ઘર (house)ની સુંદરતા માત્ર મોંઘા ઈન્ટિરીયર કે સજાવટના સામાનથી જ નથી વધતી, પરંતુ હરિયાળી (Greenery) અને પ્રાકૃતિક (Natural)સુગંધ પણ વાતાવરણમાં સકારાત્મક ઊર્જા ભરી દે છે. જો તમે રાસાયણિક રૂમ સ્પ્રેથી દૂર રહીને ઘરને કુદરતી રીતે તાજગીસભર રાખવા માંગો છો, તો કેટલાક ખાસ સુગંધિત છોડ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. નાના કૂંડામાં પણ સરળતાથી ઉગાડી શકાતા આ છોડ ફ્લેટ, બાલકની કે ટેરેસ ગાર્ડનને મહેકાવવા માટે ઉત્તમ ગણાય છે.
ચોમાસું છે પ્લાન્ટેશન માટે ગોલ્ડન પીરિયડ; ઘર (House)માં લાવો આ 5 ખાસ છોડ
ચોમાસા (Monsoon)દરમિયાન હવામાનમાં રહેલો ભેજ અને ઠંડક છોડના ઝડપી વિકાસ માટે ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. આ ઋતુમાં નીચે દર્શાવેલા 5 સુગંધિત છોડ વાવીને તમે તમારા ઘરને પ્રાકૃતિક સુગંધથી ભરી શકો છો
મોગરો : નાના સફેદ ફૂલો ધરાવતો મોગરો સાંજ પડતાં જ વાતાવરણમાં ભીની સુગંધ ફેલાવે છે. પૂરતો તડકો અને નિયમિત પાણી આપવાથી તે બાલકની કે આંગણામાં લાંબા સમય સુધી ખીલે છે.
રાતરાણી: જો તમને રાત્રિના સમયે ઘરને કુદરતી સુગંધથી મહેકાવવું ગમતું હોય, તો રાતરાણી શ્રેષ્ઠ છે. તેના ફૂલો રાત્રે ખીલે છે અને તેની સુગંધ દૂર સુધી ફેલાય છે.
રજનીગંધા: લાંબા સફેદ ફૂલો ધરાવતો રજનીગંધા ઘરની શોભા વધારવાની સાથે મનમોહક સુગંધ આપે છે. હળવા ભેજવાળી માટી અને સૂર્યપ્રકાશ તેના ગ્રોથ માટે જરૂરી છે.
બેલા: ઓછી જગ્યા ધરાવતા ફ્લેટ્સ માટે બેલા ઉત્તમ વિકલ્પ છે. શ્રાવણ માસ અને ગરમીની મોસમ દરમિયાન નિયમિત ટ્રિમિંગ અને જૈવિક ખાતર આપવાથી તેમાં ભરપૂર ફૂલો આવે છે.
લેવેન્ડર: મોર્ડન ગાર્ડનિંગના શોખીનો માટે લેવેન્ડર શ્રેષ્ઠ છે. તેની હળવી સુગંધ તણાવ દૂર કરવામાં અને ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ સર્જવામાં મદદ કરે છે. તેને સારો તડકો અને ઓછું પાણી જોઈએ છે.
કૂંડામાં છોડની યોગ્ય કાળજી કેવી રીતે લેવી?
સુગંધિત છોડમાં વધુ ફૂલો મેળવવા માટે કૂંડામાં ક્યારેય પાણી ભરાઈ ન રહે તેનું ધ્યાન રાખવું જોઈએ. અઠવાડિયામાં એકવાર જૈવિક ખાતર (Organic Fertilizer) આપવું અને સૂકાં પાંદડાં કે કરમાયેલા ફૂલોને સમયસર કાપી નાખવા. સવારનો પૂરતો તડકો અને હવાની અવરજવર છોડને લાંબા સમય સુધી તાજા રાખે છે.
ગાર્ડનિંગ ટીપ:
“રસાયણયુક્ત રૂમ ફ્રેશનર કરતાં ઘરમાં વાવેલા કુદરતી સુગંધિત છોડ માનસિક શાંતિ આપે છે અને ઘરના વાતાવરણને શુદ્ધ રાખે છે.”
