Ahmedabad Heavy Rain: અમદાવાદમાં સતત વરસી રહેલા ધોધમાર (Ahmedabad Flood) વરસાદે સમગ્ર શહેરને પાણીમાં ગરકાવ કરી દીધું છે. અનેક વિસ્તારોમાં રહેણાંક સોસાયટીઓ, બંગલાઓ અને મુખ્ય માર્ગો પર પાણી ભરાતા જનજીવન પર વ્યાપક અસર પડી છે. શહેરના અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામ સર્જાતા લોકો કલાકો સુધી રસ્તાઓ પર અટવાઈ ગયા હતા.

ભારે વરસાદને પગલે ગુજરાત યુનિવર્સિટીની થિયરી પરીક્ષાઓ રદ
રાજ્યમાં ભારે વરસાદ અને તેની અસરને ધ્યાનમાં રાખીને ગુજરાત યુનિવર્સિટીએ 24 જુલાઈ, 2026ના રોજ યોજાનારી તમામ થિયરી પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય લીધો છે. વિદ્યાર્થીઓની સુરક્ષા અને અવરજવરની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Ahmedabad Flood: AMCની તમામ આંગણવાડીઓ 27 જુલાઈ સુધી બંધ
અમદાવાદમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. બાળકોની સુરક્ષાને પ્રાથમિકતા આપતાં AMC સંચાલિત તમામ આંગણવાડીઓ 27 જુલાઈ 2026 સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વીડિયોમાં જાણો AMCની સત્તાવાર જાહેરાત અને તેની પાછળનું કારણ.
પારસનગરમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂરો દટાયા
અમદાવાદના પારસનગર વિસ્તારમાં ભારે વરસાદ વચ્ચે એક કન્સ્ટ્રક્શન સાઇટ ( Construction Site Accident) પર મજૂરો દટાયાની માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમમાંથી તાત્કાલિક ત્રણ ફાયર ટેન્ડર અને રેસ્ક્યુ ટીમને સ્થળ પર મોકલવામાં આવી છે. ફાયર બ્રિગેડે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન ચલાવી તમામને સુરક્ષિત બહાર કાઢ્યા, ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
Ahmedabad Flood: ભાજપે શરૂ કર્યો કંટ્રોલ રૂમ અને હેલ્પલાઇન, નાગરિકોને મદદ માટે મોટી પહેલ

Ahmedabad Flood: 13 કલાકમાં સરેરાશ 8 ઇંચ વરસાદ, સરખેજ-બોપલમાં 12થી 14 ઇંચ
સવારે 9 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા (Ahmedabad Flood) સુધીના 13 કલાક દરમિયાન અમદાવાદમાં સરેરાશ 13 ઇંચ વરસાદ નોંધાયો છે. સરખેજ, બોપલ અને ઘુમા વિસ્તારમાં 12થી 14 ઇંચ જેટલો ભારે વરસાદ પડતાં સ્થિતિ વધુ ગંભીર બની છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા અનેક પરિવારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
કામ વગર બહાર ન નીકળવા અને વર્ક ફ્રોમ હોમની અપીલ
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર (AMC) બંછાનિધિ પાનીએ નાગરિકોને બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે. સાથે જ ખાનગી કંપનીઓ, સંસ્થાઓ અને ઓફિસોને 24 અને 25 જુલાઈ દરમિયાન (AMC Rain Alert) શક્ય હોય ત્યાં સુધી કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ અથવા રજા આપવાની વિનંતી કરવામાં આવી છે, જેથી ભારે વરસાદ અને ટ્રાફિકની સ્થિતિ વચ્ચે લોકોની સુરક્ષા જળવાઈ રહે.
સિંધુભવન, એસજી હાઇવે અને બોપલમાં પાણી ભરાયા
ભારે વરસાદને કારણે સિંધુભવન રોડ, એસજી હાઇવે, બોપલ સહિતના અનેક મુખ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. પેલેડિયમ મોલ નજીક મુખ્યમંત્રીનો કાફલો પણ થોડા સમય માટે ટ્રાફિકમાં અટવાયો હતો.
વાસણા બેરેજના દરવાજા ખોલાયા, થલતેજમાં મૃતદેહ મળ્યો
વરસાદના કારણે પાણીની આવક વધતા વાસણા બેરેજના દરવાજા ખોલવામાં આવ્યા છે. આ દરમિયાન થલતેજ મેટ્રો સ્ટેશનની નીચે એક વ્યક્તિનો મૃતદેહ મળી આવતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસ અને સંબંધિત તંત્ર દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.
શહેરના 10 અંડરબ્રિજ વાહનવ્યવહાર માટે બંધ
વરસાદી પાણી ભરાતા અમદાવાદના 10 અંડરબ્રિજ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યા છે. તેમાં અખબારનગર, મકરબા, મીઠાખળી, કુબેરનગર, પરિમલ, શાહીબાગ, પાલડી જલારામ, મણિનગર દક્ષિણી, ઉસ્માનપુરા અને કાળીગામ અંડરબ્રિજનો સમાવેશ થાય છે. પાણીનો નિકાલ થયા બાદ જ વાહનવ્યવહાર ફરી શરૂ કરવામાં આવશે.
શાળા-કોલેજોમાં રજા, આખી રાત રેડ એલર્ટ યથાવત
ભારે વરસાદને ધ્યાનમાં રાખીને 24 જુલાઈ માટે અમદાવાદની તમામ શાળાઓ, કોલેજો અને આંગણવાડીઓમાં રજા જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગે સવાર સુધી રેડ એલર્ટ જાહેર કર્યું છે અને નાગરિકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
તંત્ર એલર્ટ મોડમાં, નાગરિકોને સાવચેતી રાખવા સૂચના
શહેરમાં ભારે વરસાદને પગલે AMC, ફાયર બ્રિગેડ, પોલીસ અને અન્ય વિભાગોની ટીમો સતત મોનિટરિંગ કરી રહી છે. પાણી ભરાયેલા વિસ્તારોમાં રાહત કામગીરી ચાલુ છે. તંત્રે નાગરિકોને પાણી ભરાયેલા રસ્તાઓ, અંડરબ્રિજ અને નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા તેમજ માત્ર સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં વરસાદનો પ્રચંડ કહેર: અનેક વિસ્તારો જળબંબાકાર; અંડરપાસ બંધ
આ પણ વાંચો: દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં
આ પણ વાંચો: ગુજરાતમાં મેઘતાંડવ: 19 જિલ્લામાં શાળા-કોલેજો બંધ, વલસાડમાં આર્મી તૈનાત; 22 હજારથી વધુ લોકોનું સ્થળાંતર
