યું. ગુજરાતના અમદાવાદ સહિત દેશના અનેક મોટા શહેરોમાં વિરોધ પ્રદર્શનો યોજાયા છે. અમદાવાદમાં પ્રદર્શન કરી રહેલા લગભગ 150 જેટલા આંદોલનકારીઓની પોલીસે અટકાયત કરી હતી, જેમને પાછળથી છોડી મૂકવામાં આવ્યા હતા. દિલ્હીમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને 16 જેટલા મેટ્રો સ્ટેશનો બંધ કરી દેવામાં આવ્યા છે. આંદોલનકારીઓએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જ્યાં સુધી શિક્ષણ પ્રણાલીમાં સુધારો અને NEET કૌભાંડમાં ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશે.
આ પણ વાંચો :દિલ્હીમાં સંસદ માર્ચ બાદ તણાવ યથાવત, હિંસા કેસમાં 10 FIR; 2 હજાર CRPF જવાનો તૈનાત
આ પણ વાંચો :‘ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સુધી આંદોલન ચાલુ રહેશે’: JP નડ્ડા સાથેની બેઠક બાદ CJPની જાહેરાત
આ પણ વાંચો :‘વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કેમ?’ રાહુલ ગાંધી સહિત વિપક્ષના નેતાઓ લોકસભા સ્પીકરને મળ્યા, ચર્ચાની માંગ
