india news/ ‘અહીં ભાષણ ન આપો!’: જંતર-મંતર હિંસા મામલે દિલ્હી હાઈકોર્ટે અરજદારને લીધો આડે હાથ, PIL દાખલ કરવા આદેશ

દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court) 20 જુલાઈના રોજ જંતર-મંતર ખાતે થયેલી હિંસા અંગેની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. અરજદારના વકીલને ભાષણ ન આપવાની તાકીદ કરીને કોર્ટે આ મામલો ચીફ જસ્ટિસની બેંચ સમક્ષ મોકલી આપ્યો છે.

India
Delhi High Court's severe reprimand

દિલ્હી હાઈકોર્ટ (Delhi High Court)ની સિંગલ જજ બેંચે 20 જુલાઈના રોજ જંતર-મંતર પર થયેલી હિંસક ઝડપો, પોલીસ પર હુમલા અને સરકારી સંપત્તિને પહોંચાડાયેલા નુકસાન અંગેની તપાસ માંગતી અરજી પર સુનાવણી કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. અદાલતે અરજદારને ખીજવાઈને આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે જો આ મામલો જનહિત સાથે જોડાયેલો હોય તો તેને નિયમ મુજબ જનહિત અરજી (PIL) તરીકે દાખલ કરવો જોઈએ. આ સાથે જ હાઈકોર્ટે આ અરજીને આગળની સુનાવણી માટે ચીફ જસ્ટિસની બેંચ સમક્ષ મોકલી આપી છે.

સિંગલ જજ બેંચે સુનાવણીનો કર્યો ઇનકાર; ચીફ જસ્ટિસ પાસે મોકલાયો મામલો

બિનસરકારી સંસ્થા (NGO) ‘સેવ ઈન્ડિયા ફાઉન્ડેશન’ દ્વારા દાખલ કરાયેલી આ અરજીમાં 20 જુલાઈની હિંસા દરમિયાન પોલીસ કર્મચારીઓ પર હુમલો કરનારા વિરુદ્ધ ત્વરિત FIR નોંધવા અને કડક તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી. જસ્ટિસ જાલાનની સિંગલ જજ બેંચે આ મુદ્દે સ્પષ્ટ કર્યું કે સિંગલ જજની બેંચ જનહિત અરજી પર સુનાવણી કરી શકે નહીં. જો અરજદાર વ્યક્તિગત રીતે આ ઘટનાથી પ્રભાવિત ન હોય, તો તેમણે નિયમ મુજબ PIL અથવા તો યોગ્ય સબંધીત મેજિસ્ટ્રેટ સમક્ષ અરજી કરવી જોઈએ.

 ‘અહીં વાર્તાઓ ન બનાવો’: વકીલની દલીલો પર હાઈકોર્ટની આકરી ફટકાર

સુનાવણી દરમિયાન જ્યારે અરજદારના વકીલે કોર્ટમાં દલીલ કરી કે “ટોળાંની હિંસાને કોઈપણ સંજોગોમાં સહન ન કરવી જોઈએ”, ત્યારે હાઈકોર્ટે તેમને અધવચ્ચે જ અટકાવ્યા હતા. કોર્ટે ટકોર કરતા કહ્યું, “અદાલતમાં સામાન્ય ભાષણ આપવાની કે વાર્તાઓ બનાવવાની કોઈ જરૂર નથી. કોર્ટ માત્ર નક્કી કરેલી કાનૂની પ્રક્રિયા અનુસાર જ કામ કરશે.”

ચીફ જસ્ટિસની કોર્ટમાં તમામ અરજીઓની એકસાથે થશે સુનાવણી

સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલે અદાલતને માહિતગાર કર્યા હતા કે 20 જુલાઈની હિંસા સાથે જોડાયેલો આવો જ એક મામલો પહેલેથી જ ચીફ જસ્ટિસની અદાલતમાં વિચારાધીન છે. તમામ પક્ષોને સાંભળ્યા બાદ જસ્ટિસ જાલાને નિર્દેશ આપ્યો કે જંતર-મંતર પ્રદર્શન અને હિંસા સાથે જોડાયેલી તમામ અરજીઓની સુનાવણી એકસાથે થાય તે માટે આ ફાઈલને ચીફ જસ્ટિસની બેંચ સમક્ષ મોકલવામાં આવે.

કોર્ટનું મહત્વપૂર્ણ અવલોકન:

 “અદાલત કાયદાકીય મર્યાદા અને પ્રક્રિયાથી બહાર જઈને નિર્ણય લઈ શકે નહીં. જો મામલો વ્યાપક લોકહિતનો હોય તો તેને યોગ્ય કાનૂની માળખામાં જ રજૂ કરવો પડશે.”


આ પણ વાંચો :સોનમ વાંગચુકના પારણાં બાદ નવો વિવાદ: કાનૂની સંરક્ષણમાં ‘શાંતિપૂર્ણ’ શબ્દ બન્યો ‘લક્ષ્મણ રેખા’, CJP સમર્થકોમાં અસંતોષ

આ પણ વાંચો :CJP આંદોલન પર વિદેશી ફંડિંગનો આક્ષેપ: NIA તપાસની માગ સાથે દિલ્હી હાઈકોર્ટમાં PIL

આ પણ વાંચો :26 દિવસના અનશન બાદ સોનમ વાંગચુકે પારણાં કર્યાં; જેપી નડ્ડાની હાજરીમાં સોનમ વાંગચુકના અનશનનો અંત