Junagadh News: જૂનાગઢના GIDC-2 વિસ્તારમાં આવેલી ગિરનાર બાયોમેડિકલ વેસ્ટ પ્લાન્ટને (Biomedical Waste Plant) લઈને ફરી એકવાર વિવાદ ઉભો થયો છે. સ્થાનિક ઉદ્યોગકારોએ પ્લાન્ટમાંથી નીકળતા ધુમાડા અને પ્રદૂષણના કારણે આસપાસનું વાતાવરણ અને લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થઈ રહી હોવાનો આક્ષેપ કર્યો છે. આ મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી છે.
Biomedical Waste Plant: 2 વર્ષથી ફરિયાદો છતાં ઉકેલ નહીં

ઉદ્યોગકારોનો દાવો છે કે છેલ્લા બે વર્ષથી વિવિધ સરકારી વિભાગો અને સંબંધિત તંત્ર સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવી રહી છે. તેમ છતાં પ્રદૂષણની સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. તેમના મતે સમસ્યા યથાવત હોવાથી ઉદ્યોગો અને કામદારો બંને મુશ્કેલીનો ( Waste Plant Controversy) સામનો કરી રહ્યા છે.
તપાસ વખતે ચીમની બંધ રાખવાનો આક્ષેપ
સ્થાનિક ઉદ્યોગકારોનું કહેવું છે કે છેલ્લા બે વર્ષથી અનેક વખત જિલ્લા કલેક્ટર, GPCB અને ગાંધીનગર સુધી લેખિત રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. ઉદ્યોગકારોનો દાવો છે કે તપાસ દરમિયાન પ્લાન્ટની ચીમની બંધ રાખવામાં આવે છે, પરંતુ અધિકારીઓ નીકળ્યા બાદ ફરીથી કાળો ધુમાડો છોડવામાં આવે છે. તેઓએ આક્ષેપ કર્યો કે પ્રદૂષણ કારણે કારખાનાના પતરાં સડી રહ્યા છે અને કામદારો પણ કામ કરવા તૈયાર થતા નથી.
GPCBએ આક્ષેપોને ફગાવ્યા
બીજી તરફ આ સમગ્ર મામલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી એમ.ઓ. ત્રિવેદીએ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે. તેમનું કહેવું છે કે ગિરનાર બાયોમેડિકલ વેસ્ટ એજન્સીએ વર્ષ 2005થી માન્ય પરવાનગીઓ સાથે કાર્યરત છે અને સમયાંતરે તેની મંજૂરીનું નવીનીકરણ કરવામાં આવે છે. લોકોની ફરિયાદ બાદ કલેક્ટરની સમિતિની હાજરીમાં 24 કલાક સુધી હવા, ચીમની, પાણી અને અન્ય પરિમાણોની તપાસ કરવામાં આવી હતી, જેમાં તમામ પરિણામો નિયત ધોરણોની અંદર હોવાનું સામે આવ્યું છે.
સ્વતંત્ર તપાસની માંગ પર અડગ ઉદ્યોગકારો
GPCBના સ્પષ્ટીકરણ છતાં સ્થાનિક ઉદ્યોગકારો સંતોષ માનવા તૈયાર નથી. તેઓ સમગ્ર મામલે સ્વતંત્ર એજન્સી દ્વારા નિષ્પક્ષ તપાસ કરાવવાની તેમજ જો કોઈ બેદરકારી સામે આવે તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ પર અડગ છે.
સ્વાસ્થ્ય અને પર્યાવરણ અંગે વધી ચિંતા
ઉદ્યોગકારોનું કહેવું છે કે જો પ્રદૂષણની સમસ્યા યથાવત રહેશે તો આસપાસ કાર્યરત કામદારોના સ્વાસ્થ્ય તેમજ સમગ્ર ઔદ્યોગિક વિસ્તારના પર્યાવરણ પર લાંબા ગાળે ગંભીર અસર પડી શકે છે. તેઓ પ્લાન્ટમાં ઉપયોગમાં લેવાતી ટેકનોલોજી અને તેની કાર્યપદ્ધતિની પણ સમીક્ષા કરવાની માંગ કરી રહ્યા છે.હાલ એક તરફ ઉદ્યોગકારો પ્રદૂષણના ગંભીર આક્ષેપો કરી રહ્યા છે તો બીજી તરફ GPCB તમામ નિયમોનું પાલન થતું હોવાનું કહી રહ્યું છે. આવી સ્થિતિમાં હવે સ્વતંત્ર તપાસ થાય છે કે નહીં અને તંત્ર આ મામલે આગળ શું પગલાં ભરે છે તેના પર સૌની નજર ટકેલી છે.
સળગતા સવાલ
જૂનાગઢ GIDC-2માં પ્રદૂષણ માટે ખરેખર જવાબદાર કોણ?
બે વર્ષથી ફરિયાદો છતાં કાયમી ઉકેલ કેમ આવ્યો નથી?
તપાસ દરમિયાન જ પ્લાન્ટની ચીમની બંધ રાખવાના આક્ષેપોમાં કેટલું સત્ય?
જો પ્રદૂષણ નથી તો સ્થાનિક ઉદ્યોગકારો સતત વિરોધ કેમ કરી રહ્યા છે?
GPCBની તપાસ સંપૂર્ણ પારદર્શક હતી કે નહીં?
કામદારોના સ્વાસ્થ્યને લઈને સ્વતંત્ર અભ્યાસ થશે?
બાયોમેડિકલ વેસ્ટ પ્લાન્ટમાં ઉપયોગમાં લેવાતી ટેકનોલોજીની સમીક્ષા થશે?
જો નિયમોનો ભંગ થયો હોય તો જવાબદારો સામે કડક કાર્યવાહી થશે?
આ પણ વાંચો: સુરતમાં જર્જરિત મકાનનો સ્લેબ ધરાશાયી, મેડિકલ સ્ટોરના 75 વર્ષીય માલિકનું મોત
આ પણ વાંચો: ભારે વરસાદને લઈ રાજ્ય સરકાર હાઈ એલર્ટ, ફ્લડ કંટ્રોલ સેલમાં જળ સંપત્તિ મંત્રીની મહત્વપૂર્ણ બેઠક
