Entertainment News/ બોલિવૂડમાં શોકની લહેર: દેવ આનંદના પુત્ર સુનીલ આનંદનું 70 વર્ષની વયે લંડનમાં હાર્ટ એટેકથી નિધન

સુપ્રસિદ્ધ અભિનેતા દેવ આનંદના પુત્ર સુનીલ આનંદ (Sunil Anand)નું 70 વર્ષની વયે લંડન ખાતે હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. તેમની ભત્રીજી ગિની નારંગે આ સમાચારની પુષ્ટિ કરી છે. સુનીલ આનંદે પિતાના પ્રોડક્શન હાઉસ નવકેતન ફિલ્મ્સમાં મહત્વનું પ્રદાન આપ્યું હતું.

Entertainment
Sunil Anand passes away in London.

હિન્દી સિનેમાના દંતકથા સમાન દિવંગત અભિનેતા દેવ આનંદના પુત્ર સુનીલ આનંદ (Sunil Anand)નું લંડન ખાતે હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું છે. 70 વર્ષની વયે તેમણે હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. વર્ષ 2011 માં દેવ આનંદના અવસાન બાદ હવે પરિવાર પર વધુ એક દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. સુનીલ આનંદની ભત્રીજી ગિની નારંગે એક સત્તાવાર નિવેદન જારી કરીને આ દુઃખદ સમાચારની પુષ્ટિ કરી છે અને આ મુશ્કેલ સમયમાં પરિવાર માટે પ્રાઇવસી જાળવવાની વિનંતી કરી છે.

લંડનમાં સારવાર દરમિયાન લીધા અંતિમ શ્વાસ

સુનીલ આનંદને અચાનક હાર્ટ એટેક આવ્યા બાદ લંડનની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનના સમાચારથી બોલિવૂડ અને ચાહકોમાં શોકની કાલીમા છવાઈ ગઈ છે. ગિની નારંગે પરિવાર વતી કૃતજ્ઞતા વ્યક્ત કરતા જણાવ્યું કે આ કઠિન ક્ષણોમાં સૌ તરફથી મળી રહેલા પ્રેમ અને સાંત્વના માટે તેઓ આભારી છે.

બોલિવૂડના દિગ્ગજ સ્ટાર્સ પોતાના સંતાનોને સામાન્ય રીતે મોટા પાયે મુખ્ય હીરો તરીકે લોન્ચ કરતા હોય છે, પરંતુ દેવ આનંદે 1984 માં નિર્દેશિત ફિલ્મ ‘આનંદ ઔર આનંદ’માં સુનીલને સપોર્ટિંગ રોલથી ડેબ્યૂ કરાવ્યું હતું. આ ફિલ્મમાં દેવ આનંદ, રાખી અને સ્મિતા પાટિલ જેવા કલાકારો હોવા છતાં ફિલ્મ ફ્લોપ રહી હતી. ત્યારબાદ તેમણે વિજયતા પંડિત સાથે ‘કાર થીફ’ અને પોતાના કાકા દ્વારા નિર્દેશિત ‘મૈં તેરે લિયે’ માં મુખ્ય ભૂમિકાઓ ભજવી, પરંતુ આ ફિલ્મો પણ થિયેટરોમાં દર્શકોને ખેંચવામાં અસફળ રહી હતી.

પિતાના અવસાન બાદ ‘નવકેતન ફિલ્મ્સ’નું સંભાળ્યું હતું કામકાજ

વર્ષ 2001 માં સુનીલ આનંદે પોતે નિર્દેશિત કરેલી માર્શલ આર્ટ્સ આધારિત ફિલ્મ ‘માસ્ટર’ દ્વારા કમબેક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પણ સફળ ન થઈ. ત્યાર પછી તેમણે એક્ટિંગથી અંતર જાળવી લીધું હતું. વર્ષ 2011 માં દેવ આનંદના મૃત્યુ સુધી તેમણે પિતાના હોમ પ્રોડક્શન હાઉસ ‘નવકેતન ફિલ્મ્સ’માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કાર્ય કર્યું અને બાદમાં પ્રોડક્શનની જવાબદારી સંભાળી હતી. સુનીલ આનંદના માતા અને ભૂતપૂર્વ અભિનેત્રી કલ્પના કાર્તિક હાલ તેમની પુત્રી સાથે ઉટીમાં નિવૃત્ત જીવન વિતાવી રહ્યા છે.


આ પણ વાંચો :આમિર ખાનના સાવકા ભાઈ પર પૂર્વ પત્ની ઈવા ગ્રોવરના ગંભીર આરોપ: “ડાયરેક્ટર્સ સાથે સુવા માટે દબાણ કરતો”

આ પણ વાંચો :‘કરણે મને જોરથી થપ્પડ મારી અને ગાળો આપી’, ટીવી એક્ટ્રેસ સાનવી તલવારના ખુલાસાથી ઇન્ડસ્ટ્રીમાં ખળભળાટ

આ પણ વાંચો :આમિર ખાને અશનીર ગ્રોવરની બાયોપિક છોડી, શ્રદ્ધા કપૂરના નવા હીરોની શોધ શરૂ!