Gujarat News: મુજબ રાજ્યમાં ચોમાસું જોરશોરથી આગળ વધી રહ્યું છે. 26 જુલાઈ, 2026 સુધીમાં ગુજરાતમાં સિઝનનો કુલ 53.67 ટકા એટલે કે 19.21 ઇંચ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 77.42 ટકા વરસાદ (Rain) વરસ્યો છે. ભારે વરસાદના કારણે 21 ડેમ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે, જ્યારે 22 સ્ટેટ હાઈવે સહિત કુલ 357 રસ્તા વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે. આજે રાજ્યના 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
સિઝનનો 53.67% વરસાદ, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ | Rain
રાજ્યમાં વરસાદ સતત વરસી રહ્યો છે. 26 જુલાઈ, 2026ના રોજ સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યમાં સરેરાશ 53.67 ટકા એટલે કે 19.21 ઇંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 32 જિલ્લાના 204 તાલુકામાં સરેરાશ 14.96 મિમી વરસાદ પડ્યો છે. સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં 5.51 ઇંચ નોંધાયો છે. આ ઉપરાંત ઓગડમાં 3.86 ઇંચ, ખેરગામમાં 3.39 ઇંચ, નડિયાદમાં 3.31 ઇંચ અને નાનાપોંઢામાં 3.11 ઇંચ વરસાદ નોંધાયો છે. અન્ય 13 તાલુકામાં પણ 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. ઝોન પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 77.42 ટકા વરસાદ નોંધાયો છે. પૂર્વ-મધ્ય ગુજરાતમાં 45.22 ટકા, સૌરાષ્ટ્રમાં 43.50 ટકા, ઉત્તર ગુજરાતમાં 39.53 ટકા અને કચ્છમાં સૌથી ઓછો 18.89 ટકા વરસાદ નોંધાયો છે.
આજે 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી
હવામાન વિભાગ (Weather Department) દ્વારા આજે રાજ્યના 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ (Orange Alert) જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગામી થોડા કલાકોમાં કચ્છ અને બનાસકાંઠામાં મધ્યમ વરસાદની શક્યતા છે. સાથે 41 કિમી પ્રતિ કલાકથી ઓછી ઝડપે પવન અને વીજળીના કડાકાની પણ આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, મોરબી, ખેડા, અરવલ્લી, મહીસાગર, નવસારી, ડાંગ, વલસાડ તેમજ દમણ, દાદરા અને નગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.
21 ડેમ હાઈ એલર્ટ પર, 7,995 લોકોનું રેસ્ક્યૂ
ભારે વરસાદને પગલે રાજ્યના જળાશયો (Reservoirs)માં પાણીની આવક સતત વધી રહી છે. સરદાર સરોવર (નર્મદા ડેમ) તેની કુલ ક્ષમતાના 69.25 ટકા સુધી ભરાયો છે. રાજ્યના 206 જળાશયોમાં કુલ 45.17 ટકા પાણીનો સંગ્રહ થયો છે. તેમાં 14 ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે, જ્યારે 25 ડેમ 70થી 100 ટકા વચ્ચે ભરાયેલા છે. સલામતીના ભાગરૂપે 21 ડેમ માટે હાઈ એલર્ટ, 4 ડેમ માટે એલર્ટ અને 14 ડેમ માટે વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે અત્યાર સુધીમાં 52,085 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યારે પૂર અને પાણીમાં ફસાયેલા 7,995 લોકોને સુરક્ષિત રીતે બચાવવામાં આવ્યા છે. હાલમાં NDRFની 17 ટીમો, SDRFની 33 પ્લાટૂન અને આર્મીની 5 ટીમો રાહત અને બચાવ કામગીરીમાં જોડાયેલી છે.
357 રસ્તા બંધ, 31 જુલાઈથી વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે
ભારે વરસાદને કારણે રાજ્યમાં કુલ 357 રસ્તા (Road Closure) બંધ કરવામાં આવ્યા છે. તેમાં 22 સ્ટેટ હાઈવે, 2 નેશનલ હાઈવે, 35 અન્ય રાજ્ય માર્ગો અને 278 પંચાયત માર્ગોનો સમાવેશ થાય છે. GSRTCએ અત્યાર સુધીમાં 1,309 બસ ટ્રિપ રદ કરી છે, જેના કારણે નિગમને 36.09 લાખથી વધુની આવકનું નુકસાન થયું છે. બીજી તરફ, રાજ્યમાં ખરીફ પાકનું વાવેતર 50.83 લાખ હેક્ટર વિસ્તારમાં પૂર્ણ થયું છે, જે સામાન્ય વાવેતરના 59.59 ટકા જેટલું છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં વેલમાર્ક્ડ લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. તેની અસર હેઠળ 30 જુલાઈથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ફરી એક વખત ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે. 31 જુલાઈ અને 1 ઓગસ્ટે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો:ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનો કહેર, સાબરકાંઠાના ઉડણી ગામે બોટ તણાઈ, NDRFની ટીમ એલર્ટ
આ પણ વાંચો:ગુજરાતમાં આગામી કલાકો ભારે: હવામાન વિભાગનું રેડ એલર્ટ, અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
