Gujarat News: ગુજરાતમાં ચોમાસાએ હાલ થોડો વિરામ લીધો છે, પરંતુ અત્યાર સુધીના વરસાદે રાજ્યના જળાશયોમાં નોંધપાત્ર વધારો કર્યો છે. સિઝનનો કુલ સરેરાશ વરસાદ 24.63 ટકા નોંધાયો છે, જ્યારે રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમ 65.81 ટકા ભરાઈ ગયો છે. બીજી તરફ, રાજ્યના 10 ડેમ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે અને ખેડૂતો દ્વારા ખરીફ પાકનું 21.74 ટકા વાવેતર પૂર્ણ કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન ભારે વરસાદની કોઈ આગાહી ન હોવાનું જણાવ્યું છે.
રાજ્યમાં ચોમાસા (monsoon)ની હાલની સ્થિતિ
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ચોમાસાએ વિરામ લીધો છે. છેલ્લા 24 કલાક દરમિયાન માત્ર નર્મદાના ગરૂડેશ્વર અને પંચમહાલના ગોધરા તાલુકામાં 1 મિમી વરસાદ (Rain)નોંધાયો હતો, જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં વાતાવરણ લગભગ કોરું રહ્યું હતું. વરસાદમાં વિરામને કારણે દિવસના તાપમાનમાં વધારો નોંધાયો છે. ભાવનગરમાં સૌથી વધુ 37.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જ્યારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 36.4 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું.
હાલ સુધી રાજ્યમાં કુલ 223.88 મિમી એટલે કે 8.81 ઇંચ વરસાદ નોંધાયો છે, જે સિઝનના સરેરાશ વરસાદના 24.63 ટકા જેટલો થાય છે. પ્રદેશવાર જોવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 534.92 મિમી (34.69 ટકા) વરસાદ નોંધાયો છે. ત્યારબાદ સૌરાષ્ટ્રમાં 27.61 ટકા વરસાદ થયો છે, જ્યારે કચ્છમાં માત્ર 1.92 ટકા વરસાદ નોંધાયો છે.
આગામી સાત દિવસ ભારે વરસાદની શક્યતા નહીં
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલ ઉત્તર પ્રદેશના મધ્ય ભાગમાં સક્રિય લો-પ્રેશર વિસ્તાર આગામી 24 કલાકમાં નબળો પડશે. ગુજરાત પર હાલ પશ્ચિમી પવનોની અસર જોવા મળી રહી છે. જેના કારણે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં કોઈ ભારે વરસાદ અથવા વાવાઝોડાની શક્યતા નથી.
જો કે, 11 જુલાઈના રોજ સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ત્યારબાદ વરસાદની ગતિ વધુ ધીમી રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
નર્મદા ડેમ સહિત 24 જળાશયો પર નજર
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર (નર્મદા) ડેમ (Narmada Dam)માં હાલમાં 2,19,842 એમસીએફટી પાણીનો સંગ્રહ થયો છે, જે કુલ સંગ્રહ ક્ષમતાના 65.81 ટકા જેટલો છે. ડેમમાં હાલ 11,841 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. નર્મદા સિવાય રાજ્યના અન્ય 206 જળાશયોમાં સરેરાશ 41.12 ટકા પાણીનો સંગ્રહ છે. જેમાં 6 ડેમ સંપૂર્ણ ભરાઈ ચૂક્યા છે, જ્યારે 18 ડેમ 70થી 100 ટકા વચ્ચે ભરાયેલા છે. પાણીની સતત આવકને ધ્યાનમાં રાખીને રાજ્યના 10 ડેમ હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. ઉપરાંત 4 ડેમ એલર્ટ અને 10 ડેમ વોર્નિંગ કેટેગરીમાં છે. વહીવટી તંત્ર દ્વારા તમામ જળાશયો પર સતત નજર રાખવામાં આવી રહી છે.
કપાસ અને મગફળીના વાવેતરમાં ખેડૂતોનો ઉત્સાહ
રાજ્યમાં ચાલુ ખરીફ (Kharif Sowing)સિઝનમાં અત્યાર સુધી કુલ 18,54,564 હેક્ટર વિસ્તારમાં વાવેતર પૂર્ણ થયું છે, જે સામાન્ય વિસ્તારના 21.74 ટકા જેટલું છે. રોકડિયા પાકોમાં કપાસનું વાવેતર સૌથી વધુ નોંધાયું છે. રાજ્યમાં અત્યાર સુધી 9,31,926 હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર થઈ ચૂક્યું છે, જે સામાન્ય વિસ્તારના 39.1 ટકા જેટલું છે. જ્યારે મગફળીનું 6,28,888 હેક્ટર વિસ્તારમાં એટલે કે 32.83 ટકા વાવેતર પૂર્ણ થયું છે.
આ ઉપરાંત સોયાબીનનું 35,200 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. શાકભાજીનું 57,695 હેક્ટર અને પશુઓના ઘાસચારા માટે 1,05,757 હેક્ટર વિસ્તારમાં વાવેતર નોંધાયું છે. કૃષિ વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં વરસાદની સ્થિતિને આધારે વાવેતરમાં વધુ વધારો થવાની શક્યતા છે.
સ્થળાંતર, બચાવ કામગીરી અને માર્ગોની સ્થિતિ
ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે અત્યાર સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી 8,324 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જ્યારે 3,711 લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. ભારે વરસાદ બાદ પંચાયત હસ્તકના 48 રસ્તાઓ અને એક રાજ્ય ધોરીમાર્ગ સહિત કુલ 54 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. જોકે, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ની તમામ એસટી બસ સેવાઓ હાલ નિયમિત રીતે ચાલુ હોવાનું તંત્રએ જણાવ્યું છે.
આ પણ વાંચો: ઉત્તર પ્રદેશમાં ચોમાસું નબળું પડતાં ઉકળાટમાં વધારો, 57 જિલ્લાઓમાં વીજળી પડવાની આગાહી
આ પણ વાંચો: રાજ્યમાં ચોમાસું સક્રિય, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસી શકે મેઘરાજા, જાણો સંપૂર્ણ માહિતી
આ પણ વાંચો: ગુજરાતમાં 26 જૂને સત્તાવાર ચોમાસું બેસવાની શક્યતા
